માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.
હેમેન શાહ

રપા અપાર વરસે :૦૬: દીવાની તેમજ ફોજદારી કોર્ટનો આરોપી વરસાદ

– પછી સાવ ઓચિંતું એ દસ્તાવેજમાં વરસાદે માર્યું’તું મત્તું
કે, ધરતી ઉપર છે એ જ ઘટાટોપ વ્હાલ આજે, જે ગઈ કાલ હત્તું!

છાંટો હુલાવી ઈણે ફોડયું રે કવિઓની લેખણને થ્થું’તું ઈ ગૂમડું,
પછી શુદ્ધ હિંસાથી ફરીફરી ઘસ્યું એણે માટીની ગંધવાળું પૂમડું!

કાયદા વિરુદ્ધ પેશકદમીથી છાપરાની હેઠ હતું એ કર્યું છત્તું!

દિ’એ આણાંત્યું જેને સાંભરી ઈ લડધાઓ રાતે થઈ ગયા સાવ ભાભા રે,
તયેં પોલ ખૂલી કે સંધાનાં ખોળિયામાં લોહીબોહી નહીં, હોય ગાભા રે!

ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!

– રમેશ પારેખ

આખો જુન મહિનો જે રીતે વરસાદે આપણને તરસાવ્યાં-ટટળાવ્યાં એ જોઈને તો એમ જ લાગતું હતું કે ધરતી પર એનું વહાલ ઓછું થઈ ગયું છે. માનવજાત તરફ આવું દુર્લક્ષ સેવવા બદલ શું એને કૉર્ટમાં હાજર ન કરવો જોઈએ? પણ વરસાદ જેવા વરસાદને કૉર્ટમાં હાજર કરવાનું બીડું કોણ ઝડપે? વરસાદને કૉર્ટમાં આરોપીના પિંજરામાં ઊભો કરી દેવાનું ગજું ર.પા. સિવાય કોઈનું હોઈ શકે ખરું? વરસાદ પણ ડાહ્યોડમરો થઈને કવિની કોર્ટમાં હાજર થઈ દસ્તાવેજ પર મતું મારીને એફિડેવિટ કરે છે કે ધરતી ઉપર એને પહેલાં હતું એવું ને અટ્લું જ ઘટાટોપ વહાલ આજે પણ છે. વરસાદની અનુપસ્થિતિને કારણે કવિઓની લેખિનીને ગૂમડું થઈ ગયું હતું, એ વરસાદે છાંટાના કાંટાથી ફોડી આપ્યું. હે કવિઓ! હવે ખૂબ મનભરીને કાગળ પર વરસો… જે દાધારંગા જુવાનિયાઓ આણેથી આવેલ પત્નીઓને યાદ કરીને દિવસભર બડાશ મારતા હતા એ બધા રાત્રે વરસાદનું રૌદ્રસ્વરૂપ જોઈ પાણીમાં બેસી ગયા. રગોમાં લોહી –ખરી જુવાનીનું જોર- વહેતું હોય તો એને ગરમ કરી શકાય, પણ જે પલળેલા ગાભા જેવા નરમદિલોને સાવજ કઈ રીતે બનાવી શકાય એં કોયડો તો કેમ કરીને ઉકેલવો? છાપરાંઓની નીચે જે છૂપાયેલું હતું એ રહસ્ય વરસાદે છતું કર્યું એ ઓછું હોય એમ એણે ગામના જુવાનિયાઓની કહેવાતી બહાદુરીનો ફુગ્ગો પણ ફોડી નાંખ્યો… પરિણામે આજે એણે ર.પા.ની બેવડી કોર્ટમાં હાજર રહેવાનો વારો આવ્યો છે.

બે શબ્દ શીર્ષક વિશે: દસ્તાવેજમાં સહી કરવી – અહીં દીવાની કોર્ટ નજરે ચડે છે. છાંટો હુલાવવો, શુદ્ધ હિંસા તથા કોઈની મિલકતમાં પેશકદમીથી ઘુસી જવું –અહીં ફોજદારી કોર્ટ દૃષ્ટિગોચર થાય છે. જો કે દીવાની અને ફોજદારી –બંને સંકેતોનું કાનૂની વર્ગીકરણ ન કરતાં એમનું કાવ્યાત્મક મૂલ્યાંકન કરવું જ વધુ ઉચિત કહેવાય.

(આણાત્યું= આણેથી આવેલી સ્ત્રી; લડધાઓ= ધીંગા છોકરાઓ; ભાભા= બુડથલ)

9 Comments »

  1. Amin Kanchan said,

    July 11, 2026 @ 11:44 AM

    રમેશ પારેખ એટલે રમેશ પારેખ –

  2. Amin Kanchan said,

    July 11, 2026 @ 11:46 AM

    રમેશ પારેંખ એટલે રમેશ પારેખ

  3. Vrajesh Mistri said,

    July 11, 2026 @ 1:13 PM

    હત્તુ… કા જવાબ નહિ

  4. Bhagirath Pandya said,

    July 11, 2026 @ 2:33 PM

    આવી કવિતા કદી વાંચી સાંભળી નથી. સખ્ખત.
    નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી,
    જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે,
    એવી ર પા વરસાદની જોડી.
    (નોંધ: ગીતકાર કાંતિ અશોક, ક્ષમા)
    ર પા અને વરસાદ ચોંટ્યા ને ચોંટ્યા જ રે છે. “તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે”
    ર પા gr8🙏

  5. પ્રજ્ઞા વશી said,

    July 11, 2026 @ 3:14 PM

    ખૂબ સરસ મજાની કવિતા ,આવી કવિતા તો ર.પા જ લખી શકે . ઘણાં દિવસથી ‌ ર.પા ની તમામ વરસાદી કવિતામાં મજા આવી ગઈ.વિવેકભાઈનુ વિવેચના આસ્વાદ પણ ખૂબ સરસ . અભિનંદન વિવેકભાઈ . .

  6. Nirja parekh said,

    July 11, 2026 @ 5:01 PM

    વાહ..શું કલ્પનો!

  7. રાજેન્દ્ર ભટ્ટ said,

    July 12, 2026 @ 9:46 AM

    તળપદી લોકબોલી નો એક અદકેરો આનંદ મળે એ ર. પા. ની કમાલ

  8. Peeyush Bhatt said,

    July 29, 2026 @ 1:17 AM

    રમેશ પારેખનું આ ગીત વાંચો એટલે પહેલા તો અટકી જવાય. અહીં કેટલાં શબ્દોની ભીડ છે? પણ છતાં ય એ ભીડમાં પણ એક સ્પષ્ટ આગ છે. ર.પા.નાં જ એક શેરમાં થોડા શાબ્દિક ફેરફારની આગોતરી મંજૂરી લઈને કહીએ કે, ‘આને ગીત ન કહીએ રમેશ, આ તો એક આકંઠ બળવો છે.’ ખરેખર તો આ કવિ યે અઘરો ને એનું ગીત પણ… પરંતુ જેમ જેમ એનાં શબ્દોને ખોલીએ તેમ તેમ આપોઆપ એની માંલીપાનું સૌંદર્ય અને ગાંભીર્ય આપણાં મનમાં ઠલવાઈ જાય અને પછી મમળાવ્યાં કરીએ ને માણ્યાં કરીએ એની મોજ.

    એ પહેલાં જ એક ચોખવટ,
    વિદ્રોહનો સૂર લઈને આવતું આ વરસાદી ગીત પ્રેમનું નથી, આમાં તો ખોખલી વ્યવસ્થા સામેનો આક્રોશ છે. અને આ આક્રોશ વ્યક્ત થાય છે કાવ્યાત્મક રીતે. ભલે અહીં સુરતી ગાળ નથી, પણ હૈયે લાગતો સીધો ઘા તો છે જ. તો હવે ખોલીએ રમેશ પારેખનાં ગીતનાં ગર્ભને…

    પછી સાવ ઓચિંતું એ દસ્તાવેજમાં વરસાદે માર્યું’તું મત્તું
    કે, ધરતી ઉપર છે એ જ ઘટાટોપ વ્હાલ આજે, જે ગઈ કાલ હત્તું!

    અહીં ‘પછી’ શબ્દથી ગીતની શરૂઆત થઈ એટલે કોઈ અધુરી રોમાંચક ઘટના કે વાતનાં અનુસંધાનમાં જ કવિ કહે છે, અચાનક આવી એ દસ્તાવેજ પર વરસાદે સહી કરી, મત્તું માર્યુ. અને સાબિત કર્યું કે ગઈ કાલે જે ઘટાટોપ વ્હાલ ધરતી પર હતું એ યથાવત્ જ રહ્યું છે. વાતાવરણમાં કોઈ બદલાવ કે ફેરફાર કે પલટો નથી. આ પ્રથમ પંક્તિ જ ધડાકો છે. “દસ્તાવેજ” એટલે બંધારણ, નિયમ, સિસ્ટમ. એટલે પ્રકૃતિની, સત્યની, માનવતાની એક જ છાંટથી બધા કાગળ ભીના થઈ ગયા. કાયદાથી, દસ્તાવેજથી ક્યારેય પ્રેમ ભૂંસાતો નથી. કવિ અહીં સત્તા સામે પ્રેમનું પ્રભુત્વ સાબિત કરે છે. આમ, આ સાદું સીધું વિધાન પણ પ્રતીકાત્મક રીતે કવિ કહે છે કે, કાયદા-કાનૂનના કાગળ પણ ભીના થઈ જાય એટલી તાકાત માણસનાં વ્હાલ અને માટીમાં છે.

    છાંટો હુલાવી ઈણે ફોડયું રે કવિઓની લેખણને થ્થું’તું ઈ ગૂમડું,
    પછી શુદ્ધ હિંસાથી ફરીફરી ઘસ્યું એણે માટીની ગંધવાળું પૂમડું!
    કાયદા વિરુદ્ધ પેશકદમીથી છાપરાની હેઠ હતું એ કર્યું છત્તું!

    વરસાદ એટલે સામૂહિકતા, ટીમ વર્ક. એકલા વરસાદથી દસ્તાવેજ ન ભીંજાય. એટલે જેમ છૂરો હુલાવીએ એમ વરસાદે ભેગા કરીને છાંટા હુલાવ્યા.. અને એ રીતે કવિઓની કલમને થયેલું ગુમડું ફોડ્યું. અહીં કવિઓની લેખણને “ગૂમડું” કહ્યું. વર્ષોથી અંદર પાકતું હતું, લખી શકાતું નહોતું. વરસાદનાં છાંટાથી જ એ ફૂટ્યું. મનમાં ભીતર ધરબાયેલી લાગણીઓ વરસાદનાં આવવાથી બહાર આવે અને કંઈક રચનાત્મક સર્જન થાય. નવાં ગીતો, કવિતાઓ, ચિત્રો વગેરે રચનાઓ તાજે તાજી ફૂટી નીકળે. પછી એને શુદ્ધ હિંસાથી ઘસ્યું. આ ‘શુદ્ધ હિંસા’ એટલે કે સત્યની, પ્રેમની, નિર્ભયતાની હિંસા, સત્ય બોલવાની હિંસા. શું ઘસ્યું? માટીની ગંધવાળું પૂમડું એટલે કે મૂળ સાથે જોડાણ કર્યું. ત્યારબાદ કાયદા વિરુદ્ધ પેશકદમી કરી છાપરાની હેઠ વાળું કામ ઉઘાડું કર્યું. પેશકદમી એટલે ગેરકાયદે કબ્જો. કહે છે કે સત્ય, પ્રેમ, માણસાઈ – આ બધું કાયદા વિરુદ્ધ જ છાપરા નીચે જીવે છે. એને છત્તું કરવું પડ્યું. કારણ કે કાયદો એને જગ્યા આપતો નથી. કવિ કહે છે કે ઘણીવાર સારું કામ પણ ગેરકાયદેસર રીતે જ કરવું પડે. સત્ય અને મદદ ઘણીવાર છાપરા નીચે છુપાઈને જીવે છે. એટલે પેશકદમી તો કરવી પડે. અહીં મૂળ, માટી અને માણસ. સિસ્ટમથી અલગ થઈને ફરીથી માટી પાસે જવું પડ્યું. આપણી સિસ્ટમ એટલી ધીમી અને કઠોર હોય કે સામાન્ય માણસનું કામ નિયમમાં બંધ બેસે નહીં.

    દિ’એ આણાંત્યું જેને સાંભરી ઈ લડધાઓ રાતે થઈ ગયા સાવ ભાભા રે,
    તયેં પોલ ખૂલી કે સંધાનાં ખોળિયામાં લોહીબોહી નહીં, હોય ગાભા રે!
    ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!

    આ અંતરામાં કવિ કહે છે કે દિવસે બહાદુર દેખાતા લડધાઓ મોટેભાગે રાતે બીકથી ભાભા થઈ જાય છે. અહીં એમની પોલ ખૂલે છે. એ બધા લોકોનાં ખોળિયામાં લોહી નહીં, ગાભા છે. ગાભા એટલે લીરા, ચીંથરા. એટલે કે જે લોકો સમાજને ચલાવનારા છે એમનામાં જીવંત લોહી નથી, ફક્ત જૂના, સડેલા વિચારોના ચીંથરા છે. અને ગીતનાં અંતમાં કવિ ખુલ્લાસો કરે છે કે “એ કોકડું ઉકેલ્યું નથી જતું.” એમ કહીને કવિ એ જવાબદારી આપણા પર મૂકી દે છે. અહીં અંતે નિરાશા નથી પણ એક સવાલ છે કે આ સડેલા ગાભા સુકવવા માટે ગરમી ક્યાંથી લાવવી? એટલે કે પરિવર્તનની આગ ક્યાંથી લાવવી? કવિ પાસે આ સવાલનો જવાબ નથી. એટલે જ ગીત પૂરું થવા છતાં મનમાં ઘૂમરાયા કરે છે. આ ગીત વાંચ્યા પછી મન હલકું નથી થતું, ભારે થાય છે. પણ એ ભાર જરૂરી છે. એ જ આ ગીતની અને કવિની સિદ્ધિ છે.

    જો કે આ ગીતની તલસ્પર્શી ખાસિયત તો એ છે કે તેની ભાષા શુદ્ધ સાહિત્યિક નથી પણ આ ગુર્જરી માટીની ગંધવાળી છે. “મત્તું”, “થ્થું”, “પેશકદમી”, “લડધા”, “ભાભા”, “ગાભા” વગેરે શબ્દો લોકબોલીનાં છે, જે રોજબરોજ બોલાતા રહે છે. કવિ એ ગામઠી ભાષાને ગોંદરેથી ગલીમાં એટલે કે શેરીમાંથી ઉપાડીને ગીત કવિતામાં બેસાડે છે. અને પ્રતીકો પણ કેવા વાપરે છે? જુઓ, દસ્તાવેજ એટલે સત્તા, વરસાદ એટલે સત્ય/બળવો, ગૂમડું એટલે દબાયેલો ક્રોધ, ગાભા એટલે ખોખલાપણું, છાપરાની હેઠ એટલે સીમાથી બહારનું સત્ય. કોકડું” એટલે અહીં સડેલી વ્યવસ્થા, ખોખલા લોકો, દબાયેલું સત્ય. એટલે કે પણ જે લોકો સિસ્ટમ ચલાવે છે એમની અંદર લોહીને બદલે ગાભા ભરેલા છે. હવે સવાલ એ છે કે એ ગાભા સૂકવવાની આગ આપણે ક્યાંથી લાવશું? જે સવાલ મૂક્યો છે “ગાભાને સૂકવવા ગરમી ક્યાં ગોતવી-એ કોકડું ઉકેલ્યું નથી જતું!” એનો જવાબ એમણે આપ્યો નથી. કારણ કે એ જવાબ આપણા બધાના હાથમાં છે.

    – ‌પીયૂષ ભટ્ટ

  9. વિવેક said,

    July 29, 2026 @ 11:12 AM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર…

    રચનાઓ સવિસ્તાર આસ્વાદ કરાવનાર શ્રી પીયૂષ ભટ્ટનો સવિશેષ આભાર…. ર.પા.ના તમામ વર્ષાગીતોનો એમણે કરાવેલ આસ્વાદ વારાફરતી ગીતો ખોલીને વાંચવા જેવા છે. કવિતાને સમજવાની આવી મથામણ કરનાર આવા સહૃદય ભાવકો આજે ઝાઝા રહ્યા નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment