રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા

કોઈ તો બોલો… – રમણીક સોમેશ્વર

દૂઝતા મારા વ્રણો પર
ચાંદનીનો લેપ
કઈ રીતે કરું

આ ખીલેલા ફૂલના
ચહેરા સમું
થોડુંઘણુયે સ્મિત
લાવું કઈ રીતે
ચહેરા ઉપર

દૂર ગાતા કોઈ પંખીને
કરી દઉં ચૂપ
એવું કેમ થાતું!

ગઈકાલ સુધી તો હજુ
ગમતો હતો જે ખૂબ
એ વરસાદ
આજે કેમ લાગે છે આકરો!
ખોતરું તો ખોતરું કેવી રીતે
આ ચામડી નીચે દટાયેલા
બધા પહાડો!
તરફડું છું
ને સમંદર
દૂર થતો જાય છે કાં?
કોઈ તો બોલો…

– રમણીક સોમેશ્વર

સારી રચના ક્લિષ્ટ ભાષાપ્રયોગ અને દુર્બોધ કલ્પનો પર અવલંબિત નથી. પ્રસ્તુત રચનામાં ડામી કે દૂર ન કરી શકાતા ભીતરના અકથ્ય ડૂમાને કવિએ બહુ ઓછા શબ્દોમાં સાવ સરળ રીતે કાગળ પર તંતોતંત ઠાલવી દીધો છે. કવિના ઘા દૂઝતા ઘા છે, મતલબ રૂઝાવાનો પ્રતિકાર કરી રહેલ ઘા છે… ચાંદનીનો લેપ કે પુષ્પનું સ્મિત પણ આ ઘા શમાવવા સક્ષમ નથી. કારણ? મન મેલું તો દુનિયા મેલી. કમળો હોય એને પીળું જ દેખાય. મન સ્વસ્થ હોય તો સુન્દરમની પેઠે અસુંદરનેય સુંદર કરી દેવાનું મન થાય. (હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, /ને જે અસુન્દર રહી તેહ સર્વને /મૂકું કરી સુન્દર ચાહી ચાહી), પણ મન અસ્વસ્થ હોય તો નજીક નહીં, દૂ….ર ગાતા પંખીનેય ચૂપ કરી દેવાની ઇચ્છા થાય અને ગઈકાલ સુધી વહાલો લાગતો વરસાદ પણ અકારો લાગવા માંડે. સુંદર સૃષ્ટિ અસુંદર લાગવા લાગે. દુઃખોની નાનકડી ટેકરીને તો ખોદી પણ શકાય, પણ દુઃખના ડુંગરોને કઈ રીતે ખોદી-ખોતરી શકાય? સમુદ્ર આમ તો ખારો જ હોય અને તરસ છીપાવવા માટે બિનઉપયોગી જ હોય, પણ તરફડતા જીવને કદાચ ડૂબી મરવા માટે એની આશા હોય એમ બને.. પણ અહીં તો એ વિકલ્પ પણ દૂર ને દૂર જ થતો જાય છે… હવે?

3 Comments »

  1. Harihar Shukla said,

    November 28, 2026 @ 5:14 PM

    કોઈ શું બોલે?👌

  2. Shailesh Gadhavi said,

    November 28, 2026 @ 6:05 PM

    વાહ

  3. Nilam Roy said,

    November 28, 2026 @ 8:19 PM

    દરિયો તો દર્દનો ભરિયો છે,
    એ શું લોહે આંસુ,
    ખુદ તો દુઃખમાં ગરિયો છે!

    દૂર થતાં દરિયાનું કલ્પન … કવિની અદભુત અનુભૂતિ!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment