અનિલ વિશેષ : ૦૫ : ગદ્યકાવ્ય – એક ક્ષણ
બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…
Bharat said,
March 24, 2025 @ 1:15 AM
I am at a loss on the word ગદ્યકાવ્ય. Are other languages have such word (similar)ગદ્યકાવ્ય? Some academic research in universities can be helpful. I am, personally not fond of it. Poetry brings more than ideas and presentation of emotions. I may be wrong, but please open this topic for discussion in your public forum of Laystaro.
Regards,
Bharat.
Varij Luhar said,
March 24, 2025 @ 11:56 AM
ખૂબ સરસ
કમલેશ જેઠવા said,
March 24, 2025 @ 11:58 AM
કવિતાનો કોઈ પણ પ્રકાર હોય, અનિલ જોશીથી એમાં હજાર પાંખડીવાળા કમળની જેમ ખીલી ઊઠે છે.
કમલેશ જેઠવા said,
March 24, 2025 @ 11:59 AM
કવિતાનો કોઈ પણ પ્રકાર હોય, અનિલ જોશી એમાં હજાર પાંખડીવાળા કમળની જેમ ખીલી ઊઠે છે.
વિવેક said,
March 24, 2025 @ 12:46 PM
@ભરતભાઈ:
તમામ પ્રકારની તંદુરસ્ત ચર્ચાનો લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત જ છે…
વિવેક said,
March 24, 2025 @ 5:00 PM
@bharatbhai:
ગદ્યકાવ્ય વિશે વધારે જાણવું સમજવું હોય તો શ્રી ધીરુ પરીખ સંપાદિત ’ગદ્યકાવ્ય’ (કવિલોક ટ્રસ્ટ પ્રકાશન, અમદાવાદ) અને શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા લિખિત ‘અછાંદસમીમાંસા’ (પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)નો અભ્યાસ કરવો રહ્યો…
પીયૂષ ભટ્ટ said,
March 25, 2025 @ 12:34 AM
કોઈ લલિત નિબંધ ની જાણે શરૂઆત થતી હોય એવી અનોખી સાંજની એક ક્ષણને પકડી કવિની કલમ લય લસરકાની રેખાઓ સાથે શબ્દચિત્રોથી અહીં કવિતાનો આકાર ઘડે છે. વિદેશી સાહિત્યમાં આવા ઘણા ગદ્ય ખંડો જોવા મળે છે પણ અહીં જે કવિકર્મ ખીલ્યું છે તે આપણને સૌદર્યનુભુતિ કરાવી રસ તરબોળ કરે છે. જેના વાહ વાહ કરતાં કરતાં જ વારી જવાય છે. સરસ.