હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

પરખાઈ ગયા – દિનેશ ડોંગરે ‘નાદાન’

આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં;
એકમાં છે કેટલા ચહેરાઓ, પરખાઈ ગયા.

બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે;
વાસ્તવિકતા એ જ કેવળ રૂપ બદલાઈ ગયાં.

જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે;
અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.

એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.

એમની વાચાળતાનો છે અલગ અંદાઝ આ;
એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.

આખરે ‘નાદાનજી’ ના વ્યક્ત કંઈપણ થઈ શક્યું;
ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.

– દિનેશ ડોંગરે ‘નાદાન’

ગઝલનો મત્લા વાંચીએ ત્યારે સાહિર લુધિયાનવી લિખિત દાગ ફિલ્મના ગીતનું મુખડું માનસપટ પર ઝબકે:

जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग
एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग

પ્રસ્તુત ગઝલનો મત્લા પણ મનુષ્યના એક ચહેરામાં અનેક ચહેરાઓ સંતાયેલ હોવાની જ વાત કરે છે, પણ સાહિરે અનુમાનથી જે વાત કરી હતી, દિનેશ ડોંગરે એને પ્રમાણ આપીને કહે છે. આયનો તૂટીને ટુકડેટુકડા થઈ જાય ત્યારે દરેક ટુકડામાં આપણો ચહેરો નજરે ચડે છે. જે ચહેરો આખા આયનામાં આખો દેખાતો હતો, એ કોઈપણ ટુકડામાં આખો દેખાઈ શકતો નથી અને દરેક ટુકડામાં ચહેરાના અલગ અલગ ભાગ નજરે ચડે છે. એક ચહેરો તરડાઈ જઈને અનેકમાં વિભાજિત થઈ જાય છે. અહીં આયનો એકવચનમાં નથી. વાત આયનાઓની છે એટલે જોનાર પણ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે. આયનાનું બહુવચન કરીને કવિએ કોઈ એક વ્યક્તિના પ્રતીકથી સમાજની વાત કરવાના બદલે આખેઆખા સમાજને જ વરુણીમાં લઈ લીધો. બધા જ શેર વાંચતાવેંત ગમી જાય એવા છે.

15 Comments »

  1. viral vyas said,

    September 2, 2026 @ 9:42 AM

    મૌન પડઘાઈ ગયાં ….સરસ

  2. kiransinh chauhan said,

    September 2, 2026 @ 11:21 AM

    સુંદર ગઝલ

  3. Harihar Shukla said,

    September 2, 2026 @ 11:27 AM

    સરસ ગઝલ. મૌન પડઘાઈ ગયાં કે મૌન પડઘાઈ ગયું આવે, મૌન બહુવચનમાં આવે કે કેમ એ બાબત આશંકા.

  4. Yogesh Samani said,

    September 2, 2026 @ 11:46 AM

    સરસ ગઝલ 👌

  5. Dinesh Dongre said,

    September 2, 2026 @ 12:45 PM

    આપનો હૃદયપૂર્વક આભાર વિવેકભાઈ.
    ગઝલના મતલાને આપે ખૂબ સુંદર રીતે ઉઘાડી પ્રસ્તાવના બાંધી ગઝલ પ્રવેશ સરળ બનાવી દીધો છે.

  6. Jayesh Bhatt said,

    September 2, 2026 @ 1:31 PM

    વાહ, સરસ ગઝલ

  7. સાજ મેવાડા said,

    September 2, 2026 @ 1:56 PM

    વાહ, ખૂબજ સરસ ગઝલ, નાદાન જી. બધા શૅર વિચારતા કરી દે છે, અનુભવ વાણી બધાની આવી જ હશે.

  8. dhruvkumarfilms14@gmail.com said,

    September 2, 2026 @ 2:18 PM

    દિનેશ ડોંગરે ‘નાદાન’ની ગઝલ

    4 ચોથો શેર – થોડી નવીનતા અને તાજગી
    “એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
    ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.”

    આ શેરમાં કવિએ ‘એમ આવ્યાં, એમ બેઠાં…’ જેવો બોલચાલનો સહજ લય વાપરીને શબ્દો વગર કેવળ ‘વર્તન’ (Body Language) દ્વારા મનના ભાવ પ્રગટ થવાની વાત કરી છે. સાની મિસરામાં એક સહજ વહાવ છે. છતાં, જો ઊંડાણથી જોઈએ તો આ વિચાર પણ સાહિત્યમાં સાવ નવો નથી, પણ આ આખી ગઝલના અન્ય શેરોની સરખામણીએ આ શેરમાં સહજતા અને લયનું સંતુલન ચોક્કસ જળવાયું છે.

    1 મત્લા : “આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં…”
    અરીસો તૂટવો અને એકમાં અનેક ચહેરા દેખાવા—આ ઉર્દૂ-ગુજરાતી ગઝલનો સૌથી વધુ વપરાઈ ગયેલો વિચાર છે. આમાં કવિનો પોતાનો કોઈ નવો કલ્પનાલોક કે અણધારી ચોટ નથી.

    2: “બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે…”
    ચંદ્રના રૂપ બદલાવાની વાત તદ્દન સ્થૂળ અને પ્રકૃતિનું સાધારણ સત્ય છે. આ વાતને કાવ્યાત્મક ચમત્કૃતિ કે ગૂઢ કલ્પનમાં ઢાળવામાં કવિ સાવ નિષ્ફળ રહ્યા છે. આ માત્ર એક સપાટ નીતિ-વિધાન બનીને રહી જાય છે.

    3: “જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે / અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.”
    જિંદગીભર અબુધ રહેવું અને છેલ્લી ક્ષણે જ્ઞાન થવું—આ ફિલસૂફી પણ પરંપરાગત ગઝલોનું ઘસાઈ ગયેલું પિષ્ટપિંજણ છે. વાક્યરચના એટલી ગદ્યાત્મક છે કે કોઈ કાવ્યરસ નિષ્પન્ન થતો નથી.

    5: “એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.”
    ‘મૌનનું પડઘાવું’ કે અબોલામાં વાચાળતા હોવી—
    6 મક્તા “ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.”
    આ વિરોધાભાસ ગઝલોમાં ચવાઈને રસહીન થઈં ચૂક્યો છે.આમાં કોઈ તાજગી કે નવો આયામ નથી.

    ⚫. સર્જકની ‘આત્મ-સમીક્ષા’ –આવી રચનાઓને લોકો સામે મૂકતા પહેલા કવિએ પોતે જ પોતાની રચનાની આલોચના કરવી જોઈએ ..

    છંદ અને કાફિયા એ માત્ર માળખું છે, આત્મા નથી: આ ગઝલમાં કવિએ વજન, છંદ અને કાફિયા-રદીફ બરાબર ગોઠવ્યા છે. પણ કવિતા માત્ર ટેકનિકલ બંધારણથી નથી બનતી; એમાં વિચારની મૌલિકતા, કલ્પનની તાજગી અને ચોટ હોવી અનિવાર્ય છે.
    ઘણા કવિઓ પ્રાસ મળી જાય એટલે તરત જ એને ‘ઉત્તમ ગઝલ’ માનીને વાચકો સામે મૂકી દે છે. જો કવિ પોતે જ પોતાની કૃતિ પ્રત્યે નિર્મમ થઈને આત્મ-સમીક્ષા કરે, તો આવી નબળી અને ગદ્ય-સમાન રચનાઓ ફિલ્ટર થઈ જાય.

  9. Kishor Ahya said,

    September 2, 2026 @ 11:22 PM

    “પરખાઈ ગયા ” કવિ શ્રી દિનેશ ડોંગરે ‘નાદાન’ની ગઝલનો દરેક શેર માણવા જેવો છે ને વાત પણ મજાની જ છે. નાયક નાઇકાને કઇક કહેવા ઇરછે છે પરંતુ નાઇકાનુ ઊઠવું બેસવું વગેરે ક્રિયાઓ અને નાઇકાના વર્તનનો અંદાજ જોતા નાયક નાઇકાને કઇ કહી શકતો નથી!

    “આખરે ‘નાદાનજી’ ના વ્યક્ત કંઈપણ થઈ શક્યું;
    ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.”
    આ શેર થોડો શેરની દૃષ્ટિએ નબળો છે
    અહીં ‘જી’ શબ્દ થોડો ખૂચે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતા માટે જી શબ્દનો ઉપયોગ કરતું નથી!
    આ શેર આ રીતે પણ થઈ શક્યો હોત.

    આખરે ‘નાદાન’વ્યક્ત કરી શક્યા કાઈ ના, અથવા કરી શકાયું કાંઈ ના.
    ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.

    શ્રી વિવેકભાઈ એ ગઝલની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  10. Devendra Shah said,

    September 8, 2026 @ 11:19 AM

    🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏

  11. Suresh Parmar said,

    September 8, 2026 @ 11:40 AM

    સરસ ગઝલ 👍🌹🙏

  12. Jigna Rathod said,

    September 8, 2026 @ 12:44 PM

    ભાવ અંતર ના બધા વર્તનમાં દેખાઇ ગયા
    વાહ 👌👌 બહુ સરસ ગઝલ… અભિનંદન 💐💐

  13. chaitanya smart said,

    September 8, 2026 @ 2:07 PM

    આયનાનાં સંદર્ભમાં ગુલઝાર નો એક શેર યાદ આવે છે.આઓ સારે પહેન લે આયના સબ કો અપના ચેહરા દીખેગા.અપની રૂહ કિસને દેખી હૈ..નાદાનજી ની સોંસરવી ગઝલ

  14. વિવેક said,

    September 9, 2026 @ 10:44 AM

    રચના અંગેની વિધાયક ચર્ચામાં જોડાનાર તમામ ભાવકોનો આભાર…

  15. jyoti Patel said,

    September 13, 2026 @ 11:55 AM

    Excellent ghazal….every line makes one pause and think,
    leaving a striking image of the fakeness and double standards
    so common in our modern society.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment