ત્યક્તાનું ગીત – ગોપાલ ધકાણ
અઢળક દરિયા છે ચોપાસ, અમારી આંખ્યુંમાં ભીનાશ, અમે તો તોય તરસીએ
ખીલ્યો લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?
જડતર ઝીલે ઓઢણીયું ને પડતી પીડા માંહ્ય, જમાનો કોરી ખાશે,
ખળખળ વહેતાં ઝરણાઓને આજ નહીં તો કાલ, સમંદર દોરી જાશે,
સૌએ ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?
ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે,
વડછડ આઘી મેલી આજ, સાંકળ ખખડાવો ને રાજ, અમે લો તરત ખોલીએ
– ગોપાલ ધકાણ
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.


Parbatkumar Nayi said,
March 6, 2026 @ 12:19 PM
વાહ
સરસ ગીત મજાનો આસ્વાદ
વડછડ આઘી મેલીને સાંકળ ખખડાવો
ક્યા બાત
Gopalkumar Dhakan said,
March 6, 2026 @ 2:10 PM
આભાર, આ ગીત ઘણા સમય પહેલા લખેલું એમ જ પડી રહેલું. સંગ્રહ વખતે કવિ મુકેશ દવેએ કહ્યું આ સારું છે. સંગ્રહમાં રાખો એટલે જરૂરી લય તપાસી સંગ્રહમાં રાખ્યું. મારી આસપાસ બનતી આવી ઘટનાઓ મેં જોઈ છે જેને મેં ગીતનો વિષય બનાવ્યો. ઘણીવાર આપણી વધારે પડતી અપેક્ષાઓ સંબંધો બગાડી નાખવા પૂરતી હોય છે. સબંધોમાં સાબિતી પ્રવેશે એટલે એના પાયામાં લૂણો લાગવાનો ચાલુ થઈ જાય.
વિશેષ તો આપે સુંદર લખ્યું છે. લયસ્તરો ટીમનો ફરીથી આભાર
Kishor Ahya said,
March 6, 2026 @ 6:22 PM
કવિ શ્રી ગોપાલભાઈ ધકાણની ‘ત્યક્તા’ કદાચિત બનતી સ્ત્રીના જીવનની વાસ્તવિકતા રજૂ કરતી રચના છે. વડછટ એટલે દૂરી કે દૂર રહેવું, કાવ્યમાં નાઇકા વડછટ હટાવવા, સાંકળ ખખડાવવા નાયકને વિનંતી કરે છે.
બે માણસ નો ઝઘડો ક્યારેક અતિ સ્વરૂપ લઈ લે છે ને સાથે રહેવું લગભગ મુશ્કેલ બની જાય તેવા સંજોગોમાં મોટાભાગે સ્ત્રી ને ઘર છોડવું પડે છે. આ જુદાઇનો સમય લંબાઈ જાય ત્યારે સ્ત્રી ના મનની સ્થિતિ કેવી હોય તેનું વર્ણન કવિએ આબાદ કાવ્યમાં કર્યું છે. એક એક શબ્દ સચોટ છે. નાઇકાના અંતર મનમાં થતી પીડાની વાત કરી કવિએ કાવ્યની બધી જ કડીઓમાં માનવસહજ વેદના રજૂ કરી છે.
“લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?”
વાહ! ‘લુમ્બોઝુમ્બો ફાગ’ ,ફાગણ ની કેવો સરસ મહિમા લખ્યો છે.
“ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?
ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે”
‘ત્યક્તાનું ગીત’ માં વર્ણવેલ પ્રશ્ન આજના સમયમાં વધારે જોવા મળે છે. આમ અર્થ સભર કાવ્ય છે. કવિ શ્રી ગોપાલભાઈ ધકાણના બે કાવ્યો બ્લોગ પર છે, બંને કાવ્યો માણવા જેવા મજાના છે.
શ્રી વિવેકભાઈએ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે. આભાર વિવેકભાઈ.
🌹🌹🌹🌹
Vrajesh Mistri said,
March 12, 2026 @ 11:46 AM
સરસ ગીત