રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

દેવદારી ખુશબૂ – જેન હર્શફિલ્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

દાયકાઓ બાદ,
હજી આજેય,
હું ઠંડા પાણીથી જ મારા ચહેરાને ધોઉં છું-

અનુશાસન માટે નહીં,
ન તો કોઈ યાદ ખાતર,
ને નહીં એ બર્ફીલી, જગાડી દેતી થપ્પડ કાજે,

પણ સ્વયંને
કેળવવા માટે
અવાંછિતને વાંછિત બનાવવાની પસંદગીથી.

– જેન હર્શફિલ્ડ (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

આપ અત્યારે આ કવિતા વાંચી રહ્યા છો એનો અર્થ જ એ કે કવિતા આપને આકર્ષે છે. પણ શું આપે કદી એ વિચાર્યું કે કવિતા આપણને શા માટે આકર્ષે છે? હજાર કારણ છે, પણ એમાનું એક કારણ તે આ. જુઓ આ કવિતા. સાવ જ નાનકડી. ત્રણ-ત્રણ વાક્યખંડોના ત્રણ વિભાગમાં વહેંચી દેવાયું હોય એવું એક જ વાક્ય. ભાષાય કેવી સરળ! કશું ન સમજાય એવું આમાં છે જ નહીં ને તોય, છેલ્લી પંક્તિ હૈયામાં એવી ઊંડી અસર કરી જાય એવી જે લાંબા સમયથી તરોતાજા રહે. ગાલ પર તસતસતો તમાચો પડે અને ઊંઘ ઊડી જાય એવા ઠંડાગાર પાણીથી ચહેરો જોવાની દાયકાઓથી પાડી દેવાયેલી આદત કથક આજેય છોડવા માંગતો નથી, કારણ એ પોતાની જાતને અણગમતી વસ્તુઓને ગમાડી દેવા માટે કેળવવા ઇચ્છે છે. –કવિતા તો બસ આટલી જ છે, પણ સ્વની વાત સર્વની બની રહે છે. સમાજ સર્જાયો નહોતો એ પહેલાં પણ લાખો વરસ સુધી મનુષ્ય જીવતો જ હતો, પણ સમાજ સુરક્ષિતતા અને હૂંફની અનુભૂતિ કરાવતો હોવાથી આદિમાનવ ધીમ્ધીમે સામાજિક પ્રાણી બન્યો. જો કે સમાજથી વધુ મોટૉ પઠાણી ઉઘરાણીકાર બીજું કોઈ ન હોઈ શકે. એનો ટોલ ટેક્સ ઘણૉ વધારે પણ છે અને ફરજિયાત પણ છે. સમાજ આપણને અંકુશમાં રાખે છે. આપણે આપણી ઇચ્છાઓને મારીને જીવવા માટે એ મજબૂર કરે છે. અણગમતી વસ્તુઓ અને વાતો ગમાડવાની એ આપણને ફરજ પાડે છે. આવું અનિચ્છનીય કામ કરવામાં માંહ્યલો વિરોધ ન કરે એ હેતુસર કથક ન ગમતી આદત સાથે દાયકાઓથી જીવી રહ્યો છે.

ખ્યાલ આવ્યો ને? આ વાત નાયકની એકલાની નથી, આપણા સહુની છે. અને વયષ્ટિની અનુભૂતિ સમષ્ટિની બની રહેતી હોવાથી કવિતા આપણને આકર્ષે છે.

શીર્ષક અને કવિતા વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ નથી અને તેમ જુઓ તો? – ચાલો, આ બે છેડા જોડવાનું કામ તમારા પર છોડી દઈએ તો????

10 Comments »

  1. વિવેક said,

    May 30, 2026 @ 10:55 AM

    મૂળ કવિતા –

    A Cedary Fragrance

    Even now,
    decades after,

    I wash my face with cold water –

    Not for discipline,
    nor memory,
    nor the icy, awakening slap,

    but to practice
    choosing
    to make the unwanted wanted.

    – Jane Hirshfield

  2. Harihar Shukla said,

    May 30, 2026 @ 12:02 PM

    અવાંછિત ને વાંછિત બનાવવાની પ્રક્રિયા દેવદારી ખૂશ્બુ પેદા કરે એ સમજવું મારા માટે અઘરું. બાકી આપની પસંદગી ટચૂકડી અછાંદસ કવિતાઓ મૂકવાની, hats off.💐

  3. Nirja parekh said,

    May 30, 2026 @ 12:03 PM

    Waah.. થોડામાં ઘણું

  4. Harshad Dave said,

    May 30, 2026 @ 12:37 PM

    વાહ… સરસ લઘુકાવ્યનો ભાવસભર અનુવાદ અને કાવ્યને વધુ સંવેદ્ય બનાવતો આસ્વાદ. બર્ફીલી જગાડી દેતી થપ્પડ અને દેવદારના વૃક્ષોની સુગંધ સાથે સંબંધ તો ખરો જ. ગુજરાતી કવિતામાં વૈશ્વિક સંવેદનોનું નિરૂપણ ઓછું થાય છે એ પણ નોંધવું રહ્યું.

  5. વિવેક said,

    May 30, 2026 @ 12:48 PM

    @ હરિહર શુક્લ:

    કવિતાના શીર્ષક વિશે ટિપ્પણી કરવાનું એટલા માટે જ મેં ભાવક પર છોડ્યું હતું. મને એવું સમજાય છે કે કવિતાનું શીર્ષક “A Cedary Fragrance” કવિતામાં સીધું ક્યાંય આવતું નથી, પરંતુ પ્રતીકરૂપે કામ કરે છે. કાવ્યનું શીર્ષક એ એક સૂક્ષ્મ, સંવેદનાત્મક સ્મૃતિને દર્શાવે છે જે તેનો સ્ત્રોત ચાલ્યો ગયા પછી પણ લાંબા સમય સુધી ટકી રહે છે—બરાબર એ જ રીતે જેમ દેવદારના લાકડાની સુગંધ દાયકાઓ સુધી રૂમ કે ફર્નિચરમાં વણાયેલી રહે છે. દેવદારની સુગંધની જેમ ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી કોઈ ઊંડી સમજ કે જીવનદૃષ્ટિ કવિના જીવનમાં દાયકાઓ પછી પણ જીવંત છે. ઠંડા પાણીથી મોઢું ધોવાની ક્રિયા એ અણગમતી વસ્તુને સ્વીકારવાની અને ધીમે ધીમે ગમતી બનાવવાની સાધના છે. શીર્ષક આ જ લાંબા ગાળાની, સૂક્ષ્મ પરંતુ સ્થાયી આંતરિક પરિવર્તનની સુગંધ તરફ સંકેત કરે છે.

  6. વિજય રાજયગુરુ said,

    May 30, 2026 @ 1:58 PM

    મને તો વચ્ચેનો ભાગ ખૂબ આકર્ષી ગયો અને એ જ મને તો સૌથી મહત્વપૂર્ણ લાગ્યો આપની ટિપ્પણી પછી કવિતા વધારે આકર્ષક બની જાય છે

  7. કૌશલ યાજ્ઞિક said,

    May 30, 2026 @ 2:27 PM

    વાહ ટૂંકું ને ટચ

  8. Kishor Ahya said,

    June 1, 2026 @ 5:42 PM

    દરેક મનુષ્યે સ્વયંના મનના ખૂણામાં પોતાને શું ગમે અને શું ન ગમે તેવી એક યાદી મૂકી દીધેલ હોય છે ,આ યાદી વર્ષોના પોતાના અસંખ્ય અનુભવો પરથી આપમેળે જાતેજ બની જતી હોય છે, જેને સાધારણતા પૂર્વ કહી શકાય .આમ પોતાને શું ગમશે અથવા નહીં ગમે તે પહેલેથીજ સાધારણતા નક્કી હોયછે પણ જીવનના આદર્શ આવા પૂર્વગ્રહોથી પર રહેવાનું શીખવે છે.

    કવિયત્રીએ અહીંયા ઠંડા પાણીથી મોઢું ધોવાની વાત કરી છે પણ અછાંદસનો હેતુ જાણ્યે અજાણ્યે મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ગમા અણગમાના પૂર્વગ્રહો થઈ જતા હોય છે એ વાત પણ છે. આ સંબંધો બાહ્ય દુનિયા સાથેના અથવા તો પોતાના પર્સનલ ઘરેલું સંબંધો પણ હોય શકે. આવા પૂર્વગ્રહો બદલવા સહેલા નથી હોતા સિવાય કે કવિયત્રી અહીંયા કરે છે તેવા અથાગ પ્રયત્નથી જ એ બદલવા શક્ય બને છે.મનને કેળવવાના આ નિર્ણયને બળ મળે અને હમેશા યાદ રહે એ માટે કવિયાત્રીએ રોજ ઠંડા પાણીથી મોઢું ધોવાની સંકલ્પ કરેલો છે જે કવિયત્રી માટે અવાંછિતને વાંછિત બનાવવાની એક આત્મ-અભિવ્યક્તિ છે.

    “અનુશાસન માટે નહીં,ન તો કોઈ યાદ ખાતર,ને નહીં એ બર્ફીલી, જગાડી દેતી થપ્પડ કાજે,
    પણ સ્વયંને
    કેળવવા માટે
    અવાંછિતને વાંછિત બનાવવાની પસંદગીથી.”

    મનને કેળવવું એટલે પોતાના મન ઉપર નિયંત્રણ રાખવું.ઘણા બધા ધર્મોમાં પણ મન ઉપર નિયંત્રણ રાખવા માટે કોઈને કોઈ પ્રકિયા કરવા માટે જણાવવામાં આવે છે,મન પર નિયંત્રણથી મનુષ્યને માનસિક શાંતિ મળે છે, આધ્યાત્મિક પ્રવૃતિઓ યોગ પ્રાણાયામ, ધ્યાન વગેરે પણ ખૂબ સારી રીતે કરી શકાય છે તેમજ મન પર નિયંત્રણથી અદૃશ્ય આત્મતત્વ ચેતના ‘હોશ’ અનુભવે છે. સ્વયં ની શોધ શરૂ થાય છે.

    ૨૦૦૪માં એકેડેમી ઓફ અમેરિકન પોએટ્સની ફેલોશિપ માટેના તેમના પ્રશસ્તિપત્રમાં, રોઝાના વોરેને નોંધ્યું હતું કે

    હિર્શફિલ્ડે એક ઉત્સાહી દાર્શનિક કલા વિકસાવી છે જે આપણા મનની ઝડપી ગતિને અટકાવે છે. તેમની કવિતાઓ સરળ લાગે છે, પરંતુ તે નથી. તેમની ભાષા, તેની શુદ્ધતા અને પારદર્શિતામાં, શાંત આધ્યાત્મિક પ્રકૃતિના કોયડાઓ રજૂ કરે છે. વાક્ય દ્વારા વાક્ય, છબી દ્વારા છબી, ભાષામાં એકસાથે રહસ્યમય અને સામાન્ય, હિર્શફિલ્ડની કવિતાઓ ચિંતન અને પરિવર્તન માટે જગ્યા બનાવે છે. તેઓ નૈતિક જાગૃતિને આમંત્રણ આપે છે અને એક નાજુક સંતુલન જાળવે છે.

    દેવદારી ખુશબૂ – જેન હર્શફિલ્ડની સરસ રચના છે.
    શ્રી વિવેકભાઈ એ સરસ.પસંદગી કરી સરસ અનુવાદ અને આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  9. વિવેક said,

    June 3, 2026 @ 10:41 AM

    સમય ફાળવીને વિશદ ટિપ્પણી કરનાર તમામ દોસ્તોનો સહૃદય આભાર

  10. dhruv kumar said,

    July 2, 2026 @ 12:34 PM

    આ કવિતાની મુખ્ય ખામીને સંક્ષિપ્તમાં ત્રણ મુદ્દામાં આ રીતે કહી શકાય:
    ​અતિ-સરળીકરણનો દોષ (Over-simplification): કવયિત્રીએ સવારે ઠંડા પાણીથી મોઢું ધોવાની એક અત્યંત નાની, રોજિંદી અને ભૌતિક આદતને જીવનના ગંભીર (આર્થિક, સામાજિક, આર્થિક) સંઘર્ષો સાથે જબરજસ્તી જોડી દીધી છે, જે તાર્કિક રીતે અશક્ય છે.
    ​આદતનો વિરોધાભાસ (Paradox of Habit): જે ક્રિયા ‘દાયકાઓ બાદ’ પણ રોજ થતી હોય, તે માણસની સહજ ‘આદત’ બની જાય છે. આદત બન્યા પછી એમાં કોઈ માનસિક સંઘર્ષ કે ‘પોતાને કેળવવાની’ પ્રક્રિયા બાકી રહેતી નથી, એ માત્ર એક યાંત્રિક રૂટિન બની જાય છે.
    ​નિયંત્રણ વિરુદ્ધ અનિયંત્રિત (Control vs Unexpected): ઠંડું પાણી વાપરવું એ વ્યક્તિના પોતાના નિયંત્રણ (Control) માં છે, જ્યારે જીવનની સાચી મુશ્કેલીઓ અણધારી અને અનિયંત્રિત હોય છે. પોતાની મરજીથી વહોરેલી નાની અગવડ, જિંદગીના અણધાર્યા આકરા આઘાતો સામે લડવાની ક્ષમતા આપી શકતી નથી.
    ​એક લીટીમાં કહેવું હોય તો: આ કવિતા જીવનના વિરાટ અને આકરા સંઘર્ષો સામે એક બહુ જ ઉપરછલ્લો અને કાલ્પનિક ઉકેલ રજૂ કરે છે, જે વાસ્તવિકતાની કસોટી પર ટકી શકતો નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment