(અંબર) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.
ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.
એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?
કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.
નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.
ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.


Shah Raxa said,
April 18, 2026 @ 11:34 AM
ટૂંકી બહરમાં ખૂબ સરસ ગઝલ
ઉમેશ જોષી said,
April 18, 2026 @ 11:55 AM
વાહ.. સકળ શે’ર મર્મજ્ઞ અને હ્રદયગમ્ય છે ્
Kiran Jogidas said,
April 18, 2026 @ 11:55 AM
વાહ… ખૂબ સરસ ગઝલ
Vrajesh Mistri said,
April 18, 2026 @ 12:05 PM
વાહ… ઉત્તરાર્ધ તો જોરદાર
Anonymous said,
April 18, 2026 @ 12:40 PM
વાહ.. ખૂભ સરસ રદીફ નીભાવ્યો છે.
સરસ રચના
Dr Margi doshi said,
April 18, 2026 @ 1:04 PM
ખૂબ સરસ ગઝલ 👏👏
Kishor Ahya said,
April 18, 2026 @ 3:02 PM
પ્રભાતનો અદભૂત આનંદ ! સવારનો ઉગતો સૂર્ય ને પ્રસરતા કિરણો, ઊંચે આકાશે ઊડતા પંખીઓ અને મીઠા મધુરા ટહુકાઓ ! સવારના આકાશની ઠંડી ખુશનુમા હવા વગેરે મધુરતા અસ્તિત્વની મનુષ્યને ભેટ છે, જાણે અસ્તિત્વ કહેતું હોય, લૂટી લો ! લૂંટો ! જીવનભર. અને મનુષ્ય આ આનંદ રોજ માણે છે એને કવિ ‘રોજ સવારે લૂંટ્યું અંબર’ કહે છે. રાત્રે તારાઓ નો ઝગમગાટ ને ચંદ્રનું ખીલવું ને ખોવાય જવુ ,અસ્તિત્વની આ રહસ્યમય ભેટને કવિ ‘રાતે પાછું ગૂંથ્યું અંબર’ કહે છે. અહીં લૂંટ્યું ની જગ્યાએ લૂંટાયુ શબ્દ ઠીક બેસે છે, શ્રી વિવેકભાઈ એ કહ્યું તેમ મત્લા નો શેર વિચારણા માંગી લે તેવો છે, હા, જરૂર ઊંડાણ છે પણ કવિનો ભાવ બહુ સુંદર છે.
“ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.” મત્લા પછીના શેરમાં કવિ કહે છે, મૃત્યું નુ દુઃખ નથી પણ આકાશ છૂટી જવાનું દુઃખ છે! વાહ કેવો સરસ ભાવ! બધા શેર સરસ થયા છે.
‘અંબર’–કવિ શ્રી વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ રચિત ખૂબ સરસ ગઝલ અને શ્રી વિવેકભાઈ નો સરસ આસ્વાદ અને પસંદગી.
🌹🌹🌹🌹
balkishan Jogi said,
April 18, 2026 @ 9:47 PM
વાહ! સાંગોપાંગ ગઝલ
Vipul Mangaroliya said,
April 18, 2026 @ 10:02 PM
Thanks everyone
જયેશ ભટ્ટ said,
April 22, 2026 @ 1:49 PM
સરસ ગઝલ
Lalit Trivedi said,
April 23, 2026 @ 7:25 PM
સરસ, સંઘેડાઉતાર ગઝલ