વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
શબનમ ખોજા

દશાવતારની ગઝલ – ડૉ. હર્ષદેવ માધવ

(મત્સ્ય)
સાત દરિયામાં સંબંધો વિસ્તરે
સર્વ તટ એને હવે ટૂંકા પડે

(કચ્છપ)
હું ભુવન મારી ધુરાવશ થૈ ધરું
ધરણીધરની કાંકરી ખૂંચે મને?

(વરાહ)
હે તિમિરિ! પેટાળને ખુલ્લાં કરો
એક પરપોટેય માયા ફૂટશે

(નૃસિંહ)
લોહી ઊગ્યું નખની ડાળે પુષ્પવત્
હિંસ્રતા અડધી ક્લેવરનાં વને

(વામન)
હેય! નક્ષત્રો છે મારી પાનીએ
ક્યાં ઉપાડેલું ચરણ મૂકું હવે?

(પરશુરામ)
શસ્ત્રધારા આંખમાં સળગી અને
વક્ષ વડવાનલ બનીને ઊછળે

(રામ)
વાસનાને શિર દસ, શત હાથ છે
ક્ષાર જલ આ ચોરફ બસ ઘૂઘવે….

(કૃષ્ણ)
ક્યાંય વૃંદાવન નથી, ગોકુલ નથી
દ્વારિકાવત્ જીવ શેમાં ડૂબશે?

(બુદ્ધ)
નિષ્ક્રમણ પૂરું નથી થાતું અહીં
શૂન્ય પણ શોધ્યા કરે છે શૂન્યને

(કલ્કિ)
આવવું પાછું ફરી…. પાછું ફરી….
ખાંધ પર ઊંચકી જવા કયા ભારને?

– ડૉ. હર્ષદેવ માધવ

કવિ દશાવતારને ગઝલાવતાર આપવાનું વિચારે ત્યારે પુરાણના સંદર્ભો અને સાંપ્રત સમય વચ્ચે સાયુજ્ય ન સાધી શકાય તો ગઝલ ગઝલ ન રહેતાં, પુરાણકથા બનીને રહી જાય. સાવ અલગ પ્રકારની ગઝલમાં અદભુત કવિકર્મ કરીને કવિએ આપણને યાદગાર ગઝલ આપી છે.

• મત્સ્ય અવતાર: સત્યવ્રત રાજા (મનુ વૈવસ્વત)ને હાથ લાગેલ મત્સ્ય ક્રમશઃ સમુદ્ર જેટલું વિરાટ થઈ જાય છે, એમ માનવસંબંધોમાં અપેક્ષાઓ સાત દરિયાય નાના પડે છે.
• કચ્છપ (કૂર્મ) અવતાર: સમુદ્રમંથન વખતે કચ્છપે મંદરાચળને પીઠ પર ધારણ કર્યો હતો એમ દરેક માણસ વિપદાઓની કાંકરીઓના ખૂંચવાની ફરિયાદ કર્યા વિના પોતપોતાના સંસારનો ભાર ઊઠાવીને જીવી રહ્યો છે,
• વરાહ અવતાર: વરાહ ભગવાને અંધકારમય જળના પેટાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એમ મોહમાયાના પરપોટાને ફોડી પેટાળમાંથી પ્રકાશ/સત્ય બહાર લાવવાની વાત છે.
• નૃસિંહ અવતાર: અર્ધ નર- અર્ધ સિંહ (હિંસ્રતા) બનીને નૃસિંહના નખની ડાળે પુષ્પવત્ ઊગતું લોહી પ્રેમ અને રક્ષણની ભાવાભિવ્યક્તિ છે.
• વામન અવતાર: સાચા કવિની વિરાટ ચેતના નક્ષત્રોય પગ નીચે આવી જાય એ હદે વિસ્તરતી હોય છે,
• પરશુરામ અવતાર: પરશુરામના ક્રોધાગ્નિની જેમ અહીં આંખોમાં શસ્ત્રધારા અને છાતીમાં વડવાનલ જેવો આક્રોશ ઊછળે છે. અહીં શેરિયતનો અભાવ ખલે છે.
• રામ અવતાર: દસ માથાં અને સો હાથવાળા રાવણ સમી વાસનાની ચોતરફ કેવળ ક્ષારયુક્ત દુઃખનો દરિયો ઘૂઘવે છે.
• કૃષ્ણ અવતાર: ગામડાંની નૈસર્ગિક્તા અને પ્રેમ શહેરોની ભૌતિકતામાં ક્યાં મળવાની? આ જીવ હવે શેમાં ડૂબશે?
• બુદ્ધ અવતાર: મહાભિનિષ્ક્રમણ કરો કે ન કરો, આ જગતમાં માનવનો આંતરિક શોધનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી.
• કલ્કિ અવતાર: ઈશ્વરને પણ વારંવાર અવતાર લેવા પડે છે અને આપણાં તો ચોર્યાસી લાખ ફેરા લખાયેલા જ છે. સંસારનો એવો તે કયો ભાર છે, જેને ઊંચકી જવા માટે વારંવાર પાછા આવવું પડે છે?

12 Comments »

  1. Vrajesh Mistri said,

    August 25, 2026 @ 10:48 AM

    વાહ… ગુરુજીની રચના

  2. Barin Dixit said,

    August 25, 2026 @ 10:49 AM

    ખૂબ સરસ ગઝલ. આપનું અવલોકન એથી વિશેષ 🙏🙏💐

  3. Kishor Ahya said,

    August 25, 2026 @ 4:59 PM

    યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ર્ભવતિ ભારત ।
    અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥

    પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
    ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.

    હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.

    સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું.

    ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવત્ ગીતાના આ શ્લોકમાં ઉજાગર કરેલું
    સત્ય ભગવાને જુદા જુદા સ્વરૂપે લીધેલ અવતારોની ગાથાઓ છે જેના સાર સૂત્ર જેવી કવિશ્રી ડૉ.હર્ષદેવ માધવની ”દશાવતારની” ગઝલ ખૂબ સરસ છે.

    (કલ્કિ)
    “આવવું પાછું ફરી…. પાછું ફરી….
    ખાંધ પર ઊંચકી જવા કયા ભારને?”to
    ફરી ફરીને કયો ભાર ઉચકી જવા પાછું આવવાનું?
    (એક અવતાર હજુ બાકી છે કોણ
    ભગવાનને કહે કે પૃથ્વીવાસીઓ રાહ જોઈ રહ્યા છે!)

    શ્રી વિવેકભાઈ એ થોડી વિવિધ વિષય વાળી ખૂબ સરસ ગઝલ પસંદ કરી ખૂબ જ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  4. મનીષા આર. દુધાત , મનમંદિર said,

    August 31, 2026 @ 11:39 AM

    વાહ… દસે દસ અવતારને જાણે શબ્દોની સાંકળમાં જકડી લીધા અને ગાગરમાં સાગર નો અનુભવ કરાવ્યો… ખૂબ ખૂબ અભિનંદન..

  5. Shailesh Rameshbhai Gadhavi said,

    August 31, 2026 @ 12:05 PM

    વાહ વાહ 💐

  6. Jayesh Bhatt said,

    August 31, 2026 @ 12:13 PM

    વાહ

  7. Sandhya Vijay Bhatt said,

    August 31, 2026 @ 3:01 PM

    આધ્યાત્મિક ભાવ નું સર્જન.. ખૂબ ખૂબ સરસ.

  8. Meena Parekh said,

    August 31, 2026 @ 3:52 PM

    વાહ ખૂબ સરસ. દશાવતારની ગઝલ તો મેં પહેલીવાર વાંચી. સરસ ભાવાનુવાદ પણ

  9. વિવેક said,

    September 1, 2026 @ 6:36 PM

    સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર

  10. jyoti Patel said,

    September 2, 2026 @ 9:51 AM

    A genius way to bridge puran katha into ghazal 👍👌

  11. ramesh maru said,

    September 2, 2026 @ 1:05 PM

    વાહ 👌🏻👌🏻💐

  12. kamlesh shukla said,

    September 2, 2026 @ 7:01 PM

    અદ્દભૂત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment