જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

(હોળી રમે રાધા ગોરી) – મીરાં

હોળી રમે રાધા ગોરી, રાધા ગોરીશી નવલ કિશોરી હો. ધ્રુ૦

હની હો નૌતમ ઓઢ્યાં ઓઢણાં,
.                      પ્હેર્યાં ચીર ચરણાં ને ચોલી હો.     ૦૧

હની હો ચૂવા ચંદન ઘોળિયાં,
.                      કેસર ચંદન છીરકત ગોરી હો.      ૦૨

હની હો હાથમાં થાળ કનક તણા,
.                      કુંકુમ લીધાં ઘોળી હો.               ૦૩

હની વનરા તે વનની કુંજગલનમાં,
.                      રાધા મોહન ખેલે હોળી હો.         ૦૪

હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
.                      પિયા પ્યારીની બની જોડી હો.      ૦૫

– મીરાં

લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…

હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.

નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી

2 Comments »

  1. Kishorchandra Ahya said,

    March 2, 2026 @ 9:00 PM

    રાધા-કૃષ્ણ હોળી રમે છે ,તેનું સુંદર વર્ણન મીરાંબાઈએ ગીતમાં કર્યું છે. ખાસ કરીને રાધાનો પહેરવેશ ,સોનાની થાળીમાં યૂવા, કેસર ચંદન લઈ તેનો કાન પર છટકાવ કરે છે તે વર્ણન ખૂબ મજાનું છે. મીરાબાઈ કહે છે …

    “હની વનરા તે વનની કુંજગલનમાં,. રાધા મોહન ખેલે હોળી હો.

    હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,. પિયા પ્યારીની બની જોડી હો. ”

    અહીં ગીતની શરૂઆત ‘હની’ શબ્દથી થાય છે, હની નો અર્થ ગુજરાતી ભજન કે ગીતમાં મીઠાસ લાવવા’હૈ..જી.’ કે હોજી શબ્દ વપરાય છે , લોક ગીતોમાં ‘હો’ ‘હારે’ ‘રે’ ‘લોલ ‘ જેવા શબ્દ વપરાય છે તેમ અહીં ગીતમાં હેત દેખાડવા માટે ‘હની’ શબ્દ હોય તેમ લાગે છે. કાના સાથે રાધાની રંગે રમવાની સુંદર કલ્પના કરતી મીરાંબાઈની આ મધુર રચના વાચતા મન ઉલ્લાસ અનુભવે છે.

    શ્રી વિવેકભાઈએ આસ્વાદમાં શબ્દોની સમજ આપી તે ખૂબ ગમી . અહીં :વનરા તે વન ‘ની કુંજ ગલી શબ્દ, લોકગીતો કે ભજનમાં ઘણીવાર જોવામાં આવે છે. આ શબ્દનો અર્થ ‘વનરા તે વન’ એટલે આજનું વૃંદાવન. ગામડાઓમાં અર્ધ શબ્દો બોલવાનું સામાન્ય રીતે લોકો ટાળતા હોય છે, જય શ્રીકૃષ્ણ શબ્દની જગ્યાએ લોકો જે શ્રી કરશન બોલે છે.આમ વૃંદાવન પરથી ‘વનરા તે વન’ શબ્દ આવ્યો હોય તેવું અનુમાન કરી શકાય.

    હોળી પર્વ પર સરસ મજાની મીરાંબાઈની રચના પ્રસ્તુત્ કરવા બદલ શ્રી વિવેકભાઈને અભિનંદન. સાથોસાથ લયસ્તરો ટીમ, કવિઓ અને ભાવકમિત્રોને ધુળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ..

    🌹🌹🌹🌹

  2. શૈલેશ ગઢવી said,

    March 4, 2026 @ 3:25 PM

    બહુ સરસ પદ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment