વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

(કોઈનો ઇન્તજાર લંબાયો) – જય કાંટવાલા

એક જણનો નકાર લંબાયો,
કોઈનો ઇન્તજાર લંબાયો.

શેઠના મોજશોખ ચાલુ રહ્યા,
કારીગરનો પગાર લંબાયો.

જિંદગીભર પછી એ ટૂંકો પડ્યો,
હાથ બસ એકવાર લંબાયો.

એણે ‘દેખાડો’ શ્વાસમાં ખેંચ્યો,
એ પછી ઓમકાર લંબાયો.

બેઉ જણ એકબીજામાં ગૂંચવાયા,
બેઉ વચ્ચે કરાર લંબાયો.

કાફિયાઓનો પીછો કરવામાં,
એક કવિ પારાવાર લંબાયો.

– જય કાંટવાલા

ગઝલ શા માટે આટલો લોકપ્રિય કાવ્યપ્રકાર છે એનું પિષ્તપેષણ કરવા બેસીએ તો સેંકડો કારણ હાથ લાગે. પણ મને લાગે છે કે ગઝલની ખરી મજા એના વિચ્છૃંખલ માળખાને પણ આભારી છે. નાની નાની બે જ પંક્તિમાં કવિ પોતાની વાત રજૂ કરે અને ભાવક પૂર્ણ પરિતોષ અનુભવે એનો આહલાદ જ અલગ છે. ટૂંકી બહરની આ ગઝલમાં કવિએ ગઝલસ્વરૂપની આ સવલિયતનો પૂર્ણતયા ઉપયોગ કરી દેખાડ્યો છે. દરેક શેરનું સ્વતંત્ર ભાવવિશ્વ છે અને દરેકમાં કવિએ ભાવકને પ્રતૃપ્તિનો ઓડકાર આવે એવા મજાની વાત કરી છે. સુરતમાં એક ખૂણામાં બેસીને પ્રમાણમાં ઓછી પણ મજબૂત ગઝલો કહેતા આ કવિ તરફ ગુજરાતી ગઝલભાવકોનું ધ્યાન પ્રમાણમાં ઓછું જ ગયું છે, પણ કવિ પ્રવર્તમાન નિષ્ઠાને પ્રામાણિકતાપૂર્વક જાળવી રાખશે તો આવતીકાલ નિઃશંક અજવાળી હોવાની.

1 Comment »

  1. Lata Hirani said,

    November 26, 2026 @ 3:42 PM

    નાના પણ રાઈના દાણા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment