મૃગજળનો દરિયો – અસર સુરતી
વણવરસ્યા વાદળનો દરિયો;
સહરામાં મૃગજળનો દરિયો.
ફૂલની ઇચ્છા, એક જ ઇચ્છાઃ
પી જાઉં ઝાકળનો દરિયો.
હું જાણું ના આરો ક્યાં છે?
કેમ વટાવું પળનો દરિયો?
આંસુના તોફાનને જોજો;
લાગે છે કાજળનો દરિયો.
માત્ર ‘અસર’નું આ જીવન તો
જળ નૌકા, કાગળનો દરિયો.
– અસર સુરતી
કવિનું તખલ્લુસ ‘અસર’ હતું, પણ ગુજરાતી ગઝલ એમનાથી બેઅસર રહી ગઈ હોય સમય સાથે એમને હાંસિયામાં ધકેલી દેવાયા. પણ આવા વિસ્મૃત વણઝારાઓની નોંધાયેલ-વણનોંધાયેલ મજલોના પ્રતાપે જ ગુજરાતી ગઝલ ગુલઝાર થઈ શકી છે. આમ તો વાદળ વણવરસ્યાં રહે તો સહરામાં રણદ્વીપના સ્થાને કેવળ મૃગજળના દરિયા જ જોવા મળે, પણ ગુજરાતી ગઝલના સંદર્ભે એમ કહી શકાય કે ગુજરાતી ગઝલ રેગિસ્તાન ન રહેતાં ગુલિસ્તાન બન્યું એમાં આવા વણવરસ્યા વાદળોનું પ્રદાન પણ મહત્ત્વનું ગણાય. મત્લાની જેમ જ ફૂલની ઇચ્છાવાળો શેર પણ આધુનિક ગઝલની છડી પોકારે છે. સમયની વિડંબનાને સાકાર કરતો શેર શિરમોર છે. મક્તા પણ અસરદાર. જળની નૌકા લઈને કાગળના દરિયા પાર કરવા નીકળે એ જ કવિ. (મક્તામાં ‘માત્ર’ ખોટી જગ્યાએ ગોઠવાયો હોવાથી એ ભાવાવિધાનમાં વ્યવધાન બને છે.)

