શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.
- વિવેક મનહર ટેલર

એક ઈન્દ્રવજ્રા ગઝલ – સોલિડ મહેતા

આકાશ આખ્ખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે

ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે

ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે

હોવાપણાનો કરશું ખુલાસો
એકાન્ત ભીનું પડઘાય ત્યારે

સદર્ભ સાચો મળશે મને ત્યાં
સંકેતમા કૈં. સમજાય ત્યારે

હું હસ્તરેખા સળને ઉકેલું
ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે

ઊઠાડશો ના ભરઊંઘમાંથી
જાગીશ સૂર્યોદય થાય ત્યારે

– સોલિડ મહેતા

ઘણા ગઝલકારોએ પ્રચલિત સંસ્કૃત છંદોને ગઝલમાં અજમાવ્યા છે. છંદનું નામ કવિએ શીર્ષકમાં જ જાહેર કરી દીધું છે. ગઝલનો મત્લા ભાવકને કોઈક રીતે પાશમાં જકડી લે તો ભાવક આખી ગઝલમાંથી પસાર થવાની જહેમત કરે. આ ગઝલમાં કમનસીબે એવું થયું નથી. જ્યારે આખું આકાશ ચકરાય છે, ત્યારે ચારે દિશાઓ તરડાય છે એ વિધાન શેર બની શકતું નથી. વળી, બેમાંથી એક મિસરામાં રદીફ બિનજરૂરી લટકણિયું બની રહે છે. વાક્યની રચના જ એવી છે કે એકવાર જ્યારે અને એકવાર ત્યારેના સ્થાને બે વારના ‘ત્યારે’નો બોજ સહી ન શકે. ઘા પોતે લૂ જેવા દાહક છે, એમાં વળી ઇચ્છા પણ ભળે એટલે દુકાળમાં અધિક માસ ને પડ્યા પર પાટુ. ઉદાસીના અજગરભરડામાંથી ઘર ત્યારે જ બચી શકશે જ્યારે સાતે સમુદ્રો છલકાશે, બધી જ મુરાદો બર આવશે. ભીનું એકાન્ત વિયોગ અને રુદન બંનેને ઈંગિત કરે છે. એકાંત પણ છે અને રુદન પણ છે, પણ બંને મૂંગા છે. અવાજ ઊઠે તો પડઘો પડે ને પડઘો પડે તો સામી વ્યક્તિ સુધી પહંચે. જીવનમાં આવું કશું ઘટવાનું નથી એની ખાતરી હોવા છતાં કવિ ઠાલો સધિયારો આપે છે કે આવું કશું થશે ત્યારે અમે અમારા હોવા વિશે ખુલાસો કરીશું, કારણ હાલમાં તો અમારું હોવું ન હોવા બરાબર જ છે. રહસ્યો છતા થઈ જવાની પળે તકદીરને સમજવાની મથામણ કરવાવાળો શેર સરસ થયો છે, પણ હસ્તરેખા સાથે છંદાનુવર્તી શબ્દ ‘સળ’ ભરતીનો પ્રતીત થાય છે. છેલ્લો શેર પણ ભાવગહન થયો છે.

(છંદવિન્યાસ: ગાગા લગાગા લલગા લગાગા)

Leave a Comment