સાપ (શબ્દ-મોન્ટાજ) – નયન દેસાઈ
ફેણ ફુત્કારે ણણણ સળવળાટ સળવળાટ સ. સ. વિષ સર સર સર
સરકે ચળકે આંખનાં કાણાં ક્ષણનાં કણાક ક. ણ. પછાડ શીશ સર સર સર
આકાર વળ્યો વ. આકાર ઘુમરાયો ઘ. જીભ ફાંટા ફંટાયા ટીસ સર સર સર
બખોલ ખોલ, ખ. રાફડો ફ. ફરફરાટ દંશ દેકારો આગમ તે દિશ સર સર સર
કાંચળી ભીંગડા, ગ. વાડ મહેંદી દડદડ, ડમરુ લિંગ, ફેણ લબડે અહર્નિશ સર સર સર
પળ પળ ળક. કરકોટક વૃક્ષ પાંદડુ ડાળ, અંજીર, સ્વપ્ન, ગળું ઘરઘરાટ ટોટો પીસ સર સર સર
ણ ફેણનો ણ ખણખોતર કરંડિયો બ બીન દાંત તક્ષત ક્ષત વિક્ષત ચીસ, સર સર સર
ઝાંય સોનેરી, લીસોટો લી…સો…ટો ભોરીંગ ભ. ભચ્ચ, ભૂખરું ભરાડી ભીંસ સર સર સર
– નયન દેસાઈ
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.


Anonymous said,
February 20, 2026 @ 6:44 PM
ખૂબસરસ રચના .આસ્વાદ પણ, અભિનંદન
Aasifkhan Pathan said,
February 20, 2026 @ 7:17 PM
वाह वाह
Lalit Trivedi said,
February 20, 2026 @ 9:57 PM
વંદન
જયેરા ભટ્ટ said,
February 21, 2026 @ 12:39 PM
સરસ રચના અને શ્રેષ્ઠ આસ્વાદ , વાહ, સાહેબ
Kishor Ahya said,
February 21, 2026 @ 11:02 PM
સાપ (શબ્દ-મોન્ટાજ) – નયન દેસાઈ.
****
વાહ! ગઝલ તો ખરી જ, પણ મોન્ટાજ ગઝલ, વધુમાં દરેક કડીના છેડે ધ્વનિ સર સર સર….
સાપની વાત કરે તો સપને લગતા બધા શબ્દો ગઝલમાં આવી જાય. સાપ નીકળે છે તેનું વર્ણન કવિએ આબાદ ગઝલમાં કર્યું છે. પૂરી ગઝલ એવી સરસ છે કે એક પણ શબ્દ એમાંથી કાઢી ન શકાય!
“આકાર વળ્યો વ. આકાર ઘુમરાયો ઘ. જીભ ફાંટા ફંટાયા ટીસ સર સર સરબખોલ ખોલ, ખ. રાફડો ફ. ફરફરાટ દંશ દેકારો આગમ તે દિશ સર સર સર”
“કાંચળી ભીંગડા, ગ. વાડ મહેંદી દડદડ, ડમરુ લિંગ, ફેણ લબડે અહર્નિશ સર સર સરપળ પળ ળક. કરકોટક વૃક્ષ પાંદડુ ડાળ, અંજીર, સ્વપ્ન, ગળું ઘરઘરાટ ટોટો પીસ સર સર સર.”
શ્રી નયન દેસાઈનું નામ બહુ આયામી કવિ તરીકે જાણીતું છે, ગઝલનું મોન્ટાજ આયામ લગભગ પ્રથમ વખતનું હશે! જાણે સાપ વિશે દાદા દાદી બાળકોને વાર્તા કરતા હોય તેમ સરરર, ચકલી ઉડી ગઈ ફરરર..વચ્ચે ક્કકો ! વાહ! આકાર વળ્યો વ. .. કાંચળી ભીંગડા, ગ. ..,
કોઈ અર્થ નહીં પણ પૂર્ણ વિરામ લેવાની એક મજા !
આ એક ગઝલ નું ખૂબ હળવું સ્વરૂપ છે. અલગારી જીવ નયનભાઈ જાણે કહી રહ્યા છે, જીવનને પણ આરીતે હળવેથી લો અને જિંદગીને માણો.
શ્રી વિવેકભાઈ એ ખૂબ સરસ ગઝલની પસંદગી કરી છે ને અતિ સરસ આસ્વાદ આપ્યો છે તેઓને આવી સરસ ગઝલથી માહિતગાર કરવા બદલ ધન્યવાદ
🌹🌹🌹🌹