હુકમનું પાનું – મકરન્દ દવે
ભાઈ મારા, હું તો હુકમનું પાનું.
માલીકે મ્હોર મારી
કાળજ વીંધાણાં કારી
આલેખ્યાં એણે ફરમાનું. –ભાઈ મારા૦
જીવ્યું ઝબોળી આખું
એનો તે રંગ રાખું
એના દીદારનું દીવાનું. —ભાઈ મારા૦
આયુ ને મોત માથે
એના અદીઠ હાથે
ઘડી છતું ને ઘડી છાનું. —ભાઈ મારા૦
એકા ને રાજારાણી
ઢાળીને ધૂળધાણી
દૂકી તો મારતી મેદાનું —ભાઈ મારા૦
હુકમની હાર જીતે
જાણું ના કોઈ રીતે
એની બાજીનું હું તો બાનું.
ભાઈ મારા, હું તો હુકમનું પાનું.
– મકરન્દ દવે


Kishor Ahya said,
July 31, 2026 @ 7:58 PM
ઇશ્વર પ્રત્યેનો સમર્પણભાવ દર્શાવતી કવિ શ્રી મકરન્દ દવેની આ રચના ધર્મના સાર જેવી ઉતમ છે.
સમર્પણ ભાવવાળી આ રચના તો ભારતના આત્મા સમાન છે. આ રચના જેવી જ ઘણી અનેક રચનાઓ ભારતના સાહિત્ય જગતમાં ઉપલબ્ધ છે. સંત શ્રી કબીર સાહેબનો દોહો છે..
“કબીર કૂતા રામ કા, મુતિયા મેરા નાઉં,
ગલે રામ કી જેવડી (દોરી), જિત ખેંચે તિત જાઉં.”
મારા ગળા માં ઈશ્વરની દોરી છે તે જ્યાં ખેંચી જાય ત્યાં હું જાઉં છે.
અખા ભગત છપ્પા માં કહે છે,
“એ મોટમ સઘળી જાયે ટળી, જ્યમ આતશબાજી પલકે બળી;
હરિ વગર પદારથ નથી બીજું કોઈ, બાજીગરની બાજી જોઈ.”
જેમ આતશબાજી ક્ષણમાં પૂરી થઈ જાય છે તેમ આ બધી મોટાઈ જતા જરા વાર નથી લાગતી. ઇશ્વર બાજીગર છે એ બાજી રમાડે છે.ભક્ત મીરાંબાઈના બધા પદો સમર્પણ ભાવથી ભરેલા છે
“મહાંને ચાકર રાખો જી, ગિરધારી લાલા…
હરિના હાથની દોરી આપણે, એ જેમ નચાવે તેમ નાચવું રે.”
નરસિંહ મહેતાનું પ્રખ્યાત ગુજરાતી ભજન.. જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે..
ચીનના મહાન સંત લાઓત્ઝુ એમના પ્રખ્યાત પુસ્તક તાઓ તેહ ચિંગ માં કહે છે સુકા પાંદડા જેવો છું હવા જ્યાં લઈ જાય ત્યાં જાઉં છું!
પ્રાસંગિક છે તો એકાદ બે વાત સમર્પણ ભાવ વિશે કરી લઈએ..
સિક્કાની બે બાજુ હોય છે તેમ ઇશ્વર પ્રત્યે સમર્પિત રહેવાની ભક્તો અને ઉપદેશકોની વાણીથી કેટલાક અણસમજુ લોકો કર્મના સિદ્ધાંતને બાજુ પર મૂકી દઈ ઊલટો અર્થ કરી ઈશ્વરની મરજી અને ભાગ્ય પર ભરોસો રાખી કર્મ કરવાથી બચી રહ્યા છે! લાઓત્ઝુ કહે છે અસ્તિત્વ ઘાસના તિનકા અને મનુષ્ય વચ્ચે કોઈ ફરક કરતું નથી!
ઋગ્વેદનું પ્રખ્યાત નાસદિય સૂક્ત ઇશ્વરના સ્વરૂપ વિશે પ્રકાશ આપતા કહે છે “इयं विसृष्टिः यत आबभूव यदि वा दधे यदि वा न। यो अस्याध्यक्षः परमे व्योमन् तद् वेद यदि वा न वेद॥”
“આ સુષ્ટિ ક્યાંથી બની, તેણે કોઈ આકાર ધારણ કર્યો છે કે નહીં, પરમ આકાશમાં રહેલો આ સૂર્ણનો સ્વામી (ઈશ્વર) પણ તેને જાણે છે કે કદાચ તે પણ નથી જાણતો!”
આ અસ્તિત્વ Ego less , કર્તાના અભાવવાળુ છે કદાચ ઇશ્વરને (અસ્તિત્વને) પણ ખબર નહી હોય કે તે પોતે છે કે નહી! . જ્યાં નિયમ છે પણ નિયમ બનાવવાવાળો નથી. આ નિયમમાં કોઈ અપવાદ નથી. જ્યાં પ્રાથના સાંભળવવાળુ કોઈ નથી છતાં પ્રાથના સંભળાય જાય છે!
કેટલાક વિદ્વાનો ઇશ્વરના અસ્તિત્વનો જ ઇનકાર કરી રહ્યા છે
નાસ્તિકો કહે છે , ઇશ્વર એક કાલ્પનિક શબ્દ છે,તો એની મરજીનો ક્યાં પ્રશ્ન છે? અને મરજી શું કામ હોય? ઈશ્વરની મરજી એક શાબ્દિક શબ્દ માત્ર છે! મનુષ્યને જીવવાની પરમ સ્વતંત્રતા છે અને જેમ જીવવું હોય તેમ જીવવાનો મનુષ્યને પૂર્ણ અધિકાર છે એટલે ઈશ્વરની મરજીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.
આ રચના પર આવીએ એ પહેલા શ્રીમદ્ ભગવત ગીતાના અધ્યાય ૨ માં રચનાને પ્રસ્તુત શ્લોકની વાત કરી લઈએ…
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥
બધાં જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમ્યાન (વચ્ચેની અવસ્થામાં) પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુન: અપ્રગટ થઈ જાય છે। તો પછી આમાં શોક કરવા જેવું શું છે?એટલેકે મનુષ્ય જીવનમાં ચિંતા કરવાનું કારણ શું છે? મનુષ્ય દેહ વચ્ચેના થોડા સમય માટે જ છે તો ચિંતા છોડી ઈશ્વરે ધાર્યું હશે તેમ થશે તેમ માની જીવી લેવાનો એક અલગજ આનંદ છે. મનુષ્ય જ્યારે ખરેખર ઇશ્વરને સમર્પિત કરીને જીવવા લાગે તો એજ મોક્ષનું દ્વાર બને છે. કવિ ‘હુકમનું પાનું’ રચનામાં સમર્પણની આજ વાત પાનાનું ઓઠું મૂકીને કરે છે. રચના ખૂબ સરળ ભાષામાં છે. કવિ કહે છે…
હું તો હુકમનું પાનું.
માલીકે મ્હોર મારી
કાળજ વીંધાણાં કારી
આલેખ્યાં એણે ફરમાનું. –ભાઈ મારા૦
‘હુકમનું પાનું ‘ આ શબ્દનો અર્થ સમજવા જેવો છે. પાનાની રમતમાં દરેક ખેલાડીને વારાફરતી કોઈ એક પાનાને હુકમનું પાનું નક્કી કરવાનો અધિકાર હોય છે, આ પાનું એ બધા પાના કરતા શ્રેષ્ઠ ચડિયાતું ગણાય છે! કવિ આ સંદર્ભમાં કહે છે હુકમ તો ઉપરથી આવે છે, હું તો ફ્કત તેનું પાનું માત્ર છું.
જીવ્યું ઝબોળી આખુંએનો તે રંગ રાખુંએના દીદારનું દીવાનું. —ભાઈ મારા૦
આયુ ને મોત માથે
એના અદીઠ હાથે
ઘડી છતું ને ઘડી છાનું
કવિ કહે છે એના અદૃશ્ય હાથમાં આયુષ્ય અને મોત છે . મોત ક્યારેક છતું ક્યારેક છાનું છાનું આવે છે.
એકા ને રાજારાણીઢાળીને ધૂળધાણીદૂકી તો મારતી મેદાનું —ભાઈ મારા૦
હુકમની હાર જીતે
જાણું ના કોઈ રીતે
એની બાજીનું હું તો બાનું.
ભાઈ મારા, હું તો હુકમનું પાનું.
એકા અને રાજા વાળી બાજી શ્રેષ્ઠ ગણાય છે પણ ક્યારેક એકા રાજાને હરાવી દુકીનું પાનું બાજી મારી લે છે! આ ઓઠૂં લઇ કવિ અહીં જીવનનું રહસ્ય બતાવે છે કે અહીં કોની હાર થશે કે જીત થશે એ કહી શકાય નહીં! ક્યારેક બહુ નાના માણસો મોટાને હરાવી દે છે! અહીં છેલ્લે આવતો શબ્દ ‘મારા ભાઈ’ થી આત્મીયતાની લાગણી અનુભવાય છે.
હુકમનું પાનું કવિ શ્રી મકરન્દ દવેની ઉતમ રચના છે . શ્રી વિવેકભાઈએ કાવ્યની ખૂબ સરસ પસંદગી કરી છે.
🌹🌹🌹🌹
વિવેક said,
August 1, 2026 @ 11:47 AM
વાહ કિશોરભાઈ વાહ…
કોઈક કારણોસર આ મહિને પોસ્ટ કરવાની રચના એક મહિના વહેલી પ્રગટ થઈ ગઈ, એટલે ટિપ્પણી લખવાની બાકી રહી ગઈ… પણ આપે મારું અધૂરું કામ સુપેરે પૂરું કરી આપ્યું… વાહ.. શું સરસ વિસ્તૃત આસ્વાદ કરાવ્યો છે! વાહ વાહ
ખૂબ ખૂબ આભાર
DILIP DHOLAKIYA SHYAM said,
August 1, 2026 @ 1:04 PM
જીવનનાં ઊંડા રહસ્યને ઉજાગર કરતી એક અલૌકિક રચના.. સાંઈ મકરંદની રચનાઓ ઈશ્વર પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને જીવતરમાં સાક્ષી ભાવ અને શ્રદ્ધાને પ્રેરિત કરતી હોય છે.. મોજ પડી ગઈ..