સુખનો પિયાલો – રાજેન્દ્ર શાહ
આમ અડપલું નહીં નહીં,
અર્થ વગરની વાત વેગથી જાય વેગળે વહી વહી.
વાંક ન માંજરનો જાણું,
ગન્ધ થકી બેચેન કણ્ઠ કોકિલનો ટહુકે રહી રહી.
યાદ આવતું નહીં, ભલે,
આ પ્હેલાં પણ બન્ને આપણ મળેલ ભેળાં કહીં કહીં.
ગઠરી મ્હારી ગઈ ખૂલી,
સુખનો ભરભર પીઉં પિયાલો મર્મ વેદના સહી સહી.
હાથ બ્હારની વાત હવે,
ત્હારામય જો થતો જાઉં છું ત્હને સતત હું લહી લહી.
– રાજેન્દ્ર શાહ
ગીત એટલે હૃદયોર્મિની નાજુકતમ પેશકશ. ફૂલમાંથી સુગંધ પ્રસરે અને હવાને એનું જેટલું વજન લાગે, એટલું હળવું હોય તો ગીત વાંચનાર-સાંભળનારના હૃદયમાં ઉતરી જાય. અત્રે બે જણ વચ્ચેનો સંબંધ એવી કક્ષાએ આવી ઊભો છે, જ્યાં અર્થહીન વાતોના અડપલાંને કોઈ અવકાશ બચ્યો નથી. છે તો આરઝૂ જ, પણ ‘નહીં નહીં’નો બેવડો નકાર એને અધોરેખિત કરી નિર્દેશસદૃશ રૂપ આપે છે. માંજરની ગંધથી બેચેન કોકિલ રહી રહીને ટહુકી રહ્યો છે એમાં માંજરનો શો વાંક? નાયિકાના સૌંદર્યથી ગીતપુરુષ પ્રભાવિત થઈ ગયો એમાં નાયિકા બિચારી શું કરે? આ ઋણાનુબંધના મૂળ ક્યાંક હતા કે કેમ એ વિશે નાયક યાદ કરવા મથે છે પણ યાદ આવતું નથી. કદાચ ઉભય વચ્ચે આ અગાઉ મુલાકાત થઈ પણ હોય અને કદાચ આ déjà vu પણ હોય! પોતાની લાગણી હવે છૂપી રહી નથી. હૈયું દર્દ પણ અનુભવે છે અને ભરપૂર સુખ પણ મહેસૂસ કરે છે. પ્રણયના દર્દની આ જ તો મજા છે. અને હવે તો પરિસ્થિતિ સમૂળગી જ કાબૂ બહાર થઈ ગઈ છે. જેમ જેમ નાયક નાયિકાને ઓળખતો જાય છે, વધુને વધુ ધ્યાનમાં લેતો જાય છે એમ એમ એ નાયિકામય થતો જાય છે.


ધીરૂ said,
September 23, 2026 @ 5:35 PM
આ રચનામાં સાચું ભાવાત્મક ગુંજન કે કાવ્યાત્મક ઘનતા ઊભી થવાને બદલે માત્ર દ્વિરુક્ત શબ્દોની પુનરાવૃત્તિ (વેગળે વહી વહી, રહી રહી, કહીં કહીં, સહી સહી, લહી લહી) દ્વારા લય ઊભો કરવાનો અને શબ્દોની રમત રમાવાનો પ્રયાસ થયો છે.
“આમ અડપલું નહીં નહીં,
અર્થ વગરની વાત વેગથી જાય વેગળે વહી વહી.”
ગીતનો આત્મા એના મુખડામાં હોય છે, જ્યાંથી ભાવનો પ્રવાહ શરૂ થવો જોઈએ. પણ અહીં ‘અડપલું નહીં નહીં’ અને ‘અર્થ વગરની વાત વહી જવી’ જેવા શબ્દપ્રયોગોમાં કોઈ ભાવાત્મક સુકુમારતા કે કાવ્યત્વ નથી. કવિ પોતે જ સ્વીકારે છે કે આ વાત ‘અર્થ વગરની’ છે, અને ખરેખર કાવ્યાત્મક દ્રષ્ટિએ પણ આ પંક્તિઓ નિરર્થક અને શબ્દ-આડંબર જેવી જ લાગે છે.
કોકિલનો ટહુકો: “વાંક ન માંજરનો જાણું / ગન્ધ થકી બેચેન કણ્ઠ કોકિલનો ટહુકે રહી રહી” — આંબાના મોર (માંજર)ની ગંધથી કોયલનો કંઠ બેચેન થઈને ટહુકે—આ પ્રયોગ પરંપરાગત (Cliché) છે. એમાં કવિની પોતાની કોઈ નવી કલ્પનાશક્તિ કે નૂતન પ્રતીકવિધાન નથી.
મિલનનો ભ્રમ: “યાદ આવતું નહીં, ભલે / આ પ્હેલાં પણ બન્ને આપણ મળેલ ભેળાં કહીં કહીં” — આ વાતમાં કાવ્યાત્મક તર્કનો ભંગ છે. પહેલાં મળ્યા હતા કે નહીં એ યાદ પણ નથી આવતું, છતાં એ વાતનો સ્વીકાર કરવો—આ માત્ર વાક્ય પૂરવાની કસરત છે, જેમાં ભાવની કોઈ સઘનતા નથી.
ચોથો અને પાંચમો અંતરો – અસંગત રૂપકો અને શબ્દોનો આડંબર
સુખનો પિયાલો અને વેદના: “ગઠરી મ્હારી ગઈ ખૂલી / સુખનો ભરભર પીઉં પિયાલો મર્મ વેદના સહી સહી” — ગઠરી ખુલવી, સુખનો પિયાલો પીવો અને પાછી વેદના સહન કરવી—આ ત્રણેય કલ્પનો એકબીજા સાથે બંધબેસતા નથી. આ અંતરંગ કાવ્યાત્મક તર્કનો ભંગ છે.
તારામય થવું: “હાથ બ્હારની વાત હવે / ત્હારામય જો થતો જાઉં છું ત્હને સતત હું લહી લહી” — ‘લહી લહી’ (જાણીને/ઓળખીને) જેવા પુરાણા શબ્દો ગોઠવીને ગીતને ગૂઢ બનાવવાનો પ્રયાસ કરાયો છે, પણ એમાંથી કોઈ જ ઊંડી સંવેદનાત્મક ક્ષણ નિષ્પન્ન થતી નથી.
અર્થ વગરની વાત વેગથી જાય વેગળે વહી વહી.”
: ગીતનો આત્મા એના મુખડામાં હોય છે, જ્યાંથી ભાવનો પ્રવાહ શરૂ થવો જોઈએ. પણ અહીં ‘અડપલું નહીં નહીં’ અને ‘અર્થ વગરની વાત વહી જવી’ જેવા શબ્દપ્રયોગોમાં કોઈ ભાવાત્મક સુકુમારતા કે કાવ્યત્વ નથી. કવિ પોતે જ સ્વીકારે છે કે આ વાત ‘અર્થ વગરની’ છે, અને ખરેખર કાવ્યાત્મક દ્રષ્ટિએ પણ આ પંક્તિઓ નિરર્થક અને શબ્દ-આડંબર જેવી જ લાગે છે.
Kishor Ahya said,
September 24, 2026 @ 8:42 PM
કવિ વિષે કહીએ તો ગુજરાતી કવિતાનું પ્રથમ માસિક ‘કવિલોક’ શરૂ કરનારા શ્રી રાજેન્દ્ર શાહનો(૧૯૧૩/૨૦૧૦) કાવ્ય- સોનેટ જગતમાં હમેશા સવર્ણ સમય રહ્યો છે. “સુખનો પિયાલો “– ગીતની બધીજ પંક્તિઓ અર્થ સભર છે. ગીતમાં પ્રાસ પણ ગીતને અનુરૂપ છે. નાઇકનો નાઈકા પ્રત્યેનો અખૂટ પ્રેમ દર્શાવતું સરસ કાવ્ય છે. શ્રી વિવેકભાઈ એ સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
જિજ્ઞાસા યુ જોષી 'શુક' said,
September 28, 2026 @ 10:58 AM
ખૂબ સરસ 👍👌👌✍️✍️✍️✍️
Suresh Parmar said,
September 28, 2026 @ 1:03 PM
👍🌹🙏
Harihar Shukla said,
September 30, 2026 @ 1:11 PM
રાજેન્દ્ર શાહ ૬૦ ના દાયકાના મારા પ્રિય કવિ!