તારા ગયા પછી – ધીરેન્દ્ર મહેતા
મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઓગળે તારા ગયા પછી.
ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!
જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!
પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!
શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!
ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી !
આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!
પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!
– ધીરેન્દ્ર મહેતા
ગઝલના ભાવવિશ્વ પર કોઈનો સૌથી વધુ અંકુશ હોય તો એ છે રદીફનો. ગઝલનું સ્ટીયરિંગ જેટલું રદીફના હાથમાં છે, એટલું બીજા કોઈ બાહ્યાંગના હાથમાં હોતું નથી. કવિએ ‘તારા ગયા પછી’ રદીફ નક્કી કરી એટલે પ્રિયજનના ત્યજી ગયા પછીના વિષાદ-વિયોગ અને વ્યથા જ ગઝલનું વાતાવરણ બને. છોડીને જઈ રહેલ પ્રિયતમાની પાછળ પાછળ ગયેલી દૃષ્ટિ હવે પાછી ફરી શકતી નથી, કારણ પાછા ફરવા માટે રસ્તો તો જોઈએ ને, અને રસ્તા તો સઘળા ઓગળી ગયા છે! કેવો સુંદર મત્લા! સાથે ગાયેલ ગીતો ગળામાં બાઝી ગયા હોવાથી હવે સૂર નીકળી શકે એમ નથી એ શેર પણ સુંદર થયો છે, પણ છંદપૂર્તિ માટે વપરાયેલો ‘જ’ ભાવાસ્વાદમાં નડતર બને છે. આ જ સમસ્યા બહેરી બની ગયેલ ભીંતોવાળા શેરમાં પણ જોવા મળે છે. ત્રીજા શેરમાં અશ્રુ સાથે ઊછળવું ક્રિયાપદ પણ સુસંગત જણાતું નથી. થોડા સજગ કવિકર્મની મદદથી આવું નિવારી શકાયું હોત તો ગઝલ સુવાંગ સુંદર બની શકી હોત.

