તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

રપા અપાર વરસે :૦૨: વરસાદ…

વરસાદ મને મારે છે છાંટાથી ઢીંક
ફળિયા વચાળ ઊભી એકલી-અણોસરી હું ઝીલું છું ઝાઝેરી ઝીંક

માથામાં, પડખામાં, પીઠમાં ને પિંડીમાં ધણધણતી ઢીંકો ઝીંકાય
નાનકડો જીવ મારો મોટીમોટી ઢીંકોથી આમતેમ ગડથોલાં ખાય

અંદર આ અધમણનો મૂંઢમાર, સંભળાતી બ્હાર તો નવટાંકની જ છીંક!

નેવેથી દદડીને છાતીમાં ખાબકેલાં ધ્રાસ્કાનું માતેલું જોર
મારકણું ટાઢોડું લોહીમાં ભરાવે છે સાતસાત રંગોના ન્હોર

પિયુ પરદેશમાં ન હોત તો તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!

– રમેશ પારેખ

વરસાદમાં નહાવાનું કોને ન ગમે? પણ મનનો માણીગર પરદેશ ગયો હોય અને આંખોનો વરસાદ જ રોક્યો રોકાતો ન હોય તો ફળિયા વચ્ચોવચ ખિન્ન વદને એકલા ઊભા હોઈએ તો વરસાદ છાંટાથી ઢીંક મારતો હોય એવું જ લાગે ને! પ્રોષિતભર્તૃકાનું આ વેદનાસિક્ત તોય હળવું ગીત એકદમ સહજ રીતે માણી શકાય એવું છે…

અણોસરૂં= ઉદાસ, ખિન્ન;

11 Comments »

  1. કૌશલ યાજ્ઞિક said,

    July 7, 2026 @ 12:50 PM

    રચના સરસ કહેવાનું ના હોય રમેશ પારેખ
    ભાષા ખુબ તળપદી

  2. વિજય રાજ્યગુરુ said,

    July 7, 2026 @ 12:54 PM

    જય હો

  3. ભગીરથ પંડ્યા said,

    July 7, 2026 @ 1:05 PM

    ર પા! ર પા!
    કેટલું વેઠો છો ને પ્રસવો છો!
    લ્યો આ વ્વાહની ઢીંક ખાઓ 🙏

  4. Amin Kanchan said,

    July 7, 2026 @ 1:09 PM

    રમેશ પારેખની તળપદી મીઠાસની મોજ આ ગીતમાં છે-

  5. Parbatkumar Nayi said,

    July 7, 2026 @ 1:31 PM

    વાહ
    રમેશ પારેખ
    અનરાધાર વરસ્યા તમે
    અઢળક ભીંજાયા અમે

  6. Manisha Shah said,

    July 7, 2026 @ 1:41 PM

    વાહ રમેશ પારેખ,
    વરસાદ ના છાંટા ની ઢીંક….ઢીંકો
    અને પિયુ હોત તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!
    વાહ ખૂબ સરસ 👌👌

  7. Jigisha Desai said,

    July 7, 2026 @ 2:57 PM

    વાહ…ખૂબસરસ વરસાદી ગીત

  8. Vrajesh Mistri said,

    July 7, 2026 @ 3:34 PM

    વાહ… નીક

  9. Neela Sanghvi said,

    July 7, 2026 @ 4:55 PM

    હંમેશની માફક સરસ ગીત.

  10. Peeyush Bhatt said,

    July 9, 2026 @ 4:32 PM

    વાહ ફરી ર.પા.ની રમતિયાળ રચના પણ વિરહીણીનાં મનોભાવોથી ભીંજવતુ ગીત…
    રમેશ પારેખનાં આ ગીતમાં વરસાદનું વર્ણન નથી, પણ વરસાદને શરીરમાં ઉતારી દેવાની અનુભૂતિ છે.
    કવિ અહીં જાણે તળપદી શબ્દોનો એકધારો મારો જ ચલાવે છે‌. જેનાં અર્થ ધ્વનિમાં વેદનાનો ભાર જ વર્તાય છે. ગીતનો ઉપાડ જ જુઓ, સ્થાયીમાં જ ફરિયાદનો સૂર…
    “વરસાદ મને મારે છે છાંટાથી ઢીંક” કહેતાની સાથે જ વરસાદ એનાં છાંટાથી ફળિયામાં ઊભેલી સ્ત્રીને મારે છે. હા, કાવ્ય નાયિકા “એકલી-અણોસરી” છે. ફળિયાની વચ્ચે વરસતાં વરસાદમાં તેની સાથે કોઈ નથી. અને પાળીતું ઢોર જાણે ઢીક મારે એમ વરસાદી છાંટા મારે છે.
    ર.પા. આગળ કહે છે કે, “માથામાં, પડખામાં, પીઠમાં ને પિંડીમાં ધણધણતી ઢીંકો ઝીંકાય”. શરીરનો એકેય ખૂણો બાકી ન રાખતાં આ વરસાદી ટીપાનો માર અંદર સુધી લાગે છે.
    “અંદર આ અધમણનો મૂંઢમાર, સંભળાતી બ્હાર તો નવટાંકની જ છીંક!” વાહ…અંદર તો મણ મણની પીડા ચાલી રહી છે. હૈયું તૂટે છે. પણ દુનિયાને માત્ર “છીંક” સંભળાય છે. કોઈને ખબર નથી કે આ છીંકની પાછળ કેટલો મૂંઢમાર છે. આ એકલતાનાં દુઃખને માપવાનું કોઈ સાધન નથી.
    વળી આગળ કવિ કહે છે કે, અત્યારે હું નદી નથી, હું તો નેવાનું પાણી છું જે છાતીમાં ખાબકે છે અને ધ્રાસ્કો આપે છે, એટલે જ “મારકણું ટાઢોડું લોહીમાં ભરાવે છે સાતસાત રંગોના ન્હોર”
    વરસાદની ટાઢે ય મારકણી. એ શરીરને ઠારે નહીં, લોહીમાં સોંસરવો ઘા કરે અને એ ઘામાંથી નીકળે “સાતસાત રંગોના ન્હોર”. વાહ, ઇન્દ્રધનુષી પીડા, ટાઢ અને રંગ. મૃત્યુ અને સૌંદર્ય. કવિને મન દુઃખ કદરૂપું નથી. એ દુઃખમાંથી પણ એક વિચિત્ર, ભીનું સૌંદર્ય નિચોવે છે. ન્હોર એટલે ઘામાંથી નીકળતું પાણી. પણ અહીં એ સાત રંગનું છે. એટલે પીડા પણ ઇન્દ્રધનુષી બની ગઈ. હવે કાવ્ય નાયિકા અંતિમ પંક્તિ તો બધી ઢીંકનું કારણ ખોલે છે, અને આ જ પંક્તિમાં ઈચ્છા અભિવ્યક્ત કરે છે.કે,
    “પિયુ પરદેશમાં ન હોત તો તો હોત હુંય ટહુકાની ખળખળતી નીક!”
    જો પ્રિયતમ પરદેશમાં ન હોત તો કાવ્ય નાયિકા પણ વરસાદની જેમ ટહુકતી હોત. જીવંત હોત, નદીની જેમ ખળખળ વહેતી હોત. પણ અત્યારે તો વરસાદ તેને મારે છે, કારણ કે તેની અંદરનો વરસાદ, એટલે કે પ્રેમ અને વિરહ, બહાર નીકળી શકતો નથી. બહાર વરસાદનો માર અને અંદર એકલતાનો…
    આમ, વરસાદ પીડે છે. કવિએ અહીં પ્રકૃતિ અને મનુષ્યને એકદમ એકરૂપ કરી દીધાં. પરસ્પર ભેળવી દીધા. બહાર વરસાદની અને ભીતર વિરહની, બંનેની ઢીંક એક થઈ જાય છે. વિવેકભાઈ એ કહ્યું તેમ આ ગીત વિરહીણી વિશે છે જે વરસાદને પોતાના વિરહનું વાહક બનાવે છે. એનું દરેક ટીપું માત્ર ઢીંક અને ઝીંક આપે છે.
    વાહ, સરસ વરસાદી માહોલમાં એક પછી એક ગીતો ભીંજવે છે.

  11. વિવેક said,

    July 10, 2026 @ 11:36 AM

    તમામ પ્રતિભાવકો અને આસ્વાદક શ્રી પીયૂષ ભટ્ટનો ઉષ્માભર્યો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment