ચલો વાંસળી વૃંદાવન – ભગવતીકુમાર શર્મા
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી વાંસવન નીરવ, વસીએ મુરલીધરને હોઠે.
અંગુલિસ્પર્શ તણી આરતમાં ઝૂરી રહ્યા છે છેદ,
સુગંધભીની ફૂંક શ્યામની, કરવી નિજમાં કેદ.
શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
આનાથી તો ભલો વાંસના વનમાં લાગે દવ,
ગોપી ઘેલી થાય નહિ તો બળ્યો બંસીનો ભવ!
યમુનામાં વહી જાય રાખ ને સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
– ભગવતીકુમાર શર્મા
વાંસળી શબ્દ સાંભળતાવેંત યમુનાનો કાંઠો, ગોપીવૃંદ અને શ્રી કૃષ્ણ તાદૃશ થઈ ઊઠે… ગુજરાતી કવિઓએ કૃષ્ણની સાથોસાથ વાંસળીને પણ ખૂબ લાડ લડાવ્યાં છે. કૃષ્ણ વૃંદાવન ચાલ્યા ગયા હોવાથી ગોપીને પણ ગોકુળ છોડીને એની પાછળ વ્રંદાવન જવાનો નેહ લાગ્યો છે, પણ સીધેસીધું તો કેમ કહેવાય! એટલે એ વાંસળીનો સહારો લે છે… કૃષ્ણા વિનાના ગોકુળમાં પોતાને ગોઠતું ન હોવાથી એ વાંસળીને નીરવ વાંસવનવાળું ગોકુળ છોડી જવા ઇજન આપે છે. વાંસળીના છેદ કૃષ્ણની આંગળીઓના સ્પર્શને અને પ્રાણ એમની ફૂંકથી સભર થવા તરસી રહ્યા છે. કૃષ્ણનો શ્વાસ અડે તો વાંસળીને (અને ગોપીને) બત્રીસે કોઠે દીવા પ્રગટે. એ બંસીનો અવતાર એળે ગયો છે, જેણે કૃષ્ણની સહાયથી ગોપીઓને ઘેલી કરી નથી. આવી વાંસળી વાંસના નિરર્થક ટૂકડાથી વધીને કશું નથી. અને આવા ટુકડાને જ નહીં, આખેઆખા વાંસવનને જ આગ લાગી જાય એ જ યોગ્ય. કારણ આ રાખ યમુનામાં ભળતાં ઊઠતા પરપોટામાંથી પણ સૂર જન્મશે… અને તો કદાચ વાંસનો અવતાર લેખે લાગ્યો ગણાશે..

