(એવા કોઈ દરિયા નથી હોતા) ☆ ‘દીપક’ બારડોલીકર
અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા,
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા.
નથી હોતી વસંતોની છબીમાં લ્હાણ સૌરભની,
હકીકત જેટલા સધ્ધર કદી નકશા નથી હોતા.
નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા,
તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા.
કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી,
કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા.
સમજપૂર્વક બધીયે ચીજની અહીંયાં સમીક્ષા કર,
નિહાળે છે જે દુનિયામાં, બધાં સ્વપ્નાં નથી હોતાં.
અસરથી હોય છે વાતાવરણની મુક્ત એ ‘દીપક’;
મહોબતના ગુલાબો લેશ કરમાતા નથી હોતા.
☆ ‘દીપક’ બારડોલીકર
પરંપરાના શાયરની દમદાર રચના… સરળ સહજસાધ્ય…


Dharmendra Kadiwala said,
November 25, 2026 @ 12:26 PM
ખૂબ સુંદર
Varij Luhar said,
November 25, 2026 @ 1:28 PM
સરસ