હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર

સોંપું તો કોને સોંપું? – લલિત ત્રિવેદી

આ રોમ રોમ રાહત સોંપું તો કોને સોંપું?
અંગાર સંગે ધરપત સોંપું તો કોને સોંપું?

રતજાગની રિયાસત સોંપું તો કોને સોંપું?
માલિક! વિકટ રહેમત સોંપું તો કોને સોંપું?

કહું છું પગે પડી, તત! સોંપું તો કોને સોંપું?
શાહી બની ગયું સત, સોંપું તો કોને સોપું?

મુફલિસની આ મિલકત સોંપું તો કોને સોંપું?
આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું?

અરવિંદ, દે હિદાયત, સોંપું તો કોને સોંપું?
કાગળને કાંઠે કરવત સોંપું તો કોને સોંપું?

તનમાં જ ઝંખાવાતો વ્હાયા તો એવા વ્હાયા
ભીતર ભીતર કમલવત સોંપું તો કોને સોંપું?

નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે
જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?

જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત
તિરશૂલ કી વિરાસત સોંપું તો કોને સોંપું?

વકરામાં લૈને છપ્પા… વસતી કરું છું પલ્લાં
આ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું?

ઋતુઓએ મને દીધી દોથા ભરી ભરીને
લાવણ્યની સખાવત સોંપું તો કોને સોંપું?

પર્ણોય પણ ન જાણે ચોરી છુપી કરી છે
આ મર્મરી ઉચાપત સોંપું તો કોને સોંપું?

થોડીક નખમાં છે ને થોડીક નખલીમાં છે
આ ઝીણી ઝીણી હરકત સોંપું તો કોને સોંપું?

પાણીની જેમ દાહા જે પી ગયા, કહે છે
આ દોમ દોમ દૈવત સોંપું તો કોને સોંપું?

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદી એટલે પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો અલાયદો ચોકો. એમની ગઝલ હાથમાં લો અને પહેલી પંક્તિમાં જ કાવ્યબાની આગવી અને અનૂઠી ન વરતાય એ સંભવ નથી. બાની અને રજૂઆતની દૃષ્ટિએ તો તેઓ ટોળાથી નોખા તરી જ આવે છે, કાફિયાપસંદગી અને નવ્યકાફિયા સરજતથી પણ તેઓ ઉફરા સિદ્ધ થાય છે. આજના ગઝલકારોને પાંચ-સાત શેર જેટલા કાફિયા એકઠા કરવામાંય નવનેજાં પાણીઉતરે છે, એવામાં આ ગઝલકાર મોટાભાગની ગઝલોમાં એકાધિક મત્લા સહિત આઠ-દસથી વધુ શેરની ગઝલો સતત આપતા રહે છે. પ્રસ્તુત ગઝલમાંય તેર શેર અને એમાંય પાંચ-પાંચ તો મત્લા! ભઈ વાહ!

17 Comments »

  1. Varij Luhar said,

    June 10, 2026 @ 11:47 AM

    ખૂબ સરસ ગઝલ મુફલિસની આ મિલકત… આ દોમ દોમ દૈવત.. વાહ

  2. Reena Parikh said,

    June 10, 2026 @ 11:56 AM

    સરસ ગઝલ, નોખી બાની!

  3. vrajesh misri said,

    June 10, 2026 @ 12:05 PM

    sache j viral

  4. Neha Purohit said,

    June 10, 2026 @ 1:04 PM

    મને સહુથી વધુ છેલ્લા બે શેર ગમ્યા.. આખી કૃતિ મજાની થઈ છે.

  5. રાજેન્દ્ર ભટ્ટ said,

    June 10, 2026 @ 1:39 PM

    કવિ નું ભાષા કર્મ ખૂબ બહોળું છે અડધોઅડધ શેરમાં ઉલ્લા અને સાની મિસરા મા કાફીયા પ્રયોજ્યા સલામ છે કવિ શ્રી ને

  6. જયેશ ભર said,

    June 10, 2026 @ 3:25 PM

    વાહ

  7. વિજય રાજયગુરુ said,

    June 10, 2026 @ 3:33 PM

    સરસ

  8. DILIPKUMAR CHAVDA said,

    June 10, 2026 @ 4:13 PM

    નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે
    જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?

    ક્યા બાત હે કવિ

  9. Harihar Shukla said,

    June 10, 2026 @ 4:50 PM

    વાહ, મોજ.

  10. Kishor Ahya said,

    June 10, 2026 @ 7:02 PM

    મનુષ્યને જ્યારે મૃત્યુની આહટ સંભળાવવા લાગે છે ત્યારે ચહેરા પર એક વિષાદ છવાય જતો જોવા મળે છે, આનું કારણ જીવન મળ્યું પણ જાણે એળે ગયું! કશું મળ્યું નહી ! ઇચ્છાઓ એમની એમ રહી ગઈ ! આ ખાલીપો મનને વ્યથિત કરે છે ,જેને કારણે વિષાદ પેદા થાય છે. જીવનનો છેવાડો આવતા આવતા કેટલીકવાર મૃત્યુ સુધી મનુષ્ય કેટલીક બાબતોથી ચિંતિત હોય છે, જેમકે ભૌતિક સંપતિ, કુટુંબની ચિંતા અથવા વર્ષોની તપસ્યા પછી પોતે મેળવેલ કલા સંગીત સાહિત્ય અને આધ્યાત્મના આ વારસાનું પોતાના મુત્યુ પછી શું થશે? કોને સોંપી જવો? કવિશ્રી એ ‘સોંપું તો કોને સોંપું? ‘ગઝલમાં આ અદૃશ્ય વારસાની વાત કરી છે.

    કવિએ ગઝલમાં બહુ લયબદ્ધ શબ્દો પ્રયોજ્યા છે જેમકે ધરપત, રહેમત, સત, ગાલિબાના સોબત, વિરાસત, બરકત, સખાવત, દૈવત વગેરે શબ્દો સુંદર પ્રાસ ધરાવે છે પણ કવિ જાણે છે કે આ વારસો જાતેજ પોતાની મહેનતથી અને કૃપાથી પ્રાપ્ત થતો હોય છે, કોઈને આપી શકાતો નથી ,તેથીજ કવિની ચિંતા ‘સોંપું તો કોને સોંપું? યથા સ્થાને છે. આધ્યાત્મ પણ કોઈને સોંપી શકાતુ નથી તેથીજ ભગવાન બુદ્ધે મુત્યુ સમયે તેમના શિષ્યોને ‘અપ્પ દીપો ભવ’ નો ઉપદેશ આપેલ હતો.

    નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?

    જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત તિરશૂલ કી વિરાસત સોંપું તો કોને સોંપું?

    વકરામાં લૈને છપ્પા… વસતી કરું છું પલ્લાંઆ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું?

    ઋતુઓએ મને દીધી દોથા ભરી ભરીનેલાવણ્યની સખાવત સોંપું તો કોને સોંપું?

    વાહ !
    શ્રી વિવેકભાઈની ગઝલની સરસ પસંદગી કરી છે અને સરસ આસ્વાદ આપ્યો છે. કવિશ્રી લલિત ત્રિવેદીની આ રચનામાં શ્રી વિવેકભાઈએ કહ્યું તેમ નવીન ભાત છે. શબ્દોની સરસ પસંદગી અને ખૂબ સારી લય છે. રચના ખૂબ ગમી.

    🌹🌹🌹🌹

  11. Lalit Trivedi said,

    June 10, 2026 @ 7:45 PM

    ખૂબ ખૂબ આભાર

  12. Vrajlal Savaliya said,

    June 10, 2026 @ 8:30 PM

    ખુબ સરસ ગઝલ.

  13. Dr Nirajkumar Mehta said,

    June 12, 2026 @ 12:53 PM

    લલિતભાઈના પરિચયમાં ન્હોતો ત્યારનો એમનો ફેન છું.
    ખૂબ સરસ ગઝલ
    એમની ઘણી ગઝલોનો મેં હિન્દી અનુવાદ કર્યો છે
    આનો ભી થશે

    સોંપું તો કોને સોંપું? જેવી નવ્ય રદ્દીફ લલિતભાઈ જ આપી શકે

    શાહી બની ગયું સત, ગાલિબાના સોબત, કાગળને કાંઠે કરવત, (My God), બેહિસાબ બરકત, લાવણ્યની સખાવત, મર્મરી ઉચાપત(આયહાય)
    કયા બાત…
    અને આ શેર સૌથી અદ્ભુત લાગ્યો
    થોડીક નખમાં છે ને થોડીક નખલીમાં છે
    આ ઝીણી ઝીણી હરકત સોંપું તો કોને સોંપું?

  14. Jay Naik said,

    June 12, 2026 @ 10:53 PM

    મારો તો દિવસ સુધરી ગયો!
    વાહ લલિતભાઈ વાહ! મકરંદભાઈ યાદ આવી ગયા.
    બહુત ખુબ!
    કયા કહેને!
    અલ્લાહ કરે જોરે કલમ ઔર ભી જ્યાદા!

  15. વિવેક said,

    June 13, 2026 @ 11:58 AM

    સમય ફાળવીને પ્રતિભાવ આપનાર તમામ સહૃદય ભાવકમિત્રો અને સર્જકમિત્રોનો દિલથી આભારી છું…..

  16. Dr Sejal Bhvesh Desai said,

    June 16, 2026 @ 4:55 PM

    વાહ…ઉમદા ગઝલ.. કાફિયાપ્રયોગ ખૂબ જ સુંદર

  17. dhruv kumar said,

    July 1, 2026 @ 1:54 PM

    ગઝલશાસ્ત્રમાં લાંબી રદિફ (અહીં ‘સોંપું તો કોને સોંપું?’ એ ચાર શબ્દોની બહુ લાંબી રદિફ છે) એ હંમેશાં બેધારી તલવાર જેવી હોય છે. કાં તો એ ગઝલને અત્યંત ઘેરી અને ચોટદાર બનાવે, અથવા તો કવિને પ્રાસ (કાફિયા) ગોઠવવાની એટલી મજબૂરી આપી દે કે ગઝલ માત્ર એકની એક વાતનું વાગોળણ (પુનરાવર્તન) બનીને રહી જાય.
    ​ આ રચના સર્જનાત્મક બનવાને બદલે ‘યાંત્રિક’ અને ‘કંટાળાજનક પુનરાવર્તન’ બની ગઈ છે. આવી ગઝલ વાંચીને ચોક્કસ થાય કે કવિ પાસે કહેવા માટે કોઈ નવો ભાવ નથી, માત્ર લાંબી રદિફનો વટ ખાવાની આદત છે.
    ​૧. ‘સોંપું તો કોને સોંપું’ ની લાચારી અને અર્થહીનતા
    ​જ્યારે રદિફ આટલી લાંબી હોય, ત્યારે દરેક શેરમાં એ રદિફ ‘ફિટ’ બેસવી જોઈએ અને એનો કોઈ અર્થ નીકળવો જોઈએ. પણ અહીં જુઓ:
    ​’કાગળને કાંઠે કરવત સોંપું તો કોને સોંપું?’ (કાગળના કાંઠે કરવત એટલે શું? અને એ કોને સોંપવાની વાત છે? સાવ અર્થહીન લખાણ.)
    ​’આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું?’ (ગાલિબની સોબત સોંપવાની વાત જ જામતી નથી, માત્ર પ્રાસ બેસાડવા ગાલિબનું નામ વાપર્યું છે.)
    ​કવિ દરેક શેરમાં કંઈક અલગ જ પદાર્થ કે ભાવ (રાહત, રતજગા, મિલકત, કરવત, સંપત, વિરાસત, બરકત, ઉચાપત, હરકત) લાવે છે અને પાછળ ‘સોંપું તો કોને સોંપું’ લગાડી દે છે. આનાથી કોઈ એક કેન્દ્રીય ભાવ (Central Theme) પકડાતો નથી, પણ એવું લાગે છે કે કવિ પોતાની ડાયરીમાં જે કંઈ શબ્દો મળ્યા તે બધા કોઈને સોંપવા નીકળ્યા છે!
    ​૨. ભાષાનો ખીચડો (લિંગભેદ અને વ્યાકરણના લોચા)
    ​લાંબી રદિફના ચક્કરમાં કવિ ભાષાની શુદ્ધતા પણ ભૂલી ગયા છે:
    ​’જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત, તિરશૂલ કી વિરાસત…’ — અચાનક ગુજરાતી ગઝલમાં ઉર્દૂ-હિન્દીનો બળજબરીથી ઘુસાડેલો ખીચડો ગઝલના સ્તરને સાવ તોડી નાખે છે.
    ​’નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે, જગ્યા બની ના સંપત…’ — ‘સંપત’ (સંપત્તિ) સ્ત્રીલિંગ છે, પણ પ્રાસ મેળવવા એને ‘બની ના સંપત’ તરીકે કેવો કુરૂપ પ્રયોગ કર્યો છે!
    ​૩. ‘ન લખવું વધુ સારું’
    ​ “આવી ગઝલ લખવા કરતા ન લખવું વધુ સારું”, . ગઝલ એ ચમકૃતિ અને ચોટનો પ્રદેશ છે. જો ૨૦-૨૦ શેર લખવા છતાં ભાવકના દિલમાં કોઈ આહ કે વાહ ન નીકળે, તો એ કાગળ અને સમયનો બગાડ જ છે.
    ​આ આખી લાંબી ગઝલમાંથી એક પણ શેર એવો નથી જે માણસને યાદ રહી જાય અથવા ડાયરીમાં ટાંકવો ગમે. થોડીક નખમાં અને થોડીક નખલીમાં ‘ઝીણી ઝીણી હરકત’ જેવા શેરો તો ગઝલને સાવ બાલિશ સ્તરે લઈ જાય છે.
    ​: લાંબી રદિફ વાપરીને કવિ લલિત ત્રિવેદી પોતાની જ ગૂંચવણમાં ફસાઈ ગયા છે. ગઝલ માત્ર છંદનું ગણિત નથી, એ કાવ્યતત્વની ગરિમા છે, જે આ ‘માસ પ્રોડક્શન’ જેવી લાંબી ગઝલમાં ક્યાંય દેખાતી નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment