પ્રોષિતભર્તૃકાની ગઝલ – પથિક પરમાર
હું છવ અકરમી તૈં પિયુ બારે ગિયો છ બૈ,
વાણા વયા છ તોય ન ચ્યમ આવિયો છ બૈ?
‘લ્યી એય ગોવાલણિયું! ઊભી તો ર્યો ની જરી,
મારા ભેરુને ચ્યાંય તમે ભાળિયો છ બૈ?
નૈતર ન ડાબી આંખ થરુકે થરક-થરક,
લાગે છ દખનો ડુંગરો આવી રિયો છ બૈ!
બથમાં વલખતી રાત લઈને ઝૂર્યા કરું,
સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?
પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!
પાણી ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં-
તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!
– પથિક પરમાર
જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહિણી તે પ્રોષિતભર્તૃકા. પ્રતીક્ષારત વિયોગિનીની આ ગઝલ ને તેય જાનપદી બોલીમાં. નાયિકા બઈ એટલે કે સહેલી અથવા સાસુ સાથે એકતરફી સંવાદ સાધે છે. એક જમાનો હતો જ્યારે બે પૈસા રળવા પતિદેવો બહારગામ કે વિદેશ જતા અને પત્નીઓ મહિનાના મહિનાઓ રાહ જોઈ સૂકાઈને કાંટો થતી. વહાણા6 વાઈ જવા છતાં ઘરે પરત ન ફરેલ પતિના વિદેશગમન પાછળ નાયિકાને તો એક જ કારણ ભળાય છે-પોતાનું અક્કરમી હોવું તે. ગોવાલણીઓને ઊભી રહેવા હાકલ કરતો શેર શેરકક્ષાએ પહોંચી શક્યો નથી, ડાબી આંખ ફરકે તો મનગમતી વ્યક્તિ આવવાની વકી ગણાય, પણ અહીં તો દુઃખનો ડુંગરો આવતો હોવાના ભણકારા થાય છે, મતલબ વહાલમ આવવાની વાત પરથી ભરોસો જ ઊઠી ગયો છે. સૂરજને કોઈએ છબડીથી ઢાંકી ન દીધો હોય, એમ જીવનમાં હવે એકધારી રાત જેવા અંધારા સિવાય કશું નથી. પોતે તરસી મરતી હોવા છતાં ને પાણી ભરેલ ભાંભલી નદી હાથવગી હોવા છતાં કંઠમાં ભડકા કરતી તરસ છિપાવી શકાતી નથી. હાથવગી નદી માટે કવિએ નદી હાથમાં જ હોય એવો કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે.


Harihar Shukla said,
August 26, 2026 @ 11:39 AM
અનોખા ભાવનગરી કાફિયા.
Nirja parekh said,
August 26, 2026 @ 11:42 AM
ખૂબ સરસ કલ્પનો..ખૂબ સરસ રીતે એક વિરહિણીના સંવેદનો ઝીલાય છે..ફરિયાદ અને દુઃખના આત્યંતિક ભાવો વ્યક્ત કરી સર્જક એક તાદ્દશ ચિત્ર આંખ સામે ઊભું કરે છે… ખૂબ સુંદર રચના..ખૂબ શુભેચ્છાઓ..
નીરજા
Kishor Ahya said,
August 26, 2026 @ 6:18 PM
કવિ શ્રી પથિક પરમારની ‘પ્રોષિતભર્તૃકાની ગઝલ’ એક સરસ વિષય લઈને આવી છે ગામડાના જીવનમાં સ્ત્રીઓની હળવી શૈલીમાં થતી વાતો કવિએ ગઝલમાં ગૂથીં છે જેનો શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપ્યો છે.
એક સ્ત્રીનો પતિ બહારગામ ગયાં ને છ દિવસ થઇ ગયા ત્યારે તેની સ્ત્રી સખીઓ જે ગોવાલણ છે તેને કહે છે તમે મારા ભેરુને ક્યાંય જોયો ? મારી આંખ ફરકે છે નક્કી અપશુકનમનાં એંધાણ છે! આંખી રાત ઝૂરી ઝૂરી ને કાઢું છું ,”સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?” કોણે સૂરજને છાબડીમાં ઢાંકિયો છે?(અહીં સૂરજનો અર્થ મારા પતિને) (સૂરજની જેમ એને ઢાંકી(છુપાવી) શકાય તેમ જ નથી)
“પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!”
ગામડાના ખેતી કામની વાત છે જેમાં કડબના ગંજ ખડકું( ઘઉં બાજરી જુઆર ના ડૂંડા કાઢી લીધા પછી જે સોટી જેવો છોડ વધે તેને કડબ કહે છે) ખેડૂતો ઘાસચારા માટે તેના પૂળા વાળી એક ઠેકાણે ભેગા કરે છે ચાડિયો રુએ! કવિએ ચાડ્યા ને જીવંતતા બક્ષી છે. ભેરુબંધ વિના ચાડ્યાને ગોઠતું નથી ને ઉપરથી કાપણી થઈ જતા કોઈ કામ પણ ન રહ્યું! ચાડિયાને રોવું આવે છે.
છેલ્લી પંક્તિ” પાણી
ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!” આ પંક્તિ ભાંભલી નદી વિશે છે. બીજો અર્થ ગામડાંમાં દૂર ખેતરે જતા લોકો ચાર પાંચ લોટા પાણી સમાય તેવી માટીની નાની માટલીને ભાંભલી કહે છે જેનો મોઢાનો આકાર જરા લાંબો હોવાથી પાણી કાઢતી વખતે પાણીનો થોડો અવાજ( બૂડબૂડયા) થાય છે જેની ફરતે નાડાપટ્ટી વિંટાળી ખેતરે જતી વખતે ખેડૂતો ભાંભલીને સાથે રાખે છે. બંને અર્થ પાણી માટેના જ છે. નાયિકા કહે છે ભાંભલી હાથમાં જ છે છતાં તરસી મારું છું, કંઠમાં ભડકો! ગર્ભિત અર્થ છે! નાઇકા કહે છે, મારો ભેરુ છે પણ અત્યારે નથી, એટલે છે છતાં તરસી છું!
ગામડાની મીઠી ભાષા માણવાની મજા પડી. શહેરી જીવન જીવતા બાળકો, યુવાનોને થોડો સમય પણ ગામડામાં જરૂર વિતાવવો જોઈએ જેથી શહેરની ભાગદોડ વાળી જિંદગી, ગ્રામ્ય જિંદગીના મધુરા આયામ માણી શકે!
🌹🌹🌹🌹
Varij Luhar said,
August 28, 2026 @ 11:39 AM
વાહ સરસ ગીતનુમા ગઝલ અને આસ્વાદ
Vrajesh Mistri said,
August 28, 2026 @ 12:03 PM
મજા આવી…
રાજેન્દ્ર ભટ્ટ said,
August 31, 2026 @ 11:20 AM
ખૂબ જ સુંદર રચના ખૂબ અભિનંદન. મારા મતે આ મહેસાણવી લોક બોલી છે
Devendra Shah said,
August 31, 2026 @ 11:21 AM
🙏🙏 પ્રથમ બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ માં આખા પ્રસાદ નો મર્મ લગભગ આવી જાયછે, આભાર, પ્રણામ.🙏🙏
મનીષા આર. દુધાત " મનમંદિર" said,
August 31, 2026 @ 11:37 AM
વાહ પથિકજી મજા આવી ગઈ…. અનંત લાગણીઓ સાથે કંઈક તળપદી ભાષામાં નવું પીરસાય ત્યારે વાંચકો તેને હર્ષથી વધાવતા હોય છે…
બથમાં વલખતી રાત લઈને ઝૂર્યા કરું,
સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?
વાહ….. ગામડાંની કાલી ઘેલી ભાષાને છંદમાં બખૂબી નિભાવી શક્યા છો તેનો આનંદ…. ખૂબ ખૂબ શુભેરછાઓ
Sandhya Vijay Bhatt said,
August 31, 2026 @ 3:11 PM
વિરહ માં વ્યાકુળ હ્રદય ની સંવેદનાઓ સરસ પ્રગટ કરવામાં આવી છે.
Meena Parekh said,
August 31, 2026 @ 3:56 PM
વાહ સરસ. ગામઠી બોલી વાંચવાની મજા.
રાજેન્દ્ર ભટ્ટ said,
August 31, 2026 @ 4:22 PM
ખૂબ ખૂબ અભિનંદન. સરસ ભાવ નિરૂપણ. મારા મતે આ મહેસાણવી બોલી છે
વિવેક said,
September 1, 2026 @ 6:38 PM
તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર
jyoti Patel said,
September 2, 2026 @ 11:35 AM
An authentic ghazal that brings out the real rural image of emotions.
Living near a village, this જાનપદી બોલી feels very relatable since our local language sounds just like this. Enjoyed reading it, thanks for sharing Vivekbhai.
ramesh maru said,
September 2, 2026 @ 1:09 PM
વાહ…