હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

હૈયા હાર્યે – પાર્ષદ પઢિયાર

શરણાઈ છેડે ગમ-સા-સારે-
શમણાં રુવે અંતર-દ્વારે.

આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
આહ! નિસાસા! આવો વ્હારે!

સપનાં જેવું સગપણુ રાખી-
સાથે રમવું તારે-મારે.

ઇચ્છાઓનું ટોળું હાલ્યું-
નાતો તોડી હૈયા હાર્યે.

– પાર્ષદ પઢિયાર

આવી ગઝલ હાથ ચડે ત્યારે કવિ ચાર શેર કહીને અટકી ગયા હોવાનો વસવસો અવશ્ય થાય. પણ સાથોસાથ સંયમને દાદ પણ દેવી રહી, કારણ આવી જ ક્ષમતાવાળા બીજા શેર આવવાના ન હોય તો આગળ વધવાથી ગઝલને જ નુકશાન થાય. સંગીતના સાત સૂરો –સારેગમપધનિ-ને તો ઘણા કવિઓએ પ્રયોજ્યા હશે. પણ અહીં જે કમાલ છે એ કમાલની છે. શરણાઈ સારેગમસા સૂર છેડવાના વદલે ગમ-સા-સારે સૂર છેડી રહી છે. કન્યાવિદાયના ટાણે આંખો આંસુ સારે એ રીતે શરણાઈ ‘ગમ’ ‘સારે’ છે એવો શ્લેષ અહીં સર્જાયો છે. રડતાં રડતાં આંખો ખાલી થઈ જાય પછી? આંખોનું રડવાનું પૂરું થાય એ પછી દિલના રડવાનો વારો છે. એટલે જ કવિ આહ અને નિસાસાઓને પોતાની વહારે આવવા આહ્વાન દે છે. કેવો અદભુત શેર! આખી ગઝલને કન્યાવિદાયની ગઝલ ગણી લઈએ તો બાપ-દીકરી, મા-દીકરી કે બે સહેલીઓ હવે સપનાંમાં જ રમવાને ભેળાં થઈ શકશે એ અર્થઘટન ગમી જાય એવું છે, અંતિમ શેર પણ એ પરિપ્રેક્ષ્યમાં આસ્વાદી શકાય. ચારેય શેરને સ્વતંત્ર રીતે પણ માણી શકાય. અંતિમ શેરમાં “હાર્યે”ના સ્થાને “હારે” કરીને કાફિયાચૂક ટાળવામાં આવી હોત તો ગઝલ અનવદ્યપણે આસ્વાદ્ય થઈ હોત.

18 Comments »

  1. RB RATHOD said,

    August 24, 2026 @ 1:24 PM

    વાહ 💐

  2. Kishor Ahya said,

    August 24, 2026 @ 2:14 PM

    હૃદયથી સંબંધો તોડી ઇચ્છાઓ ભાગી રહી છેં કેમકે આ ઇચ્છાઓએ જે હદયમાં ઘર વસાવ્યું હતું તે ઘર જ ભાંગી ગયું છે! મને લાગે છે વિવેકભાઈએ જે આંકલન કર્યું છે તે તો બરાબર જ છે પણ આ સિવાય પણ એક આકલન કરી શકાય તેમ છે, એ છે નાઈકાનું શરણાય વાગતા લગ્ન મંડપમાં નાયકની હાજરીમાં અન્ય સાથે જોડાય જવુ!

    “શરણાઈ છેડે ગમ-સા-સારે-
    શમણાં રુવે અંતર-દ્વારે.”

    “આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
    આહ! નિસાસા! આવો વ્હારે!”

    પંક્તિમાં આવતા ‘શમણાં રુવે’ અને ‘આહ! નિસાસા!’ જેવા શબ્દો આજ સ્થિતિ તરફ ઈશારો કરે છે.

    “સપનાં જેવું સગપણુ રાખી-
    સાથે રમવું તારે-મારે” આ પંક્તિ જોઈએ તેટલી સ્પષ્ટ થતી નથી પણ ભવિષ્યમાં હવે સંબંધો સપના જેવા હશે એવો કોઈ અર્થ હોઇ શકે.

    ટૂંકી બહર ની “હૈયા હાર્યે” કવિ શ્રી પાર્ષદ પઢિયારની આ ગઝલ જમીની હકીકતની ગઝલ છે. બધાંનાં સપના પૂરા નથી થતા, એક નરી વાસ્તવિકતા છે,આ સ્થિતિ ખૂબ પીડા દાયક હોય છે એ ગઝલના શેરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

    શ્રી વિવેકભાઈએ સરસ ગઝલ પસંદ કરી ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે. શ્રી વિવેકભાઈએ આસ્વાદ આપતી વખતે કહ્યું છે તેમ કન્યા વિદાઈના સમયે પણ આવા જ દ્રશ્યો ઉભરતા હોયં છે એ પણ હકીકત છે ગઝલનો આ અર્થ પણ સરસ બને છે.

    🌹🌹🌹🌹

  3. મનોજ જનાર્દનભાઈ શુક્લ said,

    August 25, 2026 @ 1:04 PM

    વાહ 👌👌

  4. પ્રહલાદ જાની said,

    August 26, 2026 @ 9:02 PM

    સરળ શબ્દોમાં હૃદય સ્પર્શી રજૂઆત…વંદન

  5. Devendra Shah said,

    August 31, 2026 @ 11:15 AM

    🙏🙏પ્રભુ, કોઈને પ્રેમ કરતાં લાગે છે, પણ ગમેતે કારણોસર તેમના કે તેણીના લગ્ન બીજે ગોઠવાય છે ને તે પ્રસંગે જુદાઈ વખતે વાગતી દર્દભરી શહનાઈ તેમની પાસેથી આ પ્રસાદ ઉદ્ભવે છે, આભાર, પ્રણામ.🙏🙏

  6. મનીષા આર. દુધાત " મનમંદિર" said,

    August 31, 2026 @ 11:29 AM

    ચાર હૃદય સ્પર્શી શેર પછી કંઈક હજુ વિશેષ સાંભળવાની ઈચ્છા થઈ આવે તેવી રસપ્રદ ગઝલ… સર્જકને ખૂબ ખૂબ અભિનંદન..

    આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
    આહ! નિસાસા! આવો વ્હારે!
    વાહ, આ શેર ગઝલને વિશેષ નમણી બનાવે છે..

  7. Jayesh Bhatt said,

    August 31, 2026 @ 12:11 PM

    વાહ

  8. જિજ્ઞા વોરા said,

    August 31, 2026 @ 1:12 PM

    લાઘવનો ચમકારો ઊંડી અસર છોડી જાય છે. ગમી, ગમી.

  9. Kajal shah said,

    August 31, 2026 @ 1:16 PM

    Bahu sunder gazal ane aasvad👌👌

  10. Sandhya Vijay Bhatt said,

    August 31, 2026 @ 2:58 PM

    એકદમ હ્રદય સ્પર્શી રચના.

  11. Suresh Parmar said,

    August 31, 2026 @ 3:41 PM

    Very nice 👍🌹🙏

  12. jyoti Patel said,

    August 31, 2026 @ 10:50 PM

    Superb ghazal made even more intense by vivekbhai’s analysis. The ‘Kanya Vidaay’ interpretation of this Ghazal makes it breathtakingly beautiful. When a poem expresses exactly what your heart feels, it hits deeply.

  13. Bhagirath Pandya said,

    August 31, 2026 @ 10:59 PM

    “હૈયા હાર્યે”
    કવિ પાર્ષદ પઢીયારની શોર્ટ એન્ડ સ્વીટ ગઝલ. જામ હોઠ અડ્યો ને ઝૂંટવાઈ ગયો હોય એવી તલપ રહી ગઈ.
    કવિ અનિલ જોશીની “સમી સાંજનો ઢોલ ઢબુકે”નું સ્મરણ થયું. વિવેકભાઈ,
    કન્યા વિદાય ટાણું જ અનુભવાય છે હોં. આપનો આસ્વાદ ગમ્યો.

  14. વિવેક said,

    September 1, 2026 @ 6:35 PM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…

  15. JIGNA RATHOD said,

    September 2, 2026 @ 11:24 AM

    સરસ રચના, અભિનંદન 💐💐

  16. Dinesh Dongre said,

    September 2, 2026 @ 12:58 PM

    હાલમાં જેટલા કાફિયા હાથવગાં હોય એટલાં શેર ફટકારવાનું ચલણ હોય ત્યારે ખૂબ સંયમપૂર્વક સ્તર જાળવી ચાર શેરમાં પોતાની અભિવ્યક્તિ માટે કવિને દાદ આપવી જ પડે અને સાથે તમને પણ.

  17. ramesh maru said,

    September 2, 2026 @ 1:00 PM

    સરસ રચના છે 👌🏻

  18. kamlesh shukla said,

    September 2, 2026 @ 6:54 PM

    સરળ શબ્દોમાં ઉમદા ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment