સમાન્તરે – પંથી પાલનપુરી
ઝરણું સમાન્તરે, કદી મૃગજળ સમાન્તરે,
તૃષ્ણાનું બીડ, તૃપ્તિનું ઝાકળ સમાન્તરે.
ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.
તડકો ને છાંયડેો રહ્યા સાથે પ્રવાસમાં,
સ્મરણો, સપન ઉભય રહ્યાં સમથળ સમાન્તરે.
શબ્દો સમાન ઘર અહીં ઊભાં છે હારબંધ,
ખુલ્લાં જ દ્વાર ક્યાંક ને સાંકળ સમાન્તરે.
પડછાયો થાય છે કદી આગળ, કદી પછીત,
અણજાણ આવકારતાં કૈં સ્થળ સમાન્તરે.
‘પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?
– પંથી પાલનપુરી
ગઝલની વિચ્છૃંખલતાને બારીક તો બારીક પણ એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી રદીફના ભાગે ગણાય. રદીફ જેટલી વિશિષ્ટ એટલી આ જવાબદારી તો વધે જ, એને નિભાવવુંય મુશ્કેલ બને. પ્રસ્તુત ગઝલમાં કવિ ઉભય કસોટીએ પાર ઉતર્યા છે. મત્લા જુઓ. પહેલી નજરે સાધારણ લાગે, પણ સહેજ વિચારતાં જ રોમાંચ થઈ જાય. ક્યારેક ઝરણું તો ક્યારેક મૃગજળ જીવનની સમાંતરે રહે છે. ઝરણું ખળખળ થતી વાસ્તવિક્તા છે, જ્યારે મૃગજળ નકરો આભાસ. ઝરણું લાગણીઓની આર્દ્રતા અને વહન બંને સૂચવે છે, જ્યારે મૃગજળ ઉજ્જડતા અને સુક્કાશ. આ જ રીતે એક તરફ તૃષ્ણાનું બીડ છે અને બીજી તરફ એને જ સમાંતરે તૃપ્તિનું ઝાકળ છે. ઇચ્છાઓ કદી ખતમ થતી નથી અને તૃપ્તિ કદી લાંબુ ટકતી નથી, માટે જ ઇચ્છાઓનું જંગલ અને સંતુષ્ટિનું પળમાં ઊડી જનાર ઝાકળ. હવે ફરીથી ઉલા મિસરો વાંચો. આવી મજા? બધા જ શેર સરસ થયા છે, પણ મત્લા-મક્તાની જોડી સર્વોપરી છે.

