નીકળી શકી નથી જે એવી પુકાર માટે
ગઝલો લખી, કદાચિત્ ભીતરનો ભાર દાટે.
વિવેક મનહર ટેલર

કાગળનું પાનેતર – પાર્ષદ પઢિયાર

ખૂંદી ખૂંદી વગડો ખોળું!
સુકકાં રણમાં પગલાં બોળું.

તુજ કસુંબલ પ્રીતલડીને-
હૈયા વાટકડીમાં ઘોળું.

કાળી અફવા પહેરી ઘૂમે-
કાગળનું પાનેતર ધોળું.

ઊંઘ તણી સૂની શેરીમાં-
સપનાં કેરું રખડે ટોળું.

તારા બોલે નાચે તા થૈ!
મનડું છે બિચારું ભોળું.

– પાર્ષદ પઢિયાર

ટૂંકી બહેરની ગઝલમાં લાંબા વિચારો કે વાતોને અવકાશ રહેતો નથી. એક સુવાંગ દૃશ્ય ઊભું થઈ જાય અથવા એક ભાવ ભાવકમન સુધી પહોંચી જાય એટલું પૂરતું છે. ચાર શબ્દોની પંક્તિમાં બે શબ્દ ‘ખૂંદી’ની દ્વિરુક્તિને આપી દેવામાં આવે ત્યારે વગડાની રઝળપાટ વધુ અસરદાર બની રહે છે. આવું જ સુક્કાં રણ વિશે પણ કહી શકાય. રણ તો સૂકું જ હોવાનું, પણ કવિ જ્યારે એને સુક્કાં વિશેષણથી નવાજે છે ત્યારે રણનું સૂકાપણું-વગડાપણું વધું ઘેરું અને મર્માળું બને છે. નાનીઅમથી દોઢ પંક્તિમાં એકલતાને અને જીવનની નિરથકતાને સફળતાપૂર્વક ઘૂંટી દીધા બાદ કવિ જ્યારે સુક્કાં રણમાં પગલાં ‘બોળવા’ની વાત કરે છે ત્યારે વાતને શેરિયત પણ સાંપડે છે. હૈયાવાટકડીમાં કસુંબલ પ્રીતને ઘોળવાની વાત તથા ઊંઘની સૂની શેરીમાં રખડતા સપનાનાં ટોળાંની વાત પણ મજાની. ધોળા કાગળ પર પડતા કાળા અક્ષરને કાગળનું પાનેતર કાળી અફવા પહેરીને ફરે છે એ કલ્પનથી કવિએ નૂતન ઓપ દીધો છે. છેલ્લો શેર મને ખૂબ ગમી ગયો. પ્રિયપાત્રના એક બોલે તાતાથૈથૈ નાચતા પ્રેમીનું ચિત્ર કવિએ લાઘવતાથી દોરી બતાવ્યું છે.

6 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    October 31, 2026 @ 11:24 AM

    કાળી અફવા પહેરી ઘૂમે-
    કાગળનું પાનેતર ધોળું.

    જોરદાર

  2. Harihar Shukla said,

    October 31, 2026 @ 11:38 AM

    કાળી અફવા પહેરી ઘૂમે
    કાગળનું પાનેતર ધોળું!

    અફવા એય કાળી અને પાછી “ઘૂમે” બધી દિશાએ. બહુ સરસ કલ્પન. પાનેતર સામાન્ય રીતે રંગીન હોય પણ આ તો કવિની કલ્પનાનું પાનેતર, “ધોળુંધબ્બ”! અફવા ય કેવી, જે પાનેતરનેય ધોળું કરી દે! મોજ.

  3. Harihar Shukla said,

    October 31, 2026 @ 11:51 AM

    અદભૂત શબ્દ વિનિયોગ આખી ગઝલમાં. પહેલા ચાર શેર અદભુત કલ્પનોથી ઉભરેલા, છેલ્લો શેર મને પ્રમાણમાં ઉણો લાગ્યો.
    ઊંઘ તણી સૂની શેરીમાં …
    મને તણી શબ્દ, બાકીના શબ્દોની સરખામણીમાં ઓછો જચ્યો. ઊંઘની સૂની શેરીઓમાં … સુધારો બતાવવાની ધ્રૂષ્ટતા કરું છું.

  4. Vrajesh Mistri said,

    October 31, 2026 @ 12:31 PM

    Bahot khub

  5. યોગેશ ગઢવી said,

    October 31, 2026 @ 1:56 PM

    મનોહર રચના 🌹

  6. jagdip nanavati said,

    October 31, 2026 @ 2:55 PM

    રચના ગમી….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment