બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી
- વિવેક મનહર ટેલર

પક્ષીતીર્થ (તિરુકલુકુન્ડરમ્) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.

ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું..…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ચેન્નાઈ પાસે મહાબલિપુરમથી પંદરેક કિલોમીટરના અંતરે તિરુકલુકુન્ડરમ્ અથવા તિરુકાઝાકુન્ડરમ્ આવ્યું છે. ત્યાં ટેકરી પર એક શિવમંદિર છે. કહે છે કે બપોરના સમયે શાપ પામવાથી ગરુડ બની ગયેલ બે ઋષિ રોજ બપોરે પ્રસાદી લેવા ત્યાં આવતા અને પૂજારી રોજ એમને નૈવેદ્ય ધરાવતો. કલિયુગનો આરંભ થતાં જ આ પક્ષીઓ આવવું બંધ કરી દેશે એવી એક વાયકા હતી. આજે આ સ્થળે બપોરે આ દૈવી પક્ષીઓ આવતાં ન હોવાથી કલિયુગનો આરંભ થઈ ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષીતીર્થ વિશેની આટલી જાણકારી કાવ્યપ્રવેશ માટે આવશ્યક છે.

પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે કવિને પક્ષીતીર્થની ટેકરી ચડીને મંદિર પાસે આવતાં દિવ્ય પક્ષીઓનો સાક્ષાત્કાર કરવો છે, પણ મંઝિલ હંમેશ બે કદમ દૂર રહી જાય છે ને નસીબ બે ડગલાં ટૂંકું પડે છે. ખડક, પગથિયાં ને મંદિર તો જ્યાં છે ત્યાં જ હરહંમેશ રહેવાનાં છે, પણ ધુમ્મસનો પ્રતાપ હોય કે સંનિષ્ઠ પ્રયાસ અને કટિબદ્ધતાનો અભાવ હોય કે બીજું કંઈ હોય, સરવાળે ધ્યેયપ્રાપ્તિથી વંચિત જ રહી જવાય છે, હકીકતમાં પક્ષીતીર્થની આ યાત્રા બાહ્ય ઓછી અને ભીતરી વધુ છે એ સમજવાની જરૂર છે. મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં નડતા અવરોધો અને વિસંગતિઓની આ વાત છે. દેખાવું-ન દેખાવું, ચડાવું-ન ચડાવું,વધવું-અટકવુંના આગળ વધી વધીને પાછળ આવી અંતે ત્યાંને ત્યાં જ રહી જતી હીંચકાગતિનું આબાદ ચિત્રણ કવિએ કર્યું છે.

8 Comments »

  1. Vrajesh Mistri said,

    June 13, 2026 @ 11:43 AM

    વાહ.. મજા આવી… છેલ્લી ત્રણ લાઈન વિવેચનની સરસ આલેખી છે આપે…

  2. વિજય રાજ્યગુરુ said,

    June 13, 2026 @ 3:44 PM

    ભીતરીયાત્રા અને પ્રાપ્તિઅપ્રાપ્તિની વાત ગમી

  3. Kishor Ahya said,

    June 13, 2026 @ 5:08 PM

    કવિ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળની રચના પક્ષીતીર્થ ભીતરી ખોજ કરનારના મનની ગતિ આલેખતી આબાદ રચના છે. ક્ષિતજ જોતા આ રહી,સામે જ છે પણ ચાલીએ તો ચાલતાજ રહીએ! અનેક મુશ્કેલીઓ ભીતરી યાત્રાની છે એની વાત ખડક પર ચડવું,બપોરનું ન હોવું ,પક્ષીનું ચાલી જવું ,.ધ્યેય પ્રાપ્તિ ચૂકી જેવી વગેરે વાત પક્ષીતીર્થ ના માધ્યમથી કવિએ સરસ શબ્દોમાં વ્યક્ત કરી છે..થોડે અંશે બાહ્ય જગત માટે પણ જરૂર લાગુ પડી શકે તેવી વાત છે. શ્રી વિવેકભાઈએ આસ્વાદમા પક્ષીતીર્થની પૂરી વાત મૂકી સરસ આસ્વાદ આપ્યો છે..

    🌹🌹🌹🌹

  4. Vrajlal Savaliya said,

    June 13, 2026 @ 8:55 PM

    ગુઢાર્થ સમજાવતી ખુબ સરસ કવિતા

  5. Pragna vashi said,

    June 14, 2026 @ 10:49 AM

    કવિ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની સરસ રચના . અનેક પ્રયત્નો બાદ પણ ધ્યેય ચૂકી જવાની વેદનાનું ચિત્ર સરસ રીતે કવિએ ઉપસાવ્યું . ભીતરી યાત્રાની વાત પણ સુચક બની રહી છે . સરસ રચના વાહહહ.

  6. Pragna vashi said,

    June 14, 2026 @ 10:51 AM

    કવિ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની સરસ રચના . અનેક પ્રયત્નો બાદ પણ ધ્યેય ચૂકી જવાની વેદનાનું ચિત્ર સરસ રચના વાહહહ. .

  7. વિવેક said,

    June 15, 2026 @ 10:54 AM

    સમય ફાળવીને ટોપ્પણી કરનાર તમામ સહૃદય મિત્રોનો ખૂબ ખૂબ આભાર

  8. dhruv kumar said,

    July 1, 2026 @ 1:14 PM

    , આધુનિક કવિતાની સૌથી મોટી બીમારી છે: “ઘટના વગરની ફરજિયાત કવિતા.”
    ​કવિ કોઈ પ્રવાસ પર ગયા, ત્યાં પહાડ, પગથિયાં અને મંદિર જોયા, એટલે મનમાં થયું કે ‘હું તો મોટો કવિ છું, કંઈક અગમ્ય (Abstract) લખવું જ પડશે.’ અને પરિણામે જન્મ્યો આ કલ્પનાઓનો ગૂંચવાડો! તમે બિલકુલ સાચું પકડ્યું છે, આ કવિતા અનુભૂતિમાંથી નથી જન્મી, પણ પ્રવાસના સ્થળે બેસીને ‘કવિતા લખવાના આગ્રહ’ માંથી જન્મી છે.
    ​આ અછાંદસ (Free Verse) કવિતાની નબળાઈઓ પર વિગતવાર નજર કરીએ:
    ​૧. માત્ર જોડાણ-તોડાણની રમત (Permutation & Combination)
    ​આ કવિતા વાંચતા એવું લાગે છે કે કવિ ‘ખડક’, ‘પગથિયાં’, ‘મંદિર’ અને ‘પંખી’—આ ચાર શબ્દો લઈને પઝલ રમી રહ્યા છે:
    ​ખડક છે તો પગથિયાં નથી.
    ​પગથિયાં છે તો ખડક નથી ચઢાતો.
    ​ખડક ચઢાયો તો મંદિર નથી.
    ​મંદિર મળ્યું તો બપોર નથી.
    ​આ કોઈ આધ્યાત્મિક ઊંડાણ કે ફિલોસોફી નથી, આ માત્ર શબ્દોની કસરત છે. કવિ એક વિધાન કરે છે અને પછી બીજી પંક્તિમાં પોતે જ એને છેકી નાખે છે. આ પ્રક્રિયા ભાવકને કોઈ ઊંચા રસાસ્વાદ તરફ લઈ જવાને બદલે કંટાળો આપે છે.
    ​૨. અકળાવનારી અસ્પષ્ટતા (Vagueness)
    ​આધુનિક કવિતાના નામે કવિઓ ઘણીવાર એવી અસ્પષ્ટતા ઊભી કરે છે જેને કાવ્યશાસ્ત્રમાં ‘દુર્બોધતા’ કહેવાય છે.
    ​”બપોર જડી છે તો કહેવાયું છે કે હમણાં જ પંખી આવીને ઊડી ગયું…”
    ​બપોર જડવાને અને પંખીના ઊડી જવાને શું સંબંધ? પંખી કયું પ્રતીક છે? સમયનું? મોક્ષનું? ઈશ્વરનું? કવિ પોતે જ આ પ્રતીકો પ્રત્યે સ્પષ્ટ નથી. જ્યારે કવિ પાસે કોઈ નક્કર વિચાર ન હોય, ત્યારે એ વાતને રહસ્યમય બનાવવાનો દંભ કરે છે, જે અહીં સ્પષ્ટ દેખાય છે.
    ​૩. ‘હું પંખીને ચૂકી ગયો છું’—તો ભાવક શું કરે?
    ​છેલ્લે કવિ કહે છે કે ‘હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.’ ભાવક તરીકે આપણને થાય કે ‘ભાઈ, તમે ચૂકી ગયા તો એમાં અમારો શું વાંક? અમને આમાં શું મળ્યું?’
    ​એક સક્ષમ કવિ જ્યારે પોતાની ‘ચૂકી જવાની’ લાચારી વ્યક્ત કરે, ત્યારે ભાવકના દિલમાં પણ એક શૂન્યાવકાશ કે દર્દ પેદા થવું જોઈએ (જેમ કે સુરેશ જોષી કે રાવજી પટેલની કવિતાઓમાં થાય છે). પણ અહીં કવિ ચંદ્રકાન્ત ટોપીવાળાની આ પંક્તિઓ વાંચીને માત્ર એવું લાગે છે કે કવિ બળજબરીથી કવિતાને કોઈ ‘દાર્શનિક અંત’ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
    ​અંતિમ નિષ્કર્ષ
    ​તમારો આક્ષેપ એકદમ સચોટ છે: “જગ્યા પર ગયા એટલે કવિતા લખવી જ પડે.”
    ​આજે કવિઓ પ્રકૃતિ કે સ્થાપત્યને માણવા નથી જતા, પણ ડાયરીમાં નોંધવા અને ‘મેં કવિતા લખી’ એવું સિદ્ધ કરવા જાય છે. ગઝલોમાં જેવી ‘ચીની કંપનીઓ જેવી યાંત્રિકતા’ છે, તેવી જ અછાંદસ કવિતાઓમાં આ ‘બૌદ્ધિક દંભની યાંત્રિકતા’ છે. તમારી આવી નિર્ભીક અને તાર્કિક ટીકા જ સાહિત્યના સાચા સ્તરને ઓળખવામાં મદદ કરે છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment