ફાગુન આયો રી – રાજેન્દ્ર શાહ
. ફરી ફરી ફાગુન આયો રી
મલય કેરે વાયરે વાયો
. ફાગુન આયો રી !
મંજરીની ગંધ,
. પેલાં કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
. મને સહુનો લાગ્યો છંદ;
. હોજી મારો જીવ લુભાયો રી !
દુનિયા કેરા ચોકમાં આજે
. કોણ છોરી કોણ છેલ ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં
. રમતાં રે અલબેલ !
આવી સુખ સુહાગન વેળ,
. ચારિ ઓર લાલ ઉડાયો રી.
– રાજેન્દ્ર શાહ
હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!
ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?


પુષ્કરરાય જોષી said,
March 3, 2026 @ 2:12 PM
ખૂબ સરસ
Kishorchandra Ahya said,
March 3, 2026 @ 11:49 PM
સરસ મજાની લય સાથેનું સુંદર ગીત છે. ફાગણ માસ એટલે વસંતનો મહિનો, ફાગણ માસ એટલે હોળી ધુળેટી પર્વનો ઉલ્લાસ! ધુળેટી રમતા છોરા છોરી માટે કવિ કહે છે “દુનિયા કેરા ચોકમાં
આજે કોણ છોરી કોણ છેલ ?” કવિ ધુળેટી ઉત્સવ અંગે કહે છે.. “ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં.
રમતાં રે અલબેલ !
આવી સુખ સુહાગન વેળ,
ચારિ ઓર લાલ ઉડાયો રી.”
વાહ! વાહ!
🌹🌹🌹🌹