ભરત ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 26, 2014 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
અરે હાલ મારા તો એવા થયા છે
પરાયા પૂછે છે કે છે કે ગયા છે?
હતી સાયબી કંઈ અમારી નવાબી
હવે યાદના થોડા સિક્કા બચ્યા છે
વમળમાં હતી જોકે કશ્તિ છતાંયે
ડૂબી કે તરી કંઈયે વાવડ મળ્યા છે?
સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?
ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
અમે શબ્દને એટલે તો પૂજ્યા છે
ધરા જેમ કાયમ જે અહીંયાં તપ્યા છે
ગગનને નીચે એ ઊતારી શક્યા છે
– ભરત ત્રિવેદી
એક મજાની ગઝલ… બધા જ શેર મનનીય…
Permalink
September 22, 2010 at 9:51 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !
ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !
એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !
-ભરત ત્રિવેદી
ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…
Permalink
July 19, 2010 at 8:32 PM by ધવલ · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
પત્નીને
કશી ખરીદીએ મોકલી
કે પછી
ટેલિવિઝન પાસેથી
ઉછીનો સમય મેળવીને
હું કવિતા લખવા
બેઠો હોઉં છું
ત્યારે
એક સદ્ ગત કવિમિત્ર
મારી પાસે આવીને
બેસી જાય છે.
કવિતા પૂરી થાય
કે તરત જ
તે મને પ્રશ્ન કરે છે
‘કવિતા છપાય ત્યારે
તને પુરસ્કારની રકમ મળશે ખરી ?’
હું તેની સામે જોતો રહું છું
તો તે કહે છે :
‘મારાં કાવ્યોના પુરસ્કારની રકમ
મને મળી હોત તો
હું હજી જીવતો હોત.’
– ભરત ત્રિવેદી
કવિતા તો અ-મૂલ્ય છે હોય છે. પણ આ ય એક સચ્ચાઈ છે.
કળાની કદર કરવી આખા સમાજની જવાબદારી છે. જે સમાજ કદર કરી નથી જાણતો, એ સમાજ કળાને લાયક પણ નથી રહેતો.
(માનદેય = માનદ વેતન, Honorarium)
Permalink