જય કાંટવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 28, 2022 at 11:22 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
છે નાજુક વિચારીને મૂકો ભરોસો,
પડી ભાંગશે કાચ જેવો ભરોસો.
ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો,
હજી એમના પર છે થોડો ભરોસો.
બધા વાતે વાતે જ શંકા કરે છે,
કરે છે હવે કોણ પૂરો ભરોસો ?
કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.
બીજીવારથી આંખ ખુલી ગઈ છે,
પ્રથમ બંધ આંખે મુક્યો’તો ભરોસો.
વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ,
બધાનો બધા પર છે ઉડતો ભરોસો.
– જય કાંટવાલા
નવી પેઢીના ઉભરતા ગઝલકારોમાં ભરોસો મૂકી શકાય એવું એક નામ તે જય. ભરોસો રદીફ રાખીને એણે કેવી મજાની સુવાંગ સુંદર ગઝલ આપી છે એ જુઓ… વિશ્વાસના નાનાવિધ પહલૂઓને છ શેરમાં કવિએ આબાદ ઝીલી બતાવ્યા છે. ભરોસો ઊઠવો, ભરોસો મૂકવો, ઉડતો ભરોસો –જેવા રુઢ પ્રયોગોને પણ કવિએ શેરના તાંતણામાં મોતીમાળ બનાવતા હોય એમ તંતોતંત પરોવી બતાવ્યા છે.
Permalink
May 5, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે
આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.
પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?
આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે
દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.
– જય કાંટવાલા
દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.
Permalink