હે ભારત દેશ ! – જયન્ત પાઠક
(અભ્યસ્ત મનહર)
હે ભારતદેશ સર્વરાષ્ટ્રશિરોમણિ!
ન્યાળી તને વેદનાવ્યાકુલ થાય વાણી.
સુજલા હે! સુફલા હે! આર્ય તપોવન
વહેતો જ્યાં સંસ્કૃતિનિર્ઝર મુક્તમન.
સઘન કાનન વિષે ઋષિકુલવાસે
યજ્ઞધર્મ ઉત્સરત ધૂસર આકાશે.
વિશ્રબ્ધ હરિણ ચરે કૂળાં તૃણાંકુર
રણઝણી રહે જહીં નિર્ઝરનૂપુર.
મંત્રધ્વનિમુખરિત જ્યાં પ્રભાત સંધ્યા
ફલફૂલપલ્લવે જ્યાં પ્રકૃતિ અવંધ્યા.
અરુણ-ઉદય આવકારે પંખીસૂર
શ્યામઘનગર્જને નાચી રહેતા મયૂર.
વૈભવમાં હતી ત્યારે આત્માની સુગંધ
આનંદમાં ભળ્યો હતો તપ કેરો રંગ.
અને આજે! દીન હીન ભારત વિદીર્ણ
કાલના કુઠારઘાતે બન્યું જીર્ણ શીર્ણ.
શમ્યાં સહુ કલગાન સ્રોતનાં મધુર
વાઈ રહ્યો હિમવાયુ વ્યગ્રતાનો ક્રૂર.
પ્રજા રહી આજ તારી મિથ્યાત્વને ભજી
રહેતી કપટવેશ વિધવિધ સજી.
જુલ્મનાં સિંહાસનોને કરે પ્રણિપાત
સત્યના કલેવરે કરંત ક્રૂર ઘાત.
ભોગનું મંગલ ભૂલી ત્યાગનું ગૌરવ
મહાભારતે શું મચ્યા પાંડવ કૌરવ!
હે ઉદાર દેશ! તારા અનુદાર સુત
ભ્રષ્ટ કરી રહ્યા નિજ ધર્મ પરિપૂત.
સ્થલ સ્થલ થઈ રહી અસત્યની પૂજા
પરાજિત આત્મગઢે ઊડે પાપધજા.
ભૂલી મુક્ત પંથ, મુક્ત વિહંગડયન
જીવી રહ્યા આજ સહુ પિંજરજીવન.
સિદ્ધિઓમાં નથી રહી શુદ્ધિની સુવાસ
પ્રવૃત્તિમાં રહ્યો નથી હૃદયનો પાસ.
ક્ષુલ્લકના ગૌરવનું ગાઈ રહ્યા ગાન
બુદ્ધિસર હોળી કરી રહ્યા જલપાન.
હે પ્રિય ભારત! સર્વરાષ્ટ્રશિરોમણિ!
ક્યારે તારા વિક્રમનો હય હણહણી
દિગ્વિજય અર્થ ધાશે દિગન્તની ભણી
ગાજી રહેશે ગાથા તારા પુરુષાર્થ તણી?
તારો મુક્ત કંઠ ક્યારે ગાશે મુક્ત ગાન?
ક્યારે સ્હોશે, સ્મિતે તારી અધર કમાન?
ઉષાના મંગલ સ્મિતે તારી સ્વર્ણકાય
ક્યારે સ્હોશે, લેશે ક્યારે તિમિર વિદાય?
– જયન્ત પાઠક
આઝાદી મળ્યાંને હજી દસ વર્ષ જ થયાં હતાં એ સમયે ૧૯૫૭ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કૃતિ છે. મતલબ, આ કવિતા તો આઝાદી મળ્યાંના થોડાં જ સમયમાં લખાઈ હશે. આઝાદી મળ્યાંને આજે એંસી વર્ષ થયાં, પણ કવિતા સમયની સાથે વાસી થવાના બદલે વધુને વધુ તાજી અને સાંપ્રત અનુભવાય છે. જે ભારતદેશને સર્વરાષ્ટ્રોમાં શિરોમણિ લેખ્યો છે એની દુર્દશા જોઈને કવિવાણી વેદનાથી વ્યાકુળ થઈ રહી છે. પહેલી બાર પંક્તિમાં કવિ ‘સોને કી ચિડિયા’ ગણાતા ભારતવર્ષના ભવ્ય ભૂતકાળ અને સંસ્કૃતિનું ભવ્યાતિભવ્ય વર્ણન કરે છે. ‘અને આજે!’ કહીને વાસ્તવિક દારુણતાથી મુખામુખ થાય છે. મિથ્યાને ભજતી ને કપટવેશ સજતી પ્રજા જુલ્મી સિંહાસનોને નમન-વિનવણી કરતી થઈ ગઈ છે. વિશુદ્ધ ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે ને અસત્યની પૂજા થઈ રહી છે. સિદ્ધિઓમાં શુદ્ધિ નથી ને પ્રવૃત્તિઓમાં પ્રાણ નથી. હતાશ થવા છતાં કવિએ આશ ત્યજી નથી. અંતિમ બંધમાં પ્રિય ભારત દેશ ફરી એકવાર દિગ્વિજય પામી, ઉષાના કિરણોથી સુવર્ણદેહ ધારશે અને અંધારું વિદાય લેશે એ અભિપ્સા કવિકલમેથી ટપકી રહી છે.
(ન્યાળવું= નિહાળવું; નિર્ઝર=ધોધ, ઝરો; કાનન= જંગલ; ઉત્સરત= ઊંચે જવું; ધૂસર= ધુમાડાવાળું; વિશ્રબ્ધ=નિર્ભય; અવંધ્યા=ફળદ્રુપ; વિદીર્ણ= ચીરેલું, નાશ કરેલું; પ્રણિપાત=સાષ્ટાંગ નમન; અનુદાર=ઉદાર નહીં તેવા, કૃપણ; પરિપૂત=સર્વથા પવિત્ર; હય=અશ્વ; દિગન્ત=દિશા; સ્હોશે=શોભશે)



Kishor Ahya said,
August 15, 2026 @ 10:54 PM
વંદે માતરમ્….વંદે માતરમ્…
સ્વતંત્રતા દિવસ નિમિતે,” હે ભારત દેશ ! “કવિ શ્રી જયન્ત પાઠક દ્વારા રચિત સુમધુર ઊર્મિકાવ્ય બ્લોગ પર મુકવા બદલ શ્રી વિવેકભાઈને ખૂબ ખૂબ અભિનંદન! ખુબજ મજાનું દેશ પ્રેમનું ગીત છે. કમનસીબી છે કે આઝાદી માટે બલિદાનો આપનારના સ્વપ્ના હજુ પૂરા થયા નથી, પણ ચોક્કસ એક દિવસ આવશે જ્યારે લાગશેં કે દેશના વિર સપૂતોએ આપેલા બલિદાનો એળે ગયા નથી. “હમ હોંગે કામયાબ ; હમ હોંગે કામયાબ..એક દિન.” જય હિન્દ.
🌹🌹🌹🌹
Nitin Bharatgiri Goswami said,
August 15, 2026 @ 11:06 PM
છંદોલય તો અનુભવ કચાશ ના લીધે પકડમાં નથી આવતો સર તે વિશે આપ વધારે સારુ માર્ગદર્શન કરી શકો.. પરંતુ કવિતા રાષ્ટ્રપ્રેમને સંબોધતી ઉત્તમ કવિતા… નીચે આપેલા પર્યાય શબ્દો અમારા જેવા નવો દીતોને ભાષાનો વ્યાય કરવામાં મદદરૂપ બને છે આપની મહેનતને સલામ છે.
વિવેક said,
August 17, 2026 @ 7:50 AM
@ Nitin Bharatgiri Goswami:
આદરણીય કવિશ્રી વિનોદ જોશીએ છંદનું તાળું ખોલી આપ્યું છે. આ “અભ્યસ્ત મનહર” છંદ છે. રસ લેવા બદલ અભાર
Jigisha Desai said,
August 17, 2026 @ 3:01 PM
અભ્યસ્ત મનહર છંદ અને મનહર છંદમાં શું ફર્ક?
Harihar Shukla said,
August 17, 2026 @ 4:13 PM
સરસ ઊર્મિકાવ્યનું દરેક પંક્તિ જોડકું પ્રાસ યુક્ત આવી પ્રલંબ રચનામાં, કવિનું સરસ નકશીકામ બતાવે છે.
Meena Parekh said,
August 17, 2026 @ 5:14 PM
ખરેખર આપે કહ્યું એમ સાંપ્રત સમયમાં પણ આ કાવ્ય એટલું જ પ્રસ્તુત છે. કવિની જેમ જ આપણે પણ આશા રાખીએ કે ભારત દેશ પાછો સોનેકી ચિડીયા બને. સુજલામ સુફલામ બને.
Dinesh Dongre said,
August 17, 2026 @ 7:23 PM
જયંત પાઠક સાહેબની ખૂબ સુંદર રચના. આપની પસંદગીને સલામ વિવેકભાઈ.
ramesh maru said,
August 17, 2026 @ 9:04 PM
‘વનાંચલ’ના કવિની ચેતનાને વંદન…અદ્દભુત અને સમયોચિત🙏🏻🙏🏻
jyoti Patel said,
August 17, 2026 @ 9:31 PM
This is such a beautiful, timeless poem. The poet has amazingly given the entire emotional theme of our country from golden history to modern struggles in a strict, 31-letter Abhyasta Manhar rhythm. Thanks to Vivek’s clear explanation, I can see that this poem isn’t just about pointing out societal criticism, but a sincere call for us to restore our pure values.
વિવેક said,
August 18, 2026 @ 11:26 AM
મનહર છંદના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરાયો હોવાથી આને અભ્યસ્ત મનહર છંદ કહી શકાય… મનહર છંદ અક્ષરમેળ છંદ છે, જેમાં પહેલી પંક્તિમાં ચાર-ચાર અક્ષરોના ચાર આવર્તન (કુલ ૧૬ અક્ષર) અને બીજી પંક્તિમાં ચાર-ચાર અક્ષરના ત્રણ ઝુમખા બાદ ચોથા ઝુમખામાં એક અક્ષર ઓછો હોય, એટલે કે ૧૫ અક્ષર હોય.. કવિએ અહીં દરેક પંક્તિમાં એકસમાન ૧૪-૧૪ અક્ષરો પ્રયોજીને વિશિષ્ટ લય નિષ્પન્ન કર્યો છે. કવિશ્રી વિનોદ જોશીએ આ છંદને અભ્યસ્ત મનહર છંદ કહીને ઓળખાવ્યો છે.
વિવેક said,
August 18, 2026 @ 11:33 AM
રચના બાબતે ઉમલકો બતાવનાર તમામ કાવ્યપ્રેમીઓનો આભારી છું…
સુશ્રી જ્યોતિ પટેલની વિધાયક ટિપ્પણી એમની ઊંડી કાવ્યસૂઝની દ્યોતક છે. ખૂબ ખૂબ આભાર