તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

નિછાવર કહ્યા વિના – મસ્ત ‘હબીબ’ સારોદી

ચાલી રહ્યું છે ભાગ્યનું ચક્કર કહ્યા વિના,
એના જ ફેરમાં છું બરાબર કહ્યા વિના.

દુઃખ એ કરે છે દૂર, નિરંતર કહ્યા વિના,
ચાલું ન કેમ, એના કહ્યા પર કહ્યા વિના.

દિલમાં કરે છે ઘર એ ખરેખર કહ્યા વિના,
પામી રહ્યાં છે એમ એ આદર કહ્યા વિના.

પૂછે છે વાત આવી એ આખર કહ્યા વિના,
સમજી શકાય કેમ બરાબર કહ્યા વિના.

શું-શું કર્યું ના પ્રેમની ખાતર કહ્યા વિના,
જીવન કર્યું સહર્ષ નિછાવર કહ્યા વિના.

મારી પ્રશસ્તિ કર હવે દુનિયા તું સૂક્ષ્મ થઈ,
હું છું અમર ને તું તો છે નશ્વર કહ્યા વિના.

સુખ—દુઃખ તો ફરતી છાંવ છે, ચિંતા ન કર ‘હબીબ’,
વર્ષા તો આવી જાય સમય પર કહ્યા વિના.

– મસ્ત ‘હબીબ’ સારોદી

તરહી ગઝલોના દૌરની આ ગઝલ વાંચતાવેંત આ જ જમીન પર રચાયેલ મરીઝની જાણીતી ગઝલ તરત જ યાદ આવે:

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.

મસ્ત ‘હબીબ’ સારોદીની આ ગઝલ દેખીતી રીતે જ મરીઝની ગઝલની ઊંચાઈએ પહોંચી નથી શકી, પણ કવિને ગુજરાતી ગઝલના ઇતિહાસના પરિશીલનમાં અગત્યના માઇલસ્ટોન તરીકે યાદ કરવા જ રહ્યા. બીજા શેરમાં પરમ શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દાવા-દલીલની પરંપરાગત રીતિથી સરસ રીતે વ્યક્ત થઈ છે. જે શક્તિ આપણને કહ્યા વિના આપણાં નિરંતર આપણાં દુઃખ દૂર કરતી રહે છે, પૂર્ણ શરણાગતિથી એના કહ્યાનું અનુસરણ કેમ ન કરીએ! ત્રીજો શેર હાંસિલે-ગઝલ- પ્રથમ વાંચને ગમી જાય અને બીજા વાંચને કહ્યા વિના દિલમાં ઘર કરી જાય અને ત્રીજા વાંચને આદર પામે એવો! કેવી કળાત્મક્તાથી કવિએ પ્રણયમાં આદરને સ્થાન આપ્યું છે!

Leave a Comment