કવિતા વિશેની કવિતા: ૦૬: હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે ! – વિવેક મનહર ટેલર
ક્યારેક તો એવુંય થાય કે કવિનેય કવિતા લખવાનો સામાન ખૂટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !
જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !
કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
સમદર-આકાશ-ધરા ખૂંદી કાઢ્યા, નથી બચ્યો એકે ત્રિભુવનનો કણ,
પણ રસ્તામાં ક્યાંય નથી કાંટા કે કાંકરા, કેમ કરી પડશે આંટણ ?
અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !
– વિવેક મનહર ટેલર
“હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે!” – વારંવાર પુનરાવર્તિત થતી આ ધ્રુવપંક્તિ દ્વારા કવિએ કવિની સર્જનપ્રક્રિયાની નકરી વાસ્તવિકતાને વારંવાર ઘૂંટી છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે કવિને હંમેશાં કવિતા લખવાના વિચારો સહજ રીતે સૂઝતા રહેતા હોય છે, પરંતુ હકીકતમાં કવિ પણ લાગણીઓ, વિચારો અને કલ્પનાઓના અભાવનો અનુભવ કરે છે, અને આ સહજ સત્યને હું ખૂબ જ સારી રીતે સમજી શકી છું! ઘણીવાર કવિને એવું પણ થાય કે કદાચ હવે પછી પાન કદી ફૂટશે જ નહીં… અને શબ્દોનો આ દુષ્કાળ કાયમનો રહેશે તો? પ્રસવ ન કરી શકવાની પીડા કદાચ આવી જ હોતી હશે… કારણ કે સર્જન એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી, પરંતુ લાગણી અને પ્રેરણામાંથી જન્મતી એક સહજ અભિવ્યક્તિ છે.
ઝાડ પર તો ઋતુ પ્રમાણે નવાં પાન ફૂટે છે, પરંતુ કવિના મનમાં રોજ રોજ નવા નવા વિચારો કે નવી નવી કવિતાઓ જન્મે એવું જરૂરી નથી. કવિતા લખવા માટે માત્ર શબ્દો જ નહીં, પણ ઊંડી સંવેદના, પ્રેરણા, કલ્પનાશક્તિ અને અનુકૂળ મનઃસ્થિતિની પણ જરૂર પડે છે. જ્યારે આ બધાંનો અભાવ હોય ત્યારે કવિ પણ સર્જન કરી શકતો નથી… અને ઘણીવાર તો કદાચ કશાનો અભાવ ન હોવા છતાંય સર્જન નથી થતું… Writers Block?? કદાચ… કાશ, એને Unblock કરવાની જડીબુટ્ટી કોક દિવસ મને પણ મળી જાય 🙂

