બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
અનિલ ચાવડા

એકથી દશની કથા – પંથી પાલનપુરી

૧ બિચારો ઊભો અવળા પગે,
એક છે ને, સાવ નિરાધાર છે.

૨ તણું તરસે ગયું પહેળાઈ મ્હોં,
બે’ક ટીપાં ઝંખતો તુષાર છે.

૩ તણો વિચ્છેદ ઈશ્વર-ૐ-થી,
એ અભિશાપિત કો અવતાર છે.

૪ ના બે હાથ છે ખીલે જડયા,
એ ઇશુ જેવો દુઃખી લાચાર છે.

૫ નીકળી ફેણ થડ-બખ્ખોલથી,
કે તૂટયા ત્રિશૂળનો આકાર છે.

૬ ઊભો મ્હોં ફેરવીને રીસમાં,
કે જતી નીરખી રહ્યો વણજાર છે?

७ બેઠો શીશ ઢાળી ગોઠણે,
સ્થિતિએ ચહેરો સકલ બેજાર છે.

૮ તો ઉપનામ છે શાહમૃગનું.
રેતમાં માથું અને ધડ બહાર છે.

૯ તો જડબું મીન ગળતી વ્હેલનું,
કે પછી ચીતર્યો ધનુષ્યાકાર છે?

૧૦ તણું અવળા પગે પથ્થર પડે,
શું થશે? શિર આંકડાનો ભાર છે.

હું અને આ એકથી દશની કથા,
છોડ ‘પંથી’ ક્યાં કશો યે સાર છે?

– પંથી પાલનપુરી

મનુષ્યને બંધન વિના ચાલતું પણ નથી, અને બંધન સાથે ફાવતું પણ નથી. બે વ્યક્તિના સંબંધમાં પણ આ સાચું અને કલા-કવિતામાં પણ સાચું. કદાચ એટલે જ કવિઓ વારેતહેવારે પૂર્વનિર્ધારિત નિયમોને ચાતરીને અલગ ચીલો કંડારવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત ગઝલમાં ગઝલનું સ્વરૂપ જાળવી રાખીને કવિએ એવી વાત ગઝલમાં કહેવાની કોશિશ કરી છે, જે આ પૂર્વે ભાગ્યે જ કહેવાઈ હોય. આ ગઝલ એકથી દસની કથાની ગઝલ છે. દરેક શેર દરેક અંકના બાહ્યાકારને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે. એકડાનો આકાર કોઈ અવળા પગે ઊભું હોય એવો કલ્પવામાં આવ્યો છે, તો બગડામાં કવિને ખુલ્લું મોં નજરે ચડ્યું છે. ત્રગડાનો આકાર ઓમના પૂર્વાર્ધ જેવો હોવાથી કવિને એમાં અભિશાપિત અવતાર દેખાય છે. આ જ રીતે દસેદસ આંકડાઓને કવિએ શેરમાં ગૂંથ્યા છે. આંકડાઓના આકારોનું આલેખન જેટલું સચોટ થયું છે, એટલા જ ઉત્તમ બધા શેર પણ થયા હોત તો આ એકસૂત્રી (મુસલસલ) ગઝલ માણવાની વધુ મજા આવત. આ સિવાય, કવિએ મત્લા પણ લખ્યો તો ગઝલ વધુ સંતર્પક બની હોત.

1 Comment »

  1. Premal Shah said,

    September 19, 2026 @ 12:37 PM

    વાહ 👌🏻 સુંદર આલેખન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment