અલ્લા બેલી – શૂન્ય પાલનપુરી
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી: ‘ખમ્મા! ખમ્મા!’ હિંમત બોલી: ‘અલ્લા બેલી!’
નાવ, ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઈ બેઠા, મઝધારે પણ માઝા મેલી.
એવાં પણ છે પ્રેમી અધૂરા, વાતોમાં જે શૂરા પૂરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી!
કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
‘હાશ!’ કહી હરખાયો ઈશ્વર, શૂન્યે જ્યાં લીલા સંકેલી.
– શૂન્ય પાલનપુરી
વાંચતાવેંત મડદામાં પણ પ્રાણ ફૂંકાય એવો મત્લા. ચોથો શેર પણ હતાશ મનને ચેતનવંતું બનાવી દે એવો બળુકો. સરવાળે આખી ગઝલ મનનીય…


Yogesh Samani said,
October 24, 2026 @ 11:40 AM
વાહ વાહ ને વાહ… લાજવાબ ગઝલ.
Sandip Kotecha said,
October 24, 2026 @ 11:41 AM
Wah…. શૂન્ય….
પાલનપુર નાં અમૂલ્ય ડાયમંડ….
Aasifkhan Pathan said,
October 24, 2026 @ 12:55 PM
ક્યાબાત વાહવાહ