ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

સ્મરણો છલક………છલક – બકુલેશ દેસાઈ

હળવી પળો વચાળ સૈ, વાગી ગઈ હલક,
એકાંતઘેરી મેડીએ સ્મરણો છલક…છલક.

બળબળતું દશ્ય પાંપણે હરએક મોડ પર,
અમને બતાવ જિંદગી, જાવું કયે મલક?

ભીડયાં કમાડ પાર જુઓ, છે અધીર મન!
અવસરપણાની વાટમાં આંખોય નિષ્પલક!

‘બકુલેશ,’ ધન્ય પળ હતી જ્યારે એ આંખમાં,
નામ જ તમારું સાંભળી આવી ગઈ ચમક!

– બકુલેશ દેસાઈ

સર્જક પુરુષ છે, પણ અભિવ્યક્તિ સ્ત્રીની જણાય છે. કારણ મત્લાનો ઉઘાડ ‘સૈ’ સાથેના સંવાદ તરીકે થાય છે અને પુરુષ પરત ફરે એની પ્રતીક્ષામાં આંખો બંધ કમાડની આરપાર તાકી રહી છે. સ્મરણોનું પોતાનું આગવું જ ગણિત છે. એ ક્યારે ખુશીના સરવાળા કરી બેસે ને ક્યારે દુઃખના ગુણાકાર એ ખબર જ ન પડે. હલવી પળોમાં છલક છલક થતાં સ્મરણો એકાંતઘેરી મેડીના એકાંતને ઓર ગાઢું કરી દે છે. જ્યાં જુઓ, લ્હાય જ લાગી છે. કઈ તરફ જવું એ કેમ સૂઝે! જિંદગી પોતે કોઈ રસ્તો બતાવે તો ઠીક, બાકી… મિલનના અવસરની વાટમાં આંખો પલકવું ભૂલી જઈ ભીડ્યાં કમાડની આરપાર પહોંચી ગયેલ અધીરા મનને જોઈ રહી છે. પ્રિયજનનું નામ સાંભળતાવેંત આંખોમાં ચમક આવી ગઈ હતી એ ધન્ય પળ ભૂતકાળ બની ગઈ હોવાના ભાર ન અનુભવાય એવા હળવા વજન સાથે ચાર જ શેરમાં ગઝલ પૂરી થઈ જાય છે. ચારેય શેર આંખ અને પ્રતીક્ષાના એક જ તાંતણે બંધાયા છે. (હલક-છલક-મલક સાથે ચમક કાફિયા અનિર્વાહ્ય. એકાક્ષરી ગુરુને ગઝલમાં લઘુકરાર આપી શકાય, પણ ‘સૈં’ જેવા એકાક્ષરી જોડાક્ષરને લઘુ તરીકે ન લેવાય.)

23 Comments »

  1. Harihar Shukla said,

    August 13, 2026 @ 1:01 PM

    સુંદર ગઝલ, અનૂઠા કાફિયા નિભાવીને👌

  2. Yogesh Samani said,

    August 13, 2026 @ 3:45 PM

    સરસ ગઝલ 👌
    ચમક કાફિયા ન ચાલે.

  3. Yogesh Samani said,

    August 13, 2026 @ 3:47 PM

    સૈ… લઘુ લેવાય?

  4. Yogesh Samani said,

    August 13, 2026 @ 4:12 PM

    ચમક કાફિયા ચાલે?
    સૈ… ગા લેવાય?

  5. વિવેક said,

    August 13, 2026 @ 5:42 PM

    @યોગેશ સામાણી:

    ક્યારેક દોષદર્શનનાં ચશ્માં ઉતારી ગુણદર્શનનાં પણ પહેરી લેવાય… કવિતાની ખરી મજા જ એમાં છે…

    ચમક – કાફિયાદોષ કહેવાય
    સૈં વિશે હું સાશંક.

    આ ગઝલ તમારા-મારા જન્મ સમયની ગઝલ છે. એ સમયે ઘણા ગઝલકારોમાં ગઝલશાસ્ત્ર બાબતની સુવાંગ સમજણ નહોતી.

  6. Kishor Ahya said,

    August 13, 2026 @ 7:52 PM

    આજકાલ તો મીડિયા! ક્ષણમાં મિલન!ક્ષણમાં વિરહ! હવે પછીની પેઢીઓને કદાચ આવા સુંદર ગીતો ,ગઝલ જોવા પણ નહી મળે! કેમકે મિડિયા વિરહનો અનુભવ થવા જ ક્યાં દે છે? અને અનુભવ વિના લખશે કોણ? અને કોઈ લખશે તો પણ લોકો એને માનશે ખરા? સમયમાં બધું બદલાયા કરતું હોય છે, પણ એવું નથી કે જીવનમાંથી મિલન કે વિરહ નીકળી જશે! એતો આદિકાળ થી ચાલ્યું આવે છે ને ચાલતું રહેશે, હા, મિલન વિરહના સ્વરૂપો જરૂર બદલાશે. મેસેજની આપલે કરવાથી પ્રેમ સંબંધો બનશે અને ટાઇમે ફોન મેસેજ નહી કરવાથી સંબંધો તૂટશે એ વિરહમાં પછી પ્રિયતમની યાદમાં રોજ ફોન જોયા કરવાનો! કોઈ મેસેજ ? કોઈ ફોન?ફેસ બુક ઇન્સ્ટા માં ડિલીટ તો નથીને? સ્ટેટ્સ શું છે? ઓન લાઈન છે? એકબીજાને મિસ કોલ કરવા! સ્ટેટ્સમાં સ્ટેટ્સ મૂકી પોતાની વાત કહેવી,એક બીજાને ગમતા સ્ટેટ્સ મૂકી ફરી મિલન માટેનો રસ્તો બનાવવો..વગેરે પણ સાહિત્ય વાચન વિના નવા કાવ્યો કે ગઝલ થાય કેવી રીતે? લાઇબ્રેરીના જૂના કબાટો વાંચનારની રાહ જોઈ રહ્યા છે ! પણ કયારેક ક્યારેક કોઈ કાકા આ કબાટો ખોલતા દેખાયા કરે છે!

    કવિ શ્રી બકુલેશ દેસાઈની આ વિરહ ગઝલ “સ્મરણો છલક………છલક –” એ જૂના સમયની વિરહની વાતોની ગઝલ છે .સરસ શબ્દો અને લયથી ગઝલ શોભી ઊઠી છે. શ્રી વિવેકભાઈ આવી મજાની ગઝલ શોધી શોધી બ્લોકમાં મૂકતા રહે છે એથી ગઝલકારો અને ભાવકવર્ગ બંનેને ખૂબ મોજ પડે છે. લયસ્તરો પર કાવ્ય કે ગઝલ પ્રકાશિત થવી કવિને મન ઇનામ લાગ્યા જેવું હોય છે ત્યારે લયસ્તરો પર મૂકવામાં આવતી રચનાઓની સંખ્યા થોડી વધારી શકાય તો જીવનના છેલ્લા તબ્બકામાં જીવતા કવિઓ અને ઘણા બધા નવોદિત કવિઓની રચનાઓ લયસ્તરો પર પ્રકાશિત કરી શકાય પણ શ્રી વિવેકભાઈ ડોક્ટર પણ છે અને કામમાં ખુબજ વ્યસ્ત હોવા છતાં આટલો સમય આપે છે એ પણ ઘણું બધું છે. ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ. ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ આજે આંગળીને વેઢે ગણી શકાય તેટલા હશે! અને શ્રી વિવેકભાઈ તેમાંના એક છે ,એ આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ.

    🌹🌹🌹🌹

  7. Yogesh Samani said,

    August 14, 2026 @ 1:01 AM

    વિવેકભાઈ, કવિ ગમે એટલા જૂના હોય, એમની ગઝલના દોષ જોયા વગર અહીં મૂકો તો ઘણાં ગેરમાર્ગે દોરાઈ શકે છે એટલી સમજણની તમારી પાસે અપેક્ષા રાખું છું.

  8. Yogesh Samani said,

    August 14, 2026 @ 1:05 AM

    સૈ… ગુરુ જ લેવાય.

  9. વિવેક said,

    August 14, 2026 @ 8:44 AM

    @Yogesh Samani

    આપની વાત સાચી છે. હલક-છલક-મલક સાથે ચમક કાફિયા અનિર્વાહ્ય. એકાક્ષરી ગુરુને ગઝલમાં લઘુકરાર આપી શકાય, પણ ‘સૈં’ જેવા એકાક્ષરી જોડાક્ષરને લઘુ તરીકે ન લેવાય.

    બીજાની ભૂલોને પાયો બનાવી ઈમારત ઊભી કરવા નીકળેલ ગઝલકાર બહુ ઊંચે જઈ નહીં શકે. સજગ ગઝલકારને ખબર જ હોય કે શું સાચું અને શું ખોટું, શું અનુકરણીય અને શું અનાનુકરણીય.

  10. Jigisha Desai said,

    August 14, 2026 @ 12:32 PM

    સરસ ગઝલ…
    ચમક અને સૈ વિશે મનમાં શંકા થઈ હતી પણ પછી બીજી બધી કોમેન્ટ વાંચી એટલે હવે શંકા રહી નથી…

  11. Vrajesh Mistri said,

    August 15, 2026 @ 9:24 AM

    વાહ..

  12. શૈલેષ પંડયા નિશેષ said,

    August 17, 2026 @ 2:29 PM

    વાહ… વાહ…

  13. Suresh Parmar said,

    August 17, 2026 @ 2:55 PM

    🌹👍🙏 ખૂબ સરસ.

  14. જિજ્ઞા વોરા said,

    August 17, 2026 @ 3:49 PM

    એકાંત ઘેરી મેડી … વાંચીને જ મઝા આવી ગઈ.
    કવિ નિયમોના બંધન તોડીને વ્યકત થાય ત્યારે અભિવ્યક્તિ વધુ બનતી હોય છે
    એટલે મને તો ગમી.

  15. Harsh said,

    August 17, 2026 @ 6:15 PM

    સુંદર ગઝલ… ચમક કાફિયાદોષ ગણાય પરંતુ હાલ ચાલતા ટ્રેંડમાં એકક્ષરીના મુક્ત કાફિયા જે લેવાય છે એ તો આ દોષ કરતા પણ વધુ અસરકારક હોય છે…

  16. ramesh maru said,

    August 17, 2026 @ 9:13 PM

    વાહ 👌🏻

  17. Bhavna sonaiya said,

    August 18, 2026 @ 7:03 AM

    ખૂબ સુંદર ગઝલ

  18. વિવેક said,

    August 18, 2026 @ 11:00 AM

    રચના વિશે વિધેયક ટિપ્પણી કરનાર તમામ સહૃફય ભાવકોનો હૃદયપૂર્વક આભાર..

    રચનાના બાહ્યાંગ દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી યોગેશ સામાણીની બાજનજરનો પણ ઓશિંગણ છું..

  19. JIGNA RATHOD said,

    August 18, 2026 @ 6:09 PM

    મસ્ત ગઝલ 👌👌👌💐💐

  20. Preeti pujara said,

    August 19, 2026 @ 12:58 PM

    આ ગઝલનું સમગ્ર ભાવવિશ્વ સ્મરણ, એકાંત, પ્રતીક્ષા અને અંતરમાં સચવાયેલા પ્રેમની નાજુક લાગણીઓથી રચાયું છે. “સ્મરણો છલક…છલક”માં ભૂતકાળની એવી પળો જીવંત બને છે, જે એકાંતમાં મનને ફરી ફરી ભીંજવે છે. જીવનના વળાંકો પર ઊભેલી મૂંઝવણ “જાવું કયે મલક?”માં સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો “આંખોય નિષ્પલક” પ્રતીક્ષાની તીવ્રતાને વધુ ઘેરી બનાવે છે.

    અંતિમ શેરમાં ગઝલનો ભાવોચ્ચાર થાય છે—પોતાનું નામ સાંભળતાં જ પ્રિય આંખોમાં આવેલી ચમક કવિ માટે એક ધન્ય પળ બની જાય છે. અહીં પ્રેમ કોઈ મોટા શબ્દોમાં નહીં, પરંતુ આંખની એક ક્ષણિક ચમકમાં વ્યક્ત થયો છે. સમગ્ર ગઝલમાં સહજ ભાષા સાથે ઊંડી સંવેદના છે અને દરેક શેર જાણે સ્મરણની કોઈ અલગ બારી ખોલે છે.

  21. વિવેક said,

    August 19, 2026 @ 6:00 PM

    સરસ પ્રતિભાવ આપવા બદલ સુશ્રી પ્રીતિ પૂજારાનો ખાસ આભાર

  22. jyoti Patel said,

    August 20, 2026 @ 4:02 PM

    Superb! Every line holds such deep emotion and meaning. The way vivekbhai describes the mathematics of emotions is classic.

    Poetry is meant to be felt, not just clinically dissected for errors. It simply shows the true beauty of old-time poetry. Thank you, vivekbhai , for choosing emotional depth over rigid formulas.👏 👏

  23. વિવેક said,

    August 20, 2026 @ 5:42 PM

    @jyoti Patel:

    Thanks a ton for such a warm feedback. Yes, Poetry is indeed meant to be felt, not just clinically dissected for errors.

    Of course, one must thrive for perfection, but then, none of are perfect, right?

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment