અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

એક મિત્રએ આ રચના વિષે વાતવાતમાં ઉલ્લેખ કરેલો તે યાદ આવતા આ રચના શોધી. મારા માટે સહિયારી રચના નવી વાત છે. ‘અમે બધાં’ ની જેમ કાવ્યમાં પણ આવા પ્રયોગ થયા છે તે નહોતી ખબર. બન્ને કવિ તો માતબર છે જ અને કાવ્ય પણ બળકટ છે.

[ આભાર – ‘ટહુકો.કૉમ ]

4 Comments »

  1. Maheshchandra Naik said,

    August 27, 2017 @ 1:47 PM

    સરસ,સરસ,સરસ્…..

  2. Neetin Vyas said,

    August 27, 2017 @ 6:43 PM

    આ દોસ્તી રમેશનાં શબ્દોમાં:

    આ દોસ્તી બાબતમાં રમેશ પારેખ પોતે લખેછે: “અનિલની દોસ્તીએ મારા અભાવોનું થોડું વળતર આપ્યું। અનિલ સાહિત્યરસિક મિત્ર જ નહીં, મારા માટે જ્ઞાન અને માહિતીનો ખજાનો હતો. એ સાહિત્યની, સાહિત્યકારોની અનેક વાતો કરતો જે મેં કયારેય વાંચી કે સાંભળી ન હોત. મારા મનમાં સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો પુરાતો રહ્યો। મેં નોટબુકમાં સાન્તડી રાખેલાં કાવ્યો અનિલને વંચાવ્યાં ત્યારે તે બહુ ખુશ થયો નહીં। કહ્યું કે “આ તો જૂની ઘરેડનાં કાવ્યો છે. કશુંક નવું લખતો જા.”
    અનિલની વાત જાણે મને ચેલેન્જ ફેંકતી લાગી, મેં એ ચેલેન્જ ઉપાડી લીધી।
    (અ. સ. વા. યા. માંથી)

  3. Saumya Joshi said,

    November 24, 2017 @ 12:53 AM

    વર્ષો અગાઉ ‘જનસત્તા’ની બુધવારની પૂર્તિમાં શ્રી ગુણવંત શાહના સંપાદન હેઠળ રમેશ પારેખની એક સરસ કોલમ ચાલતી ‘હોંકારો આપો તો કહું’. ગુણવંત શાહ અને જાણીતા હાસ્યલેખક અશોક દવે- આ બંનેના પ્રેમાગ્રહને વશ થઈને કવિ રમેશ પારેખે કલમ ઊપાડી અને પદ્યના લયહિલ્લોળ પર અઢી દાયકાથી ગુજરાતી કવિતાને ઝૂલાવી રહેલા ગુર્જરીના આ લાડીલાએ ગદ્યમાં પણ દોમદોમ સમૃદ્ધિ ઠાલવી. જનસત્તાની આ માતબર કોલમ ઉપરાંત કવિશ્રીએ ‘સમકાલીન’માં ‘કોફીના કપમાં વસંત’ અને ફૂલછાબમાં ‘મને ગમ્યું તે મારુ’ શિર્ષક અંતર્ગત પણ કોલમ લખેલી. કેટલાક છૂટાંછવાયા લેખો ‘જન્મભૂમિ-પ્રવાસી’માં પણ લખેલા. આ બધા જ લેખો પૈકીના મોટાભાગના લેખો ‘અમરેલી સમાચાર’ સાપ્તાહિકમાં પાછળથી રિપ્રિન્ટ થયેલા. તંત્રી લલિતભાઈ મહેતાની હાર્દિક ઈચ્છાને લઈને આ બધા લેખોમાંથી ચૂંટેલા લેખોને પુસ્તકદેહ આપવામાં આવ્યો.

    ‘હોંકારો આપો તો કહું’ આ જ નામથી પ્રકાશિત થયેલા આ પુસ્તકમાંની મને ગમેલી એક સરસ વાત મારા બ્લોગ પર લખી છે કે જેમાં બંને કવિઓની દોસ્તી વિશેની રસપ્રદ ઘટનાનું આલેખન છે, જે આપ સૌ મિત્રો જોડે share કરવાની લાલચ રોકી શકતી નથી!

    http://saujany.blogspot.ca/2013/05/blog-post.html

  4. Dr Tirthesh Mehta said,

    November 24, 2017 @ 2:13 AM

    We are honoured by your visit saumyabhai 🙏🏻🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment