રંગતાળી ગરબા-ગઝલ – જવાહર બક્ષી
એક વાગી અજાણી તાળી કે રંગમાં રંગતાળી,
એક અણદીઠ સૂરત ભાળી કે રંગમાં રંગતાળી.
કેમ રોકાય તાળી રોકે પળમાં જ પહોંચી ત્રિલોકે,
સાવ અમથી જરા ઉલાળી કે રંગમાં રંગતાળી.
દ્વાર દસ દસ દિશાનાં ઝૂલે કૈં અવનવાં દૃશ્ય ખૂલે,
હું તો બેઠો પલાંઠી વાળી કે રંગમાં રંગતાળી.
રંગબેરંગ આખીય સૃષ્ટિ કે માત્ર મારી જ દૃષ્ટિ?
ઓગળી ગઈ કે પાછી વાળી કે રંગમાં રંગતાળી
– જવાહર બક્ષી
ગુજરાતી કવિતા કે સાહિત્યમાં સહેજ પણ રસ ન હોય તોય ‘રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી’ -શ્રી વલ્લભ ભટ્ટના આ ગરબાથી અજાણ હોય એવો ગુજરાતી મળવો મુશ્કેલ છે. પ્રસ્તુત ગરબા-ગઝલમાં કવિએ ગરબાની ધ્રુવપંક્તિને રદીફ બનાવીને ગરવાના ઢાળમાં જ સ-રસ ગઝલ કહી છે. પણ આ રંગ ‘મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો’વાળો ભગવો રંગ છે. તાળી લાગી જવી એટલે ધ્યાન લાગી જવું. અહીં જે અજાણી તાળી લાગવાની વાત છે એ પણ પરમ ચેતના સાથે સુરતા જોડાવાની વાત છે. કરમણ ભગત જેવા અનેક ભક્તા કવિઓએ તાળી લાગવાનો મહિમા કર્યો છે:‘આંખમાં એવાં તો આંજણ આંજ્યાં કે તનડામાં તાળી લાગી ગઈ,’ ‘ત્રિકુટિમાં લાગી મુંને તાળી.’દરેક શેરના ઉલા મિસરામાં આંતર્પ્રાસગુંથણીના કારણે કૃતિમાં ગરબામાં હીચ લેતા હોઈએ એવી પ્રવાહિતા પણ ઉમેરાઈ છે. ઈશ્વર સાથે તાર જોડાઈ ગયા બાદ આખી સૃષ્ટિ રંગબેરંગી પ્રતીત થાય છે. આ પ્રતીતિ કેવળ સ્વયંની દૃષ્ટિનો કમળો જ હોય તોય હવે ફરક નથી પડતો, કારણ નજર ચરમ ચેતનામાં ઓગળી ગઈ હોય કે ભીતર પાછી વળી ગઈ હોય, હવે બધું એકસમાન છે.

