ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
– મેઘબિંદુ

હવે જળ વિરામશે – રઘુવીર ચૌધરી

કોના સ્મરણમાં આજ આ એકાન્ત ઓગળે?
કોની નજર વાતાવરણમાં એકલી તરે?

દર્પણમાં શોધવા જતાં પોતાને, શી ખબર-
– એનું એ પ્રતિબિમ્બ પરાયું બની જશે!

અંતે તો નામરૂપ હશે, કલ્પના ભલે,
વીતી જવામાં એય કયાંક સાથમાં હશે.

ઝંખે છે એક સ્થિર ઘડી આ તરલ સમય,
મારી અધૂરી વાત અટકતાં પૂરી થશે.

ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને,
મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે.

– રઘુવીર ચૌધરી

ગાંધી-અનુગાંધી યુગમાં ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન ભગત જેવા મોટા કવિઓનો એક વર્ગ ગઝલથી આભડછેટ રાખતો હતો, તો ઉશનસ, જયન્ત પાઠક, રાજેન્દ્ર શાહ જેવા કવિઓએ ગઝલને અપનાવવા-અજમાવવાની કોશિશ યથામતિ કોશિશ પણ કરી હતી. રઘુવીર ચૌધરીએ પણ કેટલીક ગઝલો આપી છે. જો કે સૉનેટ, ગીત તેમજ અન્ય છાંદસ ઊર્મિકાવ્યોથી ટેવાયેલી કલમોએ ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને સમજવામાં ઘણી જગ્યાએ ગોથું ખાધું છે. પ્રસ્તુત ગઝલમાં મત્લા તેમજ બીજા શેરના સાની મિસરામાં છંદ જળવાયો નથી, પણ એ સિવાય ગઝલ સરસ થઈ છે. વાત તો એકલતાની છે, પણ પ્રિયપાત્રના સ્મરણનો સથવારો થતાં જ એકાંત એકાંત રહેતું નથી. દર્પણમાં આપણે સ્વયંને જોઈએ તો છીએ, પણ ઉપલક જ. દર્પણમાં દેખાતા શખ્સને ઓળખવા જઈશું તો ખુદનું પ્રતિબિંબ પણ પરાયું લાગવાની ભીતિ છે. ત્રીજો શેર સહેજ ઠીકઠાક છે, પણ છેલ્લા બે શેરમાં ખરી ગઝલિયત ઊભરી આવી છે. સમય તરલ છે, સતત વહેતો રહે છે, પણ એને એક જ સ્થિર ઘડીની તલાશ છે. આપણી વારતા નિરંતર ચાલતી રહે છે. પણ જે ઘડીએ સમયને પળભર માટેય સ્થિરતા સાંપડશે એ ઘડીએ મૃત્યુ આપણી છેવટ સુધી અધૂરી રહેલી વાર્તાને પૂરી કરી દેશે. ગઝલનો એક મિજાજ છે- કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં (શૂન્ય પાલનપુરી), અને બીજો મિજાજ છે કિનારાને જોતાવેંત, કિનારો જો આ જ છે તો તરીને કરવું શુંના વિચારે વહાણનું ડૂબી જવું. અસ્તિત્ત્વનો અંત આવતાં જ મોજાંય શાંત થઈ જાય છે, અને જળ પણ વિરામ લે છે.

6 Comments »

  1. Harihar Shukla said,

    August 30, 2026 @ 12:00 PM

    સરસ ગઝલ

  2. ધીરૂ said,

    August 30, 2026 @ 12:32 PM

    ગઝલ કવિતાનો સૌથી વધુ કઠિન પ્રકાર છે..પણ ગુજરાતીમાં કવિઓએ એને આસાન સમજી વેઠ ઉતારવામાં નામના મેળવી છે..પ્રથમ શેર: “એકાન્ત ઓગળે” અને “નજર તરે” – અહીં ‘એકાન્ત’ (ભાવ/અમૂર્ત) ને ઓગળવાની અને ‘નજર’ને તરવાની ભૌતિક ક્રિયા સાથે જોડવાનો પ્રયાસ છે, પરંતુ આ કલ્પન (imagery) આગળ વધીને કોઈ ઊંડો અનુભવ ઊભો કરતું નથી.

    ​ત્રીજો શેર: “નામરૂપ હશે, કલ્પના ભલે” – આ શેર વિચારોના સ્તરે જ રહી જાય છે. કાવ્યાત્મક સંવેદનાને બદલે તત્વજ્ઞાન કે નિબંધ જેવી શુષ્કતા વધુ વર્તાય છે.

    ​૨. સંવેદનાની નબળી અભિવ્યક્તિ અને ચોટનો અભાવ:

    ગઝલ કે ઉત્તમ કવિતાની તાકાત એની ‘ચોટ’ અને સંવેદનામાં હોય છે.

    ​દર્પણ વાળો શેર: “દર્પણમાં શોધવા જતાં પોતાને… પ્રતિબિમ્બ પરાયું બની જશે” – આ વિચાર ગુજરાતી કવિતામાં અત્યંત વપરાયેલો છે. એમાં કોઈ નવો વળાંક કે ચમત્કૃતિ નથી.

    ​છેલ્લો શેર: “ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને…” – કિનારા પાસે વહાણ ડૂબવાનો વિરોધાભાસ સારો છે, પરંતુ “મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે” પંક્તિ એ વિરોધાભાસની તીવ્રતાને વધારવાને બદલે શમાવી દે છે, જેથી અંતે જે ચોટ લાગવી જોઈએ તે શમી જાય છે.

  3. Yogesh Samani said,

    August 30, 2026 @ 12:55 PM

    સરસ ગઝલ 👌
    બીજા શેરમાં સાની મિસરામાં છંદ જળવાયો છે?

  4. વિવેક said,

    August 30, 2026 @ 2:24 PM

    @ Yogesh Samani

    yes.

    મત્લા તેમજ બીજા શેરના સાની મિસરામાં છંદ જળવાયો નથી.

  5. Yogesh Samani said,

    August 30, 2026 @ 3:18 PM

    સરસ ગઝલ.
    બીજા શેરમાં સાની મિસરામાં છંદ જળવાયો નથી.

  6. Yogesh Samani said,

    August 30, 2026 @ 5:53 PM

    સરસ ગઝલ 👌
    બીજા શેરના સાનીમાં પણ છંદ જળવાયો નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment