હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.
– જુગલ દરજી

(જમાનો ખરાબ છે) – મરીઝ

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.

એમાં કોઈ જો ભાગ ન લે, મારી શી કસુર,
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કુદરતને એની જાણ છે, બુલબુલને શું ખબર,
કાલે હશે એ શું કે જે આજે ગુલાબ છે.

આઘાત એનો કોઈ સ્વમાની હૃદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અઝાબ છે.

કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના,
એ આફતાબ! તું તો ફકત આફતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.

ચારિત્ર હો ગુલાબની સુરત સમુ ‘મરીઝ’,
જે બાજુથી જુઓ, અતિ સુંદર ગુલાબ છે.

– મરીઝ

મરીઝની આ અતિસુંદર ગઝલ ઇન્ટરનેટ પર આખી જોવા મળતી નથી અને કેટલાક શેર જોવા મળે છે, પણ એય ભૂલભરેલા… અમુક લોકોએ તો મરીઝે લખ્યો નથી એવો મક્તા પણ ઉમેર્યો છે… આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે આ ગઝલ આખેઆખી…

9 Comments »

  1. lata hirani said,

    November 25, 2021 @ 4:28 AM

    ઉત્તમ ગઝલ અને સરસ કામ

  2. Shridhar Adhyaru said,

    November 25, 2021 @ 8:23 AM

    સુંદર ગઝલ

    આ ગઝલ ભાવકો સુધી પહોંચાડવા બદલ ધન્યવાદ.

  3. લવ સિંહા said,

    November 25, 2021 @ 8:27 AM

    “ઓ‌” આફતાબ…
    જેની જ છે અછત…
    મક્તામાં ‘ગુલાબ’

  4. pragnajuvyas said,

    November 25, 2021 @ 9:11 AM

    બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
    લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.
    વાહ
    સર્વાંગ સુંદર ગઝલ
    ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ

  5. Poonam said,

    November 25, 2021 @ 9:24 AM

    બે ચાર ખાસ ચીજ છે જેની છે અછત,
    બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.
    – મરીઝ – My Fvrt

  6. દીપલ ઉપાધ્યાય ફોરમ said,

    November 25, 2021 @ 10:52 AM

    વિવેકભાઈ ખૂબ જ સરસ
    વાહ વાહ ને વાહ

  7. જયેન્દ્ર ઠાકર said,

    November 25, 2021 @ 1:45 PM

    ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
    તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. …..સરસ ગઝલ છે!

  8. DILIPKUMAR CHAVDA said,

    November 26, 2021 @ 1:29 AM

    વાહ અમુક શેર વાંચવામાં આવેલા આજે આખી ગઝલ વાંચી
    આભાર વિવેક સર

  9. Anil shah said,

    October 10, 2022 @ 10:26 AM

    Very confirm gazal …..
    શબ્દો અને તેનો પ્રયોગ છે રીતે કર્યો છે એ ખરેખર સર્વદા ઉતમ છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment