ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

રખોપું! – દાન વાઘેલા

આધિ-વ્યાધિ-ઉપાધિનો હિસાબ સઘળો સોપું!
જનમ-મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું !

અંતરમાંથી ઓઘ ઉછળે ને રુંવાડાં રણઝણતા;
વાદવિવાદના વંટોળિયા પણ મીણ સમા ઓગળતા!
જળથી ઝગમગ જ્યોત જોઈને ધન્ય સમય સંગોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!

મન લોચન પર મેઘ ઝળુંબે હૈયે અમી છલકાય;
ધીરગંભીરા સપનાં નવરંગ રૂપ-અનુપમાં ન્હાય!
વ્યોમ હોય કે ભોમ અવિચળ નિજાનંદ આટોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!

– દાન વાઘેલા

શ્રદ્ધાથી મોટી અવર કોઈ શક્તિ નથી. શ્રદ્ધાપૂર્વક સ્વયંનો હવાલો રામને આપી દેવાય પછી શું આધિ, શું વ્યાધિ ને શું ઉપાધિ? હરિશરણમાં જતાં જ રોમહર્ષણ સાથે અંતરમાંથી ફુવારા ફૂટી નીકળે છે, તમામ વાદવિવાદ શમી જાય છે. હરિનામનું કોડિયું મળે તો અસ્તિત્વની જ્યોત ઘી નહીં, જળથી પણ ઝગમગ થાય. આવી ઝળહળ ધન્યતા અનુભવાય એ સમય આ ધરતી પરથી પોતાની લીલાને સંગોપવાનો સમય છે. આખું ગીત સરસ થયું છે, પણ મુખડામાં જનમ મરણની વચ્ચેના જીવનમાં અનહદ ઇચ્છાઓ રોપવાની વાત સહેજ સ્થાને લાગી.. રામનામની તાળી લાગી ગઈ હોય, હૈયું અમીથી છલકાતું હોય અને અવિચળ નિજાનંદ અનુભવાતો હોય એ માણસ ઇચ્છાઓ ત્યાગે કે બીજમાંથી વૃક્ષ બનાવવા પ્રયત્ન કરે? મૂળ રોપવું પ્રયોગ પણ સંદિગ્ધ લાગ્યો. બીજ કે કૂંપળ તો રોપી શકાય, મૂળ શી રીતે રોપી શકાય?

(રખોપું=રક્ષણ; ઓઘ=ધોધ; સંગોપવું= છુપાવી રાખવું; અનુપ= અજોડ)

15 Comments »

  1. Jigisha Desai said,

    August 14, 2026 @ 12:25 PM

    Vahh..

  2. Yogesh Samani said,

    August 14, 2026 @ 12:54 PM

    અફલાતૂન રચના 👌

  3. Kishor Ahya said,

    August 14, 2026 @ 5:07 PM

    આધિ-વ્યાધિ-ઉપાધિનો હિસાબ સઘળો સોપું!
    જનમ-મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું!

    કવિ એ અનહદ ઇચ્છાના મૂળને રોપવાની વાત કરી છે પણ અનહદ ઇચ્છા હમેશા સંસારી બાબતોની જ હોય એવુ જરૂરી નથી હોતું, આધ્યાત્મિક પંથે ચાલનારની અનહદ ઇચ્છા પણ એકજ… જીવન ઇશ્વરને સમર્પિત કરી મોક્ષ પ્રાપ્તિ કરવી. આમ મુખડાની બંને પંક્તિ એકજ અર્થમાં દેખાય છે. ઇચ્છાનું મૂળ એ પ્રચલિત શબ્દ પ્રયોગ છે, સામાન્ય રીતે બધે વપરાય છે.
    શ્રી વિવેકભાઈએ રચનાનો ખુબજ મજાનો આસ્વાદ કરાવ્યો છે.
    “મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!” વાહ !વાહ! આ શબ્દોની ગાંઠ મનમાં બેસી જાય તો જીવન ધન્ય બની જાય.

    આધ્યાત્મિક માર્ગે ચાલવા પ્રોત્સાહિત કરતી કવિ શ્રી દાન વાઘેલાની ‘રખોપું!’ માણવા જેવી સરસ રચના છે.

    🌹🌹🌹🌹

  4. વિવેક said,

    August 14, 2026 @ 6:19 PM

    @ kishor ahya:

    આ વાત એકદમ સાચી… અનહદ ઇચ્છા હરિપ્રાપ્તિ માટેની પણ હોઈ શકે… કવિતામાં એ તરફ ઈંગિત કરાયો હોત તો વધું સારું થાત

  5. Vrajesh Mistri said,

    August 14, 2026 @ 10:23 PM

    વાહ… રામ

  6. Kishor Ahya said,

    August 15, 2026 @ 9:46 AM

    આભાર વિવેકભાઈ, તમારી ટિપ્પણી બરાબર.છે, આવો કોઈ ઈશારો કાવ્યમાં હોવો જોઈતો હતો, આથી ઇચ્છાઓનો અર્થ સાંસારિક ઇચ્છાઓ જ માની શકાય. મને લાગે છે પંક્તિનો અર્થ કવિએ આવો પણ લીધો હોય..
    “જન્મ મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું” જીવનમાં જે અપાર ઇચ્છાઓ છે એના મૂળ રોપવા એટલે કે ઇચ્છાઓ જન્મે છે એ કારણ ને જ જમીનમાં ગાડી દઉ!( જેથી એ ફરીથી બહાર ન આવે ) (અને પ્રભુને સમર્પિત થઈ જાઉં) આ અર્થમાં પણ મુખડાની બંને કડીઓ અર્થસભર બની રહે છે.

    🌹🌹🌹🌹

  7. Dan vaghela said,

    August 15, 2026 @ 11:15 PM

    સ્નેહી મિત્રો,
    ‘રખોપું’ ગીતકાવ્ય આપ સૌ માણી/જાણી રહ્યાં છો એનો મને આનંદ છે. એમાં ટેક જેવી પંક્તિ ‘મારો રામ કરે રખોપું (2)’ એમાં “મારો રામ” એ સાચા ભક્તોના ખુદના “અંતરાત્મા”નું ગુંજન કે પ્રતીક છે. જેમાં ઋષિમુનિ સમા નરસિંહ, મીરાં, તુકારામ, જલારામ, ભક્ત બોડાણા, ભાઠી હરજી, શેઠ શગાળશા/ચંગાવતી અને અન્ય ઘણાં સંતમહંત જેવા સંસારી સ્ત્રી/પુ.ના જીવનમાં બનેલી પ્રચલિત /જાણીતી ઘટનાઓ છે. એવી કોઇપણ એક ઘટના કેન્દ્રમાં રાખીને આ ટેક પંક્તિ સાથે આખીય રચના માણવા જેવી છે. ઉપરાંત આ પણ વિચારવા જેવું….
    एक राम घट घट में बोले, एक राम दशरथ घर डोले ;
    एक राम का सकल प्रसारा, एक राम है सब से न्यारा ।
    – अज्ञात
    શ્રી કિશોર આહ્યાની થોડીક વાતનો સૂર પણ ઉપરોકત ભક્ત શિરોમણીઓના “જીવનકવન”ને સ્પર્શતો હોય એવો છે. ગમ્યું.
    શ્રી વિવેકભાઇએ કાવ્યાત્માનું સંક્ષિપ્ત સરસ રસદર્શન સાથે પ્રશ્ન પણ સાંકળ્યા એ જરૂરી છે. આપની આ શૈલી પણ કૈક તત્ત્વ – સત્ત્વને ઉજાગર કરી શકે છે. એનો આનંદ આનંદ. આભાર ❤️🙏
    ::દાન વાઘેલા:::

  8. Suresh Parmar said,

    August 17, 2026 @ 2:53 PM

    Very nice 🌹👍🙏

  9. Harihar Shukla said,

    August 17, 2026 @ 4:16 PM

    મોજ

  10. Meena Parekh said,

    August 17, 2026 @ 5:19 PM

    વાહ સરસ

  11. ramesh maru said,

    August 17, 2026 @ 9:09 PM

    વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  12. Jigna Rathod said,

    August 18, 2026 @ 9:27 AM

    ખૂબ સરસ ગીત માણવા મળ્યું. 👌👌🙏🙏

  13. વિવેક said,

    August 18, 2026 @ 11:11 AM

    @ દાન વાઘેલા:
    સાઇટ ઉપર કવિશ્રીનું સહૃદય સ્વાગત… કવિનું આગમન સાઇટનું ગૌરવ વધારનારી ઘટના છે… ખૂબ ખૂબ આભાર

    તમામ પ્રતિભાવકોનો પણ દિલી આભાર

  14. વિવેક said,

    August 18, 2026 @ 11:18 AM

    આદરણીય શ્રી કિશોર આહ્યા: આપનું અવલોકન ફરી એકવાર સચોટ જણાય છે… મૂળ રોપવા એટલે કારણને જ રોપી દેવા એ વાત રચનાને વધુ અર્થસભર બનાવે છે..

    આપ જેવા રસિકજનોના કારણે કવિતાના હાર્દ સુધી પહોંચવાનો વ્યાયામ વધુ સાર્થક બને છે…

    કૃતકૃત્યતા અનુભવી રહ્યો છું…

  15. jyoti Patel said,

    August 18, 2026 @ 8:51 PM

    A beautiful devotional song,
    and also the conversations around it
    have become just as beautiful as the song itself…
    This discussion is pure joy to read .🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment