વલખાટ – ગોપાલ ધકાણ
પાદરના પીપળાએ વાયરાને કીધું કે હુંયે રંગાવું વાળ કાળા,
ખીજડાની જેમ સાવ ખખડધજ ઊભા; હવે અમનેય થાવું રૂપાળા!
મહેંદીને ખાનગીમાં સંદેશો દેજે કે પીપળાની થાજે પાડોશણ.
કેતકીની આંખોમાં આંખ નાખી કહેજે કે પીપળાએ ખંખેર્યા ગઢપણ,
ચૂંટી ખણીને પછી માલતીને કે’જે કે ગૂંથીને રાખે વરમાળા.
લાંબીલચ ડાળીઓને કાપીકાપીને અમે થોકબંધ ઉતાર્યો મેદ,
બારમાસી સાથ કદી ખેલ્યા’તા ફાગ એવો અકબંધ રાખીશું ભેદ,
હૈડામાં ચોમાસું ધોધમાર વરસે ને કાયામાં ઊછળે ઉનાળા.
– ગોપાલ ધકાણ
લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.
જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!
Pravin Shah said,
November 9, 2024 @ 2:06 AM
Khub Saras !
Deval said,
November 9, 2024 @ 11:27 AM
બહુ મજા પડી ….અભિનંદન ગોપાલ ભાઈ અને આભાર વિવેક સર.
Vijay Trivedi said,
November 9, 2024 @ 11:32 AM
વાહ…મન પુલકિત થઈ ગયું.
Dipak Peshwani said,
November 9, 2024 @ 11:36 AM
બહુ મજાના ગીત કવિનું મજાનું ગીત…
Gopal jayantilal Dhakan said,
November 9, 2024 @ 12:00 PM
ખૂબ ખૂબ આભાર, સર જી .
gaurang thaker said,
November 9, 2024 @ 12:24 PM
અરે વાહ વાહ વાહ.. બહુ જ મજાનું સુંદર ગીત.
મુકેશ દવે said,
November 9, 2024 @ 12:35 PM
મજાનું – ગમતું ગીત
Shabnam khoja said,
November 9, 2024 @ 3:29 PM
જોરદાર ગીત, મજા પડી.
Sharmistha said,
November 9, 2024 @ 9:21 PM
વાહ.. મજાનું ગીત
Sharmistha said,
November 9, 2024 @ 9:23 PM
વાહ.. સરસ મજાનું ગીત
Ramesh Maru said,
November 10, 2024 @ 8:38 PM
વાહ…સુંદર ગીત ….
Sejal Desai said,
November 11, 2024 @ 4:08 PM
સુંદર ગીત
Mayur Koladiya said,
November 14, 2024 @ 12:39 PM
સુંદર ગીત…. અભિનંદન કવિ…