દુકાળ – નીતિન વડગામા
તડકાનાં કૈં તીર વછૂટે.
કૂવા, નદીયું ને સરવરનાં તળિયાં તૂટે!
મૂળિયામાંથી ઉખડી ટાઢક.
પાનવછોયાં ઝાડ ઊભાં છે સાવ અવાચક!
સળગે છે સૂનાં આંગણિયાં.
વાંભવાંભ ઊછળતા રહેતા લૂના દરિયા!
સૂરજનો અસવાર નીકળે.
પરસેવાથી રેબઝેબ પડછાયા પીગળે!
રોજ હવે તો ઢળતી સાંજે,
ફળિયું, ખીલા, ગમાણ રોમેરોમ કરાંજે!
– નીતિન વડગામા
ગીતની ખરી મજા એ છે કે ગઝલ-સૉનેટની માફક પૂર્વનિશ્ચિત બંધારણમાં જકડાઈ રહેવાના બદલે હૃદયોર્મિ જે રીતે વહેતી હોય, અદ્દલોદ્દલ એ જ રીતે વહેવાને એ આઝાદ છે… લયસ્તરો પર આજે એક મજાનું ગીત જોઈએ. અહીં કોઈ મુખડું નથી ને નથી કોઈ પૂરકપંક્તિ. ચુસ્ત પ્રાસવાળી બબ્બે પંક્તિના પાંચ બંધ. ગીત કાવ્યસ્વરૂપ માટે આ વિધા નવી નથી, પણ અહીં જે નવું છે એ છે દરેક યુગ્મકના વિષમાવર્તન… બંને પંક્તિમાં આવર્તનસંખ્યા અલગ હોવાના કારણે લયની જે ભાત અહીં સર્જાય છે, એ મનમોહક થઈ છે…
તાપ વધુને વધુ આકરો થઈ રહ્યો છે. બપોરે ક્યાંક જવાની ફરજ પડે તો એમ જ લાગે જાણે તડકાનાં તીર આપણને રોમેરોમે વીંધી ન નાંખતાં હોય. જળાશયો સૂકાઈ જતાં તળિયે તિરાડો પડવા અને વિસ્તરવા લાગે છે. પર્ણવિહોણાં વૃક્ષોને પવનની અનુપસ્થિતિમાં સ્થિર – અવાચક જોઈને એમ લાગે કે જાણે કોઈએ મૂળિયામાંથી ટાઢક જ ન ઉખાડી લીધી હોય! આંગણાં સૂનાં છે પણ એમાં લૂના દરિયા ઉછાળા મારી રહ્યા છે. આંગણાઓનો ખાલીપો અને દરિયાની અસીમતા – આ બે અંત્યબિંદુઓ પરના વિરોધાભાસી રૂપકોને પરસ્પરમાં ઓગાળી દઈ કવિએ કેવો કમાલ કર્યો છે, નહીં! સાંજ સુધીમાં તો અસ્તિત્વના કણેકણ કરાંજતા થઈ જાય એવા તડકાનાં તીરોનું આ લયાન્વિત ગીત નાની-મોટી કડીઓના વિષમાવર્તનોમાં રાચતી ચુસ્ત પ્રાસાવલિના કારણે વધુ હૃદ્ય બન્યું હોય એવું નથી લાગતું?


Shailesh Pandya said,
May 2, 2025 @ 11:15 AM
વાહ…
વ્રજેશ મિસ્ત્રી said,
May 2, 2025 @ 11:17 AM
વાહહ.. અદભુત પ્રયોગ
મયંક ઓઝા said,
May 2, 2025 @ 11:38 AM
વાહ . . 🌹
Daxa sanghavi said,
May 2, 2025 @ 1:04 PM
વાહ સરસ ગીત રોમે રોમ કરાંજે… કેવું જીવંત લાગે છે
Daxa sanghavi said,
May 2, 2025 @ 1:07 PM
રોમે રોમ કરાંજે …વાહ કેવું જીવંત લાગે છે
નીતિન વડગામા said,
May 2, 2025 @ 1:37 PM
વાહ! કાવ્ય-ભાવનું આબાદ ઉદ્ઘાટન. આનંદ…આભાર…
Nitin Vadgama said,
May 2, 2025 @ 1:44 PM
વાહ ! કાવ્ય-ભાવનું આબાદ ઉદ્ઘાટન.
આનંદ…આભાર…
gaurang thaker said,
May 2, 2025 @ 1:50 PM
વાહ વાહ વાહ.. 👌🌹
Jigisha Desai said,
May 2, 2025 @ 2:51 PM
Mast
જયેશ ભટ્ટ said,
May 2, 2025 @ 3:36 PM
સરસ પ્રયોગ…કાવ્યભાવનો ઉઘાડ મસ્ત…વાહ
Kishor Ahya said,
May 2, 2025 @ 6:36 PM
લગ્નના ગીત લગ્ન પર , તેમ ઉનાળા નું ગીત ઉનાળામાં અત્યારે શોભી ઉઠ્યું છે. ગીતના શબ્દોનો અત્યારે અર્થ વાસ્તવમાં દેખી શકાય છે –
કવિએ કવિતામાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખૂબ સરસ છે.
તડકાના તીર, તળિયા તૂટે ,
પાવન છોયા ઝાડ, વાંભ વાંભ, પડછાયા પીગળે, ખીલા, ગમાણ, કરજે વગેરે શબ્દોથી કવિતા શોભી ઊઠી છે. કવિ કહે છે સૂરજ નો અસવાર નીકળે ,માણસ તો રેબઝેબ, એના પડછાયા પણ પીગળી જાય એવી ગરમી છે!
કવિતા બધી રીતે ઉત્તમ. કવિ શ્રી નીતિન વડગામા એ સરસ રચના આપી છે .વિવેક ભાઈ એ આપેલ આસ્વાદ બહુ સરસ છે.
ગીતનું શીર્ષક’ દુકાળ ‘જરા અજુગતું લાગ્યું કેમકે તે કવિતાના વિષય સાથે સુસંગત બેસતું નથી.
🌹🌹
Dhruti modi said,
May 3, 2025 @ 3:26 AM
દુકાળનું આબેહૂબ વર્ણન ! દુકાળ એટલે ખરાબ સમય જેમાં પશુ-પંખીથી માંડી લોકો સહિત ત્રાહિમામ પોકારે, નદી તળાવ, કુવાઓ પોતે જ પાણી વિના ગરીબડાં ! આવા કપરા ટાઈમની વાત છે આ નાનકડી કવિતામાં કવિશ્રીએ સુંદર વર્ણન કર્યુ છે !
બાબુલાલ ચાવડા ' આતુર ' said,
May 3, 2025 @ 10:28 AM
વાહ વાહ 🌹
Varij Luhar said,
May 3, 2025 @ 11:37 AM
વાહ.. સરસ પ્રયોગ
Kishor Ahya said,
May 3, 2025 @ 2:48 PM
‘દુકાળનું આબેહુંબ વર્ણન ‘ એવી સુ.શ્રી. ધૃતિ મોદી ની ટિપ્પણી સાથે હું સહમત છું પણ કવિ એ’ દુકાળ ‘ શીર્ષક પછી દુકાળ!,એવું આશ્રર્ય ચિન્હ લગાડ્યું નથી ,જે જરૂરી હતું. અહીં તો ગરમીનું વર્ણન છે આશ્રર્ય ચિન્હ હોત તો શીર્ષક સુસંગત .
Lalit Trivedi said,
May 3, 2025 @ 5:00 PM
વાહ વાહ