હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
વિવેક ટેલર

દૂરના ગ્રહોના કવિઓ – ઇફાન્યી ઓગ્બો (ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)

હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જોવા ઇચ્છું છું કે કયા પ્રકારનો અગ્નિ એમના હાડકાઓમાં ધગધગે છે,
પરગ્રહી શબ્દો થકી બ્રહ્માંડનો સ્વાદ લેવા ચહું છું,
અને બાહ્યાવકાશના રૂપકોમાં તરબોળ થઈ જવા માંગું છું.

હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જાણવા ઇચ્છું છું કે શું એમણે ક્યારેય એવી કવિતાઓ ગૂંથી છે
જે કેવળ ઉદાસીના છૂટાછવાયા તાંતણાંથી
અથવા ઊભરાતા ઉમંગના ચિત્રિત ગીતોથી બની હોય,
શોધવા ચાહું છું કે શું એમના આત્માઓએ ક્યારેય
અવર આત્મા કાજ ઊંડું દુઃખ અનુભવ્યું છે,
કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?

– ઇફાન્યી ઓગ્બો
(ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)

ખરી મજા જ કલ્પનની છે. સદીઓથી આપણે આપણા સૌરમંડળની બહારના ગ્રહો પર જીવન હશે કે કેમ અને હોય તો કેવુંની કલ્પનામાં રાચતા આવ્યાં છીએ. ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓને શોધવા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે ને ખર્ચાતા રહેવાના છે. પણ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આપણાથી દૂરસુદૂરના અંતરિક્ષમાં ‘જીવન હશે જ’ની પૂર્વધારણા પાયામાં રાખીને કવિ એ ગ્રહો પરના કવિઓને મળવાની મહેચ્છા જાહેર કરે છે. કવિતા સરળ છે. વિશદ ટિપ્પણીની મહોતાજ નથી, પણ અભિવ્યક્તિ પ્રાબલ્ય અને નાવીન્યના જોરે એ આપણને મંત્રમુગ્ધ કરી દે એવી બળકટ થઈ છે.

10 Comments »

  1. વિવેક said,

    June 12, 2026 @ 11:36 AM

    Original poem-

    poets of distant planets – Ifeanyi Ogbo

    i want to meet the poets of distant planets;
    see what kind of fire burns in their bones,
    taste the cosmos through alien words,
    and get drenched in the metaphors of outer space.

    i want to meet the poets of distant planets;
    find out if they’ve ever knitted poems comprised only
    of loose strands of sadness,
    or painted ballads of overflowing joy,
    discover if their souls have ever ached deeply for
    another soul,
    or if love is just a human illness?

    – Ifeanyi Ogbo

  2. Varij Luhar said,

    June 12, 2026 @ 12:16 PM

    વાહ સરસ કાવ્ય અને અનુવાદ

  3. Harshad Dave said,

    June 12, 2026 @ 3:54 PM

    વાહ… સરસ કવિતા અને અનુવાદ.

  4. Kishor Ahya said,

    June 12, 2026 @ 7:09 PM

    ​અત્યાર સુધી શોધાયેલા ગ્રહોમાંથી આશરે ૫૦ થી વધુ ગ્રહો એવા મળ્યા છે જયા જીવન હોવાની સંભાવના સૌથી વધુ છે ,આપણે જાણતા નથી પણ કદાચ એ ગ્રહો પર જીવન ધબકતું પણ હોય! કવિ માની રહ્યા છે કે આ ગ્રહો પર જીવન છે તેથી કવિ દૂર દૂરના ગ્રહ પરના કવિઓને મળવા માંગે છે ,જોવા ઇચ્છે છે કે ક્યાં પ્રકારનો અગ્નિ તેના હાડકામાં ધગધગે છે? મનુષ્યનું શરીર પાંચ તત્વોનું બનેલ છે, એમાંનું એક તત્વ છે અગ્નિ! કવિ જોવા ઇચ્છે છે કે ત્યાં વસતા માનવીઓના હાડકામાં ધગધગતો અગ્નિ એટલે કે ધગધગતી પીડા કઈ છે? કવિ જોવા ઈચ્છે છે કે પરગ્રહના કવિઓ કેવી કવિતા લખે છે કવિ એ પણ જોવા ઇચ્છે છે કે પરગ્રહ ના કવિઓના આત્મા ઊંડા દુઃખોનો અનુભવ કરે છે? કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?

    પરગ્રહ વિશે જાણવાની ઇચ્છા દરેક મનુષ્યના મનની વાત છે , કવિએ અહીં અછાંદસમાં મનની વાત વ્યકત કરી છે, ખાસ તો છેલ્લી પંક્તિ ખૂબ અસરદાર છે.

    શોધવા ચાહું છું કે શું એમના આત્માઓએ ક્યારેય
    અવર આત્મા કાજ ઊંડું દુઃખ અનુભવ્યું છે,
    કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?

    દૂર દૂરના બ્રહ્માંડના ગ્રહો
    અંગે નાસાના અનુમાન મુજબ ૧૦૦ અબજ થી લઈને ૪૦૦ અબજ જેટલા ગ્રહો હોઈ શકે છે !​અત્યાર સુધીમાં ૬,૨૫૦ થી વધુ ગ્રહોની પુષ્ટિ થઈ ચૂકી
    ​છે.​ કોઈપણ ગ્રહ પર જીવનની સંભાવના ત્યારે જ ગણાય જ્યારે તે ગ્રહ તેના તારાથી યોગ્ય અંતરે હોય, જ્યાં તાપમાન સામાન્ય હોય, પાણી હોય અને ગ્રહ પથરાળ હોય!
    ​રહસ્યવાદીઓ કહેછે ,ભલે આજે અન્ય ગ્રહો પરના જીવનની માહિતી આપણી પાસે નથી પણ અસંખ્ય પરગ્રહો પર માનવજીવન
    ધબકતું હશે કેમકે અસ્તિત્વ અસીમ છે અને કલ્પનાથી પરે છે!

    ‘દૂરના ગ્રહોના કવિઓ ‘ઇફાન્યી ઓગ્બોની સરસ રચના છે જેનો શ્રી.વિવેકભાઈએ સરસ અનુવાદ અને આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  5. vijay Rajyaguru said,

    June 12, 2026 @ 8:21 PM

    પ્રેમ કેવળ માનવગત બીમારી
    વાહ

  6. Kishorc Ahya said,

    June 12, 2026 @ 9:16 PM

    આપણા શરીરનું તાપમાન એ શરીરનો અગ્નિ છે અને એ શરીરની તાકાત પણ છે, એ રીતે જોઈએ તો કવિ જોવા ઈચ્છે છે કે પર ગ્રહ ના કવિઓના હાડકામાં કયો અગ્નિ ભર્યો છે એનો અર્થ પર ગ્રહના કવિઓની જીવવની તાકાત કઈ છે? એવો અર્થ પણ કરી શકાય. કવિનો અગ્નિ શબ્દ કદાચ કટાક્ષ રૂપે હશે તેમ માની પ્રતિભાવમાં આ શબ્દનો અર્થ પીડા તરીકે દર્શાવેલ છે. પણ મને લાગે છે એ જીવનની તાકાત ના અર્થમાં અગ્નિ શબ્દ વધુ યોગ્ય છે.

    🌹🌹🌹🌹

  7. વિવેક said,

    June 13, 2026 @ 11:59 AM

    પ્રતિભાવ પાઠવનાર દરેક મિત્રોનો ઓશિંગણ છું…

  8. વિવેક said,

    June 13, 2026 @ 12:08 PM

    @ કિશોર પાહ્યા:

    દર વખતની જેમ અલાયદો સમય ફાળવીને વિગતવાર પ્રતિભાવ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

    હાડકામાં ધધગતા અગ્નિ વિશે મારું મંતવ્ય: અગ્નિ એટલે જીવનાગ્નિ એ તો ખરું પણ આ વાત સામાન્ય માનવીઓ માટેની નથી… કવિ પ્રગ્રહના કવિઓને મળવા-જાણવા-સમજવા માંગે છે. સાચી કવિતા આંતરિક અસંતોષ-અતૃપ્તિની આગમાંથી જન્મે છે. કવિ અન્ય ગ્રહના સર્જકોની સર્જકતાનો અગ્નિ ચકાસવા માંગે છે. જાણવા ઇચ્છે છે કે પૃથ્વી પરના સર્જકો ભીતરી આગ સહન ન થવાના કારણે કલમ ઊઠાવે છે, એવું જ શું બાહ્યાવકાશના કવિઓનું પણ હશે કે કેમ?

  9. Kishor Ahya said,

    June 13, 2026 @ 4:10 PM

    હા ,વિવેકભાઈ.. કવિને મળવાની વાત છે આપનો અર્થ બરાબર છે.આભાર.

  10. dhruv kumar said,

    July 1, 2026 @ 1:25 PM

    તમે કવિતાના અંતિમ ચરણ પર બહુ જ સચોટ અને તાર્કિક સવાલ ઉઠાવ્યો છે. કવિ જ્યારે આખી કવિતાના અંતે “પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?” જેવો મોટો ફિલોસોફિકલ પ્રશ્ન મૂકે, ત્યારે કાવ્યના પૂર્વભાગમાં એ પ્રશ્ન સુધી પહોંચવાની એક ભૂમિકા અથવા તર્ક હોવો જરૂરી છે, જે અહીં ખૂટે છે.
    ​તમારા આ આક્ષેપને વિગતવાર સમજીએ તો આ કવિતાની બે મોટી મર્યાદાઓ સામે આવે છે:
    ​૧. લક્ષણો કે ઉદાહરણોનો સદંતર અભાવ
    ​તમારી વાત બિલકુલ સાચી છે કે કવિએ પ્રેમને સીધી ‘બિમારી’ કહી દીધી, પણ માનવજાત માટે પ્રેમ કેમ બિમારી સમાન બન્યો છે, એના કોઈ લક્ષણો (જેમ કે ઈર્ષ્યા, વિરહનું દર્દ, પાગલપન કે અપેક્ષાઓનો બોજ) કાવ્યમાં ક્યાંય આલેખાયા નથી. જો કવિએ પૃથ્વી પરના માનવીય પ્રેમની કોઈ કરુણતા કે લાચારી બતાવી હોત, અને પછી આ સવાલ પૂછ્યો હોત, તો એ વાત ભાવકના ગળે ઉતરત. અહીં તો કવિ અચાનક જ આકાશમાંથી ટપક્યા હોય તેમ આ વાક્ય મૂકી દે છે.
    ​૨. “બધા કવિઓ ફક્ત પ્રેમ પર જ નથી લખતા” — સચોટ અવલોકન
    ​તમારો આ મુદ્દો બહુ મહત્વનો છે. કવિ શરૂઆતમાં બ્રહ્માંડ, ઉદાસીના તાંતણા અને ઉમંગના ગીતોની વાત કરે છે. જગતનો અને બ્રહ્માંડનો વ્યાપ ઘણો મોટો છે. પરગ્રહના કવિઓ કદાચ અસ્તિત્વના રહસ્યો, સમયની ગતિ કે બ્રહ્માંડના સર્જન પર લખતા હોઈ શકે. પણ કવિ માનવજાતની મર્યાદિત નજરથી વિચારીને એવું ધારી લે છે કે કાં તો કવિતા ઉદાસી-ઉમંગની હોય અથવા પ્રેમની હોય! આ કવિની વૈચારિક મર્યાદા (Tunnel Vision) દર્શાવે છે.
    ​જો કે, કવિના પક્ષે આ ‘કૂદકા’ પાછળનો હેતુ શું હોઈ શકે?
    ​જો આ પંક્તિ પાછળના કવિના સંકેતને સમજવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ કવિનો આશય એવો છે:
    માનવજાત હંમેશાં એવું માને છે કે ‘પ્રેમ’ એ આખા બ્રહ્માંડનું સર્વોચ્ચ અને પવિત્ર તત્વ છે. પરંતુ કવિ અહીં પૃથ્વી પરના પ્રેમની ક્ષણભંગુરતા અને તેનાથી થતી પીડાથી કંટાળીને એને ‘બિમારી’ કહે છે. તે પરગ્રહના કવિઓ (Alien Poets) ના બહાને એ જાણવા ઉત્સુક છે કે શું આખા બ્રહ્માંડમાં માત્ર માણસ જ પ્રેમ નામના ભ્રમમાં જીવે છે અને પીડાય છે? કે પછી અન્ય ગ્રહો પર પણ આવી કોઈ લાગણી અસ્તિત્વ ધરાવે છે?
    ​આખરી નિષ્કર્ષ
    ​કવિનો વિચાર (Concept) કે ‘પરગ્રહના કવિઓ કેવું લખતા હશે’ તે રસપ્રદ છે, પણ રજૂઆતની દ્રષ્ટિએ કવિતા કાચી અને અચાનક વળાંક લેનારી (Abrupt) લાગે છે.
    ​તમે સાચું પકડ્યું છે, પ્રેમ પર કવિતાનો અંત લાવવા માટે કવિએ જે પૂર્વભૂમિકા બાંધવી જોઈતી હતી, તે અનુવાદમાં કે મૂળ કવિતામાં બરાબર ગોઠવાઈ નથી. કવિએ સીધું જ એક મોટું સ્ટેટમેન્ટ ફેંકી દીધું છે, જે કવિતાને તાર્કિક રીતે નબળી પાડે છે. સાહિત્યિક દ્રષ્ટિએ તમારો આ આક્ષેપ એકદમ વ્યાજબી છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment