કવિતા વિશેની કવિતા: ૦૩ઃ કવિતા -ભરત ત્રિવેદી
જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું
તે પણ
અચૂક પાસે આવી બેસી જાય છે
હું કવિતા લખવી શરૂ કરું કે તરત જ
તે પણ તેની રમત શરૂ કરી દે છે
હું લખવા મથું આકાશ વિશે
તો તે લખાવે છે લીલાંછમ ખેતરો વિશે
હું આંખો તાણીને નજર માંડું ક્ષિતિજની પેલે પાર
ત્યારે તે સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેનના મુસાફર જેવો હું
પરેશાન હોઉં ત્યારેય તે ખુશ થતી હોય છે
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખવા બેસતી હોય છે.
-ભરત ત્રિવેદી
કવિ જ્યારે કલમ હાથમાં લે છે ત્યારે એને લાગે છે કે શબ્દો એના છે, ભાવનાઓ એની છે, કવિતા લખવાની મથામણ પણ એની છે અને કવિતા પણ એ જ રચી રહ્યા છે. પણ કાયમ કવિતા કવિની ઈચ્છાથી જન્મ નથી લેતી, ક્યારેક એ બસ અવતરે છે અને ખુદ કવિનો હાથ પકડીને લખાવે છે… મૌનને વાચા આપે છે, પીડાને ઓળખ આપે છે અને ક્યારેક તો કવિને પોતાનાથી જ પરિચિત કરાવે છે. સર્જનની સૌથી સુંદર અને અમૂલ્ય ક્ષણ એ છે કે જ્યારે કવિને ખબર જ નથી પડતી કે કલમ એના હાથમાં છે કે કવિતાએ એનો હાથ પકડ્યો છે. આવી અન-આયાસે અવતરેલી કવિતાઓ કદાચ કવિના માંહ્યલામાં ક્યારનીયે લખાતી રહેતી હોય છે, અને એને અવતરવા માટે એક દિવસ બસ કાગળ મળી જાય છે અને જ્યારે આમ થાય છે ત્યારે કવિ કવિતાને નહિં પણ કવિતા કવિને નવો જન્મ આપે છે.


વિવેક said,
October 15, 2026 @ 5:47 PM
કવિતા વિશેની મારી ગમતી કવિતાઓમાંની એક…
આજે ફરી માણવી ગમી… આસ્વાદ પણ સરસ