ગઝલ – દિલીપ રાવલ
હોઠોના સ્મિત સાથે આંખોમાં છે તળાવો,
તારામાં તારી સાથે કંઈ કેટલા બનાવો.
ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.
સૂરજનું અસ્ત થાવું કોઈ તળાવ વચ્ચે,
હો સ્વપ્ન છો ને કિંતુ એક સાંજ ત્યાં વિતાવો.
આંસુ, વિરહ, વ્યથાઓ, સપનાં અને નિઃસાસા,
છે આપણી જ વાતો ને આપણા બનાવો.
છોને વસંત માણો, એક કામ પૂરું કરજો,
ફૂલોને પાનખરમાં જઈને તમે હસાવો.
– દિલીપ રાવલ
આજકાલ વાંચવા મળે છે એના કરતાં સાવ નોખો જ અંદાજે-બયાં લઈને આવતી ગઝલ… બધા જ શેર કેવા મજાના!
સુરેશ જાની said,
November 16, 2017 @ 7:42 AM
પાનખરમાં પહોંચી ગયેલા આ જણને પાનખરમાં હસવા, હસાવવાની વાત ગમી.
SARYU PARIKH said,
November 17, 2017 @ 9:17 AM
વાહ! મજાની રચના.
ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો….
સરયૂ પરીખ
સુનીલ શાહ said,
November 17, 2017 @ 9:36 AM
વાહ…ખૂબ સુંદર અભિવ્યક્તિ
Jayendra Thakar said,
November 17, 2017 @ 10:14 PM
ફૂલોને પાનખરમાં જઈને તમે હસાવો. મોસમ છે પાનખરની…હસાવું તો એ ખરતા પાનને,
ફુલોતો સદાબહાર છે!