લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.
ભગીરથ બ્રહ્મભટ્ટ

અનિલ વિશેષ : ૦૧ : પ્રાસ્તવિક

અનિલ રમાનાથ જોશી
(૨૮ જુલાઇ ૧૯૪૦ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)

ગુજરાતી ગીતકવિતાના સ્તબકોની વાત કરવી હોય તો ઘણાં નામ આંખ સામે તરી આવે, પણ અનિલ જોશીનું નામ આ તમામ નામોમાં ઉફરું તરી આવે છે, કારણ રમેશ પારેખ અને અનિલ જોશીની બેલડી પરંપરિત ગીતકાવ્યના પ્રવાહને નવ્ય વળાંક આપનાર કવિઓમાં પાયાનું અને મોભનું –ઉભય સ્થાન ધરાવે છે. આ જોડી વિશે વાત કરતાં સુરેશ દલાલ લખે છે: “રમેશ અને અનિલનાં કાવ્યો ગુજરાતી કાવ્યસૃષ્ટીમાં એક ‘લીલો’ વળાંક રચી આપે છે.”

સાવ જ અનૂઠા અને એકદમ અત્યાધુનિક કલ્પનસિક્ત વિચારોને અલગ જ માવજત આપીને અનિલ જોશીએ જે રીતે ગીતકાવ્યનું સીંચન અને સંવર્ધન કર્યાં છે એને માટે તો પ્રસંશાના મોટામાં મોટાં વનરાવન પણ વામણાં સિદ્ધ થાય. ગીતના લય સાથે તો એમણે સિદ્ધહસ્ત કવિસહજ ક્રીડાઓ કરી જ છે, પણ ગીતકવિતાને એમણે જે રીતે વણખેડ્યા વિષય-વૈવિધ્યથી નવાજી સમૃદ્ધ કરી છે, એય કાબિલે-તારીફ છે. ચંદ્રકાન્ત ટોપીવાળા લખે છે: “ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે.”

૮૪ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી ક્ષર દેહ ત્યજી તેઓ અ-ક્ષરદેહ મૂકીને તેઓ દિવ્યચેતનામાં લીન થઈ ગયા છે. કોઈ પણ સર્જકને સાચી અંજલિ એના સર્જનની સરાહના કરીને જ આપી શકાય… આવતીકાલથી લયસ્તરો પર થોડા દિવસો સુધી અનિલમય થઈ કવિશ્રીને શબ્દાંજલિ આપીશું… આપના કવિતાપ્રેમી મિત્રોને પણ આ ઉપક્રમમાં જોડાવા નેહનિમંત્રણ પાઠવશોજી… કવિની જે અમર રચનાઓ લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ચૂકી છે એ રચનાઓને આ ઉપક્રમમાં ન સમાવવાનું નક્કી કર્યું છે. એ રચનાઓ અને તમામનો ટૂંકો રસાસ્વાદ આપ નીચેની કાવ્યકડીઓ ઉપર ક્લિક કરીને માણી શકશો…

2 Comments »

  1. પીયૂષ ભટ્ટ said,

    March 20, 2025 @ 9:54 PM

    ગુર્જરી ગીત ગઝલ ગિરાની અમર ત્રિપુટી

    અ અનિલ જોશી
    મ મનોજ ખંડેરિયા
    ર રમેશ પારેખ

    નું અંતિમ રત્ન અનિલભાઈ જોશી બ્રહ્મલીન થયા ને આપણે સૌ તેમના ટહુકે ટહુકે પીગળતા રહ્યા. તેમની સાથેની અંગત વાતો, જામનગર મુલાકાત પ્રસંગે કવિ મિલન અને તેમના કાર્યક્રમનું કરેલ સંચાલન વગેરે વગેરે હવે સ્મરણ યાત્રામાં સાથે જ રહેશે.
    તેમની રચનાઓ પણ અમર જ રહેશે.
    તેમની વિદાય પ્રસંગે
    હાર્દિક પીયૂષ પ્રણામ
    🙏🙏🙏🙏🙏🙏

  2. Ramesh Maru said,

    March 20, 2025 @ 10:51 PM

    વાહ…વંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment