ઘેરૈયાનો ઘેરો – વેણીભાઈ પુરોહિત
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ!
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ!
દાણ માગે છે દાણી, નવાઈલાલ!
આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ!
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!
જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!
ભારે હિમ્મત તમે લીધી, નવાઈલાલ!
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ!
ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ!
હસશે ગામની ગોપી, નવાઈલાલ!
ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ!
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ!
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ!
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ!
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ!
મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ!
કાળા કલપમાં બોળો, નવાઈલાલ!
કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ!
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ!
આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
– વેણીભાઈ પુરોહિત
ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)


Kishor Ahya said,
March 4, 2026 @ 1:24 PM
ધુળેટી પર્વની મહિમા વધાવતું આ હળવું ગીત હોઠ પર હળવું સ્મિત જરૂર લાવી દે છે.ગીતમાં કાફિયામાં સરસ શબ્દો મૂક્યા છે. ગીત જૂના જમાનાની મધુર યાદોને તાજા કરે છે. ધુળેટી પર્વ પર ધુળેટી ગીત સોને પે સુહાગા જેવું છે. લયસ્તરો ટીમ, કવિમિત્રો અને ભાવકમિત્રોને ધુળેટીપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
🌹🌹🌹🌹
Hema Mehta said,
March 4, 2026 @ 6:25 PM
વાહ નવાઇલાલનું હોળીનું ફટાણું મજા આવી ગઇ .
Pushkarray Joshi said,
March 4, 2026 @ 6:31 PM
ખૂબ સરસ.
Uma Doshi said,
March 4, 2026 @ 7:58 PM
શાળા ના પાઠ્ય પુસ્તક ની યાદ આવી ગઇ નિર્દોષ આનંદ
Dhiren Avashia said,
March 4, 2026 @ 8:46 PM
વેણીભાઈ ની પ્રકૃતિ અનુરૂપ મઝાનું ગીત… અભિનંદન
Anonymous said,
March 5, 2026 @ 6:46 PM
Good