જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મહેકતી હવાઓમાં કંઈક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપી ને, લ્યો અમે તો આ ચાલ્યા
તુષાર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બહુત ગઈ ને થોડી રઈ – લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!

ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!

અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!

એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

– લલિત ત્રિવેદી

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.

વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.

Comments (3)

રામલલ્લા – લલિત ત્રિવેદી

અજવાળ, રામલલ્લા
માણસ લગીના પલ્લા!

શરણાઈ-શા મહોલ્લા
ક્યારે બની ગ્યા હલ્લા!

અભરે ભર્યું છે, વલ્લા
વેરાન, માસાઅલ્લા!

છલકાય સોળવલ્લા
સુખદુ:ખ વલ્લાવલ્લા!

સુલઝી ગયા રે મસલા
ખુદ થૈ ગયા મુસલ્લા!

તો આભડે છે એરુ
અડકું જરા જો દલ્લા!

સામે હઈશ તું ગાયબ
કરશું ગઝલથી હલ્લા!

છે દામાકુંડી અમરત
શબ્દો લગીના પલ્લા!

એવું, ભગત, શુ માંગ્યું?
ભગવાન ગલ્લાંતલ્લાં!

– લલિત ત્રિવેદી

નવા નવા શબ્દો કોઇન કરીને ખપજોગા કાફિયા નિપજાવી લેવાની અને મહત્તમ કાફિયાઓનો કસ કાઢીને કરાતી ગઝલરચના અને મિશ્ર ભાષાઓવાળી બાનીને લઈને કવિ અન્ય ગઝલકારોથી બિલકુલ જુદા પડે છે.

Comments (13)

અવનવું કમાયો છું – લલિત ત્રિવેદી

દુકાનદાર, સૂણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું!

મેં ખોટ ખાઈને બરકત બચાવી લીધી છે,
વણીને સાખીઓ હું અવનવું કમાયો છું!

અમૂલી આંખને સાટે લીધી છે આ જગ્યા,
હે સુરદાસજી, હું તાગવું કમાયો છું!

કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું!

ન રંજ છે કે મેં દીવાળું કાઢી નાખ્યું છે,
રૂપૈયા વેચી લહાઈ લાગવું કમાયો છું!

ભલે જમાલભાઈ ધંધાનો ગણાયો છું,
ગલ્લાઓ ખંખેરીને જાપવું કમાયો છું!

વસત-બચત બધુંયે વેચી લીધી છે લેખણ,
ભરી બજારેથી ઊઠી જવું કમાયો છું!

ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદીનો અવાજ અલગ તરી આવતા ગઝલકારનો અવાજ છે. દુકાનદાર સાથેનો સંવાદ આમ તો ગ્રાહકનો હોય, પણ અહીં દુકાનદાર સાથે દુકાનદાર જ વાત કરે છે. કહે છે, સાંભળો, તમે લોકો જે કમાવ છો એનાથી સાવ અલગ વસ્તુ હું કમાયો છું. મેં નિરાંત ખર્ચી નાંખી છે અને બદલામાં સતત જાગવું કમાયો છું. અહીં આવીને સમજાય છે કે કથક દુકાનદાર ઈશ્વરભક્ત છે અને જગત આખું સામાનો દુકાનદાર છે. કબીર, સુરદાસ, અખા વગેરેના સંદર્ભ વાતને વધુ રોચક બનાવે છે.

Comments (8)

આ દેખાય છે તેવી નથી….- લલિત ત્રિવેદી

બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી

છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી

ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી

છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી

સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી ?

ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધ૨ કે જાત આ દેખાય છે તેવી નથી

કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે !
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી

સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
કયાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.

– લલિત ત્રિવેદી

ખરી વાત છે…. ન માણસ, ન સંબંધ, ન ઘટના, ન વિચાર, ન સમાજ….- કશુંય દેખાય તેવું નથી હોતું. કદાચ ક્ષતિ મારી સમજની જ છે….

 

Comments (2)

વાસ ગુપતનો… – લલિત ત્રિવેદી

લલિત નામે વાવ એમાં વાસ ગુપતનો
તળ ઊતરે રે કોણ જાણતલ જીવ જગતનો !

તળિયામાં એક કમરો સજ્જડ કોઈ વખતનો
કેમે કળ ના ખૂલે એવી અજબ સિફતનો!

ના પ્હેરો ના સાત કમાડો કમાલ તરકીબ
હો જાણે ફરમાન કે ખૂલે વિના શરતનો!

કોણ કોઈ અસવાર ઉતરે જાત સટોસટ
કોણ જનમ જીતેલો શૂરો વિના મમતનો!

વહેણો વીત્યાં… નદીઓ પલટી.. બદલી સદીઓ…
તોય કોઈ ના અઠંગ ઉતર્યો માટી પતનો!

પાણી ખૂટ્યાં… માળા ઊડ્યા… ઝાળાં બાઝ્યાં…
ખાલીખબ્બ ઢંકાઈ ગયો રે ભેદી ગતનો !

– લલિત ત્રિવેદી

Comments (6)

કે આહા! – લલિત ત્રિવેદી

અગનમાં જ આરામગાહા કે આહા!
છે કેવા રૂહાના પલીતા કે આહા!

નિભાવી છે કેવી તો આતિશમિજાજી…
ઊડે છે બદનમાંથી તણખા કે આહા!

કલમ છે કે લોબાન છે, માસાઅલ્લા…
ગઝલ થૈ ગઈ ઈદગાહા કે આહા!

કટારી હજી ઔર ઊંડે… ઓ કામિલ
રહમ! ઔર ઊંડે હો એક ઘા કે આહા!

ઋચાઓ ઋચાઓ.. ગહન લગ શિખાઓ…
પ્રગટ હો શમન લગ ધખારા કે આહા!

સમિધ થૈ ગયેલા અભરખા કહે છે-
-શમનમાંથી પ્રગટે છે સ્વાહા કે આહા!

ને પરછાઈ પણ કાષ્ઠ પર ચેતવીને
ચિરંતન કરી દ્યો રે શાતા કે આહા!

લલિત તારા ભાણામાં ક્યાંની આ રોટી
પરબ થૈ ગયા જેના પ્યાલા કે આહા!

– લલિત ત્રિવેદી

Comments (3)

પડદો પડી ગયો ! – લલિત ત્રિવેદી

જાગી ઊઠ્યા ને જાત પર પડદો પડી ગયો
કાલે જીવ્યાની વાત પર પડદો પડી ગયો !

પડદો હલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું,
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !

પરદાનશીન થૈ ગયો મારી સમક્ષ હુંય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !

પડદો ખૂલ્યો ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !

પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં…
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો !

રિહર્સલોની જેમ ના ઘટના કશી બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !

– લલિત ત્રિવેદી

પડદો પડી જવાની એક જ ક્રિયાને કવિ અલગ અલગ શેરમાં અલગ અલગ અર્થમાં કેવી બખૂબી વર્ણવે છે એ જ ગઝલનું ખરું સૌંદર્ય છે.

Comments (5)

ગઝલ – લલિત ત્રિવેદી

શરીરાઈને ગહન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદ ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પ્હેલાં !

કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પ્હેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પ્હેલાં !

ખુશબૂ ખુશબૂ ઇજન કરી લઉં પરથમ પ્હેલાં !
કળી કળી પર લિખન કરી લઉં પરથમ પ્હેલાં !

એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં…
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પ્હેલાં !

પછી આળખું પાંખડીઓ પર ટશર સખીની…
પતંગિયાનું સ્તવન કરી લઉં પરથમ પ્હેલાં !

ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની…
સવ્વાવ્હાલથી શુકન કરી લઉં પરથમ પ્હેલાં !

પછી અખા સોનીની એ ડેલી રણકાવું…
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પ્હેલાં !

સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી લઉં…
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પ્હેલાં !

– લલિત ત્રિવેદી

ગઝલ વિશેની ગઝલો તો આપણે અવારનવાર વાંચતા જ રહીએ છીએ પણ આ ગઝલ પર આંગળી મૂકતાવેંત સમજી જવાય કે આ જરા ‘હટ કે’ ગઝલ છે. જાતને ઊંડી કરીને શબ્દનું સ્મરણ (ગણેશની જેમ) કરીને કવિ ગઝલ કરવાની વાત આદરે છે. સખીવાળો શેર વાંચીએ તો એમ લાગે કે આખી ગઝલના બધા શેર ગઝલ વિશેના છે એમાં આ આગંતુક શેર ક્યાંથી આવી ચડ્યો? પણ તરત યાદ આવે કે ગઝલની તો વ્યાખ્યામાં જ પ્રિયતમા-સખી સામેલ છે. અને અંતે હલ્દીઘાટીના યુદ્ધ પરથી કવિ સબદીઘાટી શબ્દ ‘કોઇન’ કરીને કવિ કમાલ કરે છે અને પોતાના ‘હું’નું હનન કરવા માટે પોતાના નામ લલિત પરથી કવિ ‘લલિતાસુર’ સર્જે છે એ ગઝલની પરાકાષ્ઠા છે.

Comments (7)

ઇનાયત હો – લલિત ત્રિવેદી

ધરું છું જ્યોંકી ત્યોં વેરાન પેશાની, ઇનાયત હો !
ઇનાયત હો… ન કોઈ નામ-નિશાની, ઇનાયત હો !

કરી છે તૃણ સમી ઝૂલવાની નાદાની, ઇનાયત હો !
કરી તો જો ખુદા એની નિગહબાની, ઇનાયત હો !

તો આપી દે જગા કાગળમાં ખૂણાની, ઇનાયત હો !
તને કહેવાની હું શોધું છું આસાની, ઇનાયત હો !

ખુદા ! ઝીણી નજર કરજે… એ બેઠો છે અલગ દર પર
કરી છે એણે રણઝણવાની મનમાની, ઇનાયત હો !

પગથિયાં ચડતાં ચડતાં એક જણ ગુમ થૈ ગયો, માલિક !
નથી કુરબાની, બસ ! હરકત છે ઇન્સાની, ઇનાયત હો !

– લલિત ત્રિવેદી

મહેરબાની ચાહવાની વાત છે… કોની મહેરબાની? પાંચમાંથી ત્રણ શેરમાં ખુદા અને માલિક શબ્દ વપરાયો છે એ સૂચવે છે કે ગઝલકાર સૃષ્ટિના સર્જનહાર પાસે કૃપા માંગી રહ્યો છે. પણ માંગવામાં અહીં આરતની સાથોસાથ ખુદ્દારી પણ છે. ઉજ્જડ તકદીર એના હાથમાં સોંપીને, કોઈ પણ નામ-શોહરતની ચાહના પડતી મૂકીને કવિ માત્ર એની કૃપા અને બસ, કૃપા જ ચહે છે…

ખુદાને પડકાર કોણ આપી શકે ? નાદાન જ સ્તો ! પવનમાં ઘાસ હળવે હળવે ડોલતું હોય એને અટકાવવાની રખેવાળી અલ્લાહ પણ ક્યાંથી કરી શકવાનો? આખો કાગળ ભરેલો હોય એમાં સનમ કવિને ક્યાં શોધવા બેસશે? એટલે જ કવિ ખૂકો માંગે છે જેથી આસાનીથી સનમની નજરમાં ચડી શકાય…

(પેશાની = કપાળ; ઇનાયત = કૃપા; નિગહબાની = રખેવાળી; દર = ઘર)

Comments (3)

આંખનો મતલબ – લલિત ત્રિવેદી

આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે !

પાણી પણ વેચાય છે તે આ સડક,
જે સડક નીચે પૂર્યો કૂવો તમે !

બોલો તે પ્હેલાં જ તમને સાંભળું,
મારી અંદર આવી જો બોલો તમે !

દૃશ્યનો દીવો કરો રાણો પ્રથમ
એકબીજાને પછી જોજો તમે !

વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !

જંગલોની ડાળને પિંજર ઊગ્યાં,
કઈ જગાએ બાંધશો માળો તમે !

– લલિત ત્રિવેદી

રાજકોટના કવિ શ્રી લલિત ત્રિવેદી “બીજી બાજુ હજી મેં જોઈ નથી” સંગ્રહ લઈને આવ્યા છે. એમને લયસ્તરો તરફથી હાર્દિક શુભકામનાઓ…

Comments (16)

ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી

હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ?

આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ?

હું પ્રતીતિનો પ્રતાપી રાજવી,
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

સાચવ્યા છે તો ય પરપોટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું ?

ક્યાં સુધી આ ધાન્ય ને આ ધન્યતા ?
આ ચરણ ને ચખ લઈ ક્યાં ક્યાં ફરું ?

કેમ ઊતરે સ્પર્શ વિષકન્યાઓના ?
હું ત્વચામાં વખ લઈ ક્યાં ક્યાં ફરું ?

વિષ વિષય ઋતુઓ રૂંવાટી કંપનો,
કોટિ તેત્રીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું ?

એક પળને પણ ન હું પામી શકું,
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું ?

– લલિત ત્રિવેદી

એક રચનામાં કલ્પનો અને અર્થછાંયાઓની જાણે આખી ફોજ !

(ધખ=ધગશ, ખખ=જીર્ણ (શરીર), રખરખ=તલસાટ, ચખ=ચક્ષુ, વખ=ઝેર)

Comments (8)