ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

સ્વાગત-સપ્તાહ :૦૪: જવાબમાં – વિકી ત્રિવેદી

કંઈ પણ લખ્યા વગર મળ્યો કાગળ જવાબમાં,
યાને મૂક્યું છે એમણે મૃગજળ જવાબમાં.

એણે પૂછ્યો’તો પ્રશ્ન પ્રમાણિકતા બાબતે,
મેં વસ્ત્રમાં બતાવી દીધા સળ જવાબમાં.

તું આવા પ્રેમથી મને તબિયત ન પૂછ, દોસ્ત!
આંખો નહિ તો થઈ જશે ખળખળ જવાબમાં.

“ભગવાન ન્યાય કરશે” કહીને રડી પડ્યો,
બીજું તો શું કહી શકે નિર્બળ જવાબમાં?

એણે કહી છે ‘હા’ છતાં પણ મન મરી ગયું,
એણે સમય લીધો હતો પુષ્કળ જવાબમાં.

ત્યાં માણસો જીવંત છે એવું કહી શકાય,
અન્યાય સામે થાય જ્યાં ચળવળ જવાબમાં.

તારા જવાબ કરતા વધુ દુઃખ એ દઈ ગઈ,
મનમાં કરી હતી જે મેં અટકળ જવાબમાં.

એવા સવાલ લઈને હું જીવી રહ્યો છું આજ,
ફાંફા પડે પ્રભુનેય બે પળ જવાબમાં.

કોઈ જ એવી વ્યક્તિએ પૂછ્યું નહીં મને,
ચીંધાય જેને હૈયા સમું સ્થળ જવાબમાં.

– વિકી ત્રિવેદી

લયસ્તરોના દ્વારે સર્જકના વધુ એક સંગ્રહ ‘જાતે પ્રગટ થશે’ને સસ્નેહ આવકાર…

નવ શેરની નવલખી ગઝલ… લગભગ બધા જ શેર જાનદાર થયા છે.

12 Comments »

  1. Dipak Peshwani said,

    April 17, 2025 @ 11:02 AM

    વાહ વાહ.. મજાની ગઝલ

  2. મયંક ઓઝા said,

    April 17, 2025 @ 11:03 AM

    વાહ . વાહ . બહુજ સરસ ગઝલ 🌹🌹🌹

  3. Yogesh Samani said,

    April 17, 2025 @ 11:09 AM

    વાહ… સશક્ત ગઝલ.

  4. Dilip ghaswala said,

    April 17, 2025 @ 11:29 AM

    ખૂબ જ ઉમદા અને સબળ ગઝલ

  5. Harish soni said,

    April 17, 2025 @ 11:45 AM

    Sundar ane sachot rajuaat…

  6. Suresh Desai said,

    April 17, 2025 @ 12:13 PM

    પહેલા વાંચને જ ગઝલ ગમી ગઇ.

  7. Sharmistha said,

    April 17, 2025 @ 12:21 PM

    સરસ મજાની ગઝલ

  8. Shailesh Gadhavi said,

    April 17, 2025 @ 12:29 PM

    મજાની ગઝલ, શુભેચ્છાઓ 💐🌹

  9. Kishor Ahya said,

    April 17, 2025 @ 4:00 PM

    શ્રી વિકી ત્રિવેદી ના ગઝલ સંગ્રહ ‘ ‘જાતે પ્રગટ થશે ‘ નું સ્વાગત છે.
    અત્રે પ્રસ્તુત ગઝલ ‘જવાબમાં ‘ મૂકેલા બધાજ શેર પાણીદાર છે.

    આ ગઝલમાં કવિ ક્યાંય પણ કફિયો કે રદિફ ચૂક્યા નથી. ગઝલનો મત્લો વાચતા જ ગઝલ પ્રભાવશાળી લાગે છે. ગઝલના શેરમાં અલગ અલગ વિષયો છે પણ સાની મિસરામાં ચોટ છે તે જાનદાર છે. ગઝલમાં શેર સરળ સમજાય જાય તેવા છે એમાં એકાદ બે શેર ખૂબ ગમ્યા..

    એણે પૂછ્યો તો પ્રશ્ન પ્રમાણિકતા બાબતે,
    મે વસ્ત્ર માં બતાવી દીધા સળ જવાબમાં.

    કોઈ જ એવી વ્યકિતએ પૂછ્યું નહિ મને,
    ચીંધાય જેને હૈયા સામુ સ્થળ જવાબમાં.

    વાહ! કવિ , બધાજ શેર સરસ છે

    ત્યાં માણશો જીવંત છે એવું કહી શકાય,
    અન્યાય સામે થાય જ્યાં ચળવળ જવાબમાં.

    આસ્વાદ માં વિવેકભાઈ એ નવ શેરની નવલખી ગઝલ કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. ખુબ સરસ ગઝલ અને આસ્વાદ.

    🌹🌹

  10. લલિત ત્રિવેદી said,

    April 18, 2025 @ 4:03 AM

    વાહ વાહ

  11. Ramesh Maru said,

    April 18, 2025 @ 6:05 PM

    વાહ…

  12. Himanshu Doshi said,

    April 18, 2025 @ 10:04 PM

    અદભૂત… થી વિશેષ… 👌👌😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment