સંદર્ભનો દરિયો તરીને – વારિજ લુહાર
એક ભીના સ્પર્શનો દરિયો તરીને.
આવ! પીળા અર્થનો દરિયો તરીને.
રાહ જોતી શૂન્યતા ઉભી કિનારે,
આવ! કો’ સંદર્ભનો દરિયો તરીને.
ફૂલથી કોમળ છવિ મેં સાચવી છે,
આવ! મબલખ ગંધનો દરિયો તરીને.
પાંપણોમાં પીગળી જાશે પહાડો,
આવ! થીજયા બર્ફનો દરિયો તરીને.
શક્યતા છે ભીંતને નડશે તિરાડો,
આવ! સઘળી શર્તનો દરિયો તરીને
– વારિજ લુહાર
આમ તો ગઝલ પણ એક પ્રકારનું ઊર્મિકાવ્ય જ છે, પણ ગઝલમાં ઊર્મિઓ ઉપરાંત ચિંતન-વિચાર. અવલોકન વગેરેને પણ અવકાશ રહેલો છે. આમ તો સર્જન સમયનું કવિસંવેદન ભાવક યથાતથ અનુભવી શકે એ જ કવિતાનું સાર્થક્ય, પણ ગઝલમાં કેવળ ભાવસંવેદન જ પ્રત્યાયિત થાય એ આવશ્યક નથી. ગઝલને કદાચ ભાવાર્થ વધારે અભિપ્રેત છે. વિચારપ્રધાન ગઝલો શીઘ્ર પ્રત્યાયન સાધે એ જરૂરી નથી. આ ગઝલ જુઓ. દરેક શેરના સાની મિસરાની શરૂઆત ‘આવ’થી થતી હોવાથી ગઝલની રદીફ ‘આવ’ અને ‘દરિયો તરીને’ -એમ દ્વિભાજિત થયેલી પ્રતીત થાય છે. દરિયો તરીને આવવા માટેનું ઇજન છે, મતલબ બે જણ વચ્ચે દરિયાભરનું અંતર પડી ચૂક્યું છે. અને ભીતરના હનુમાનને જગાવીને એ પાર કરવાનું છે. મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કથક પ્રતીક્ષામાં શૂન્યવત થઈ, હૃદયમાં ફૂલશી સુકોમળ છબી સાચવીને, પાંપણોના પહાડ ઓગાળવા ને સઘળી શરતોને વિસારે પાડવા આ કાંઠે તૈયાર ઊભો છે. એ મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કવિ સ્પર્શ માટે ‘ભીનો’ વિશેષણ પ્રયોજે છે, ત્યારે સ્પર્શ ઉપલક કે ઔપચારિક ન રહેતાં લાગણીભર્યો ને ભીતરનો બની રહે છે. પણ બીજી પંક્તિમાં જે દરિયો તરવાનો છે એ પીળા અર્થનો છે, ઉદાસીનતાનો છે. ક્યારેક જે સ્પર્શ લાગણીભીના હતા એ હાલમાં ગ્લાનિની પીળાશ બની ગયા છે… નાયિકા હવે દરિયા પાર કરીને આ તરફ આવે તો જ સંદર્ભો અને મબલખ ગંધના દરિયા સજીવન થાય.


Yogesh Samani said,
August 19, 2026 @ 11:45 AM
વાહ… ઉમદા ગઝલ.
Harihar Shukla said,
August 19, 2026 @ 12:24 PM
અદભૂત ગઝલ અને ઉમદા આસ્વાદ, મોજ.
Kishor Ahya said,
August 19, 2026 @ 2:18 PM
સરસ મજાની ગઝલ છે .ગઝલના શરૂઆતના શબ્દો “આવ “અને અંતિમ શબ્દો રદિફ “દરિયો તરીને” ગઝલમાં પ્રાણ ફૂંકે છે. પ્રિયતમા દરિયો તરીને આવે તેવો ઇન્તજાર કરતો નાયક મજાના શબ્દોથી નાયકને આવવા માટે દિલથી આમંત્રણ આપતો દેખાય છે પણ હકીકતમાં અહીં પુરુષના અહંકારની અદૃશ્ય વાત છે! ભીંતમાં તિરાડ તો પડતી હોય છે પણ પ્રેમમાં જેમ એક ડગલું હું ચાલુ એક ડગલું તું ચાલ ,એમ જ્યારે તિરાડ પડે ત્યારે પણ આ રીતે તેને સાંધવી પડતી હોય છે, જ્યારે પુરુષ હમેશા એવી અપેક્ષા રાખે છે કે સ્ત્રી દોડતી આવીને તેને ભેટી પડે! જો કે નાયક અહીં જે શબ્દોથી દરિયો તરી આવવા પ્રિયતમાને આહવાન કરે છે તે હૃદયથી નિકળેલા શબ્દો છે અને એમાં સચાઇનો રણકો છે જે નાઇકાના હૃદયને દોડતું કરવા માટે પૂરતા છે.
“પાંપણોમાં પીગળી જાશે પહાડો,
આવ! થીજયા બર્ફનો દરિયો તરીને.” વાહ!
” સંદર્ભનો દરિયો તરીને ” કવિ શ્રી વારિજ લુહારની સરસ મજાની રચના છે.શ્રી વિવેકભાઈ એ મજાનો આસ્વાદ આપ્યો છે તથા ખૂબ સારી ગઝલ પસંદ કરી છે.
🌹🌹🌹🌹
varij.luhar@gmail.com said,
August 19, 2026 @ 2:32 PM
ખૂબ સરસ પ્રતિભાવ બદલ આભાર
jagdip nanavati said,
August 19, 2026 @ 3:08 PM
વાહ…. વારંવાર વાંચવી… વાગોળવી ગમે એવી ગઝલ…
Varij Luhar said,
August 20, 2026 @ 12:42 AM
‘ મેં ચારેક દાયકા પહેલાં લખેલી અને મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘ ગોરમ્ભા પછી ‘
માં સમાવિષ્ટ ગઝલને એક આગવો ઓપ આપીને ‘ લયસ્તરો ‘ પર મૂકવા માટે પ્રિય કવિશ્રી વિવેક ટેલરનો તથા પ્રતિભાવ આપનાર શ્રી યોગેશ સામાણી, શ્રી હરિહર શુક્લા , શ્રી કિશોર આહ્યા તથા
શ્રી જગદીપ નાણાવટીનો આભાર વ્યક્ત કરું છું.
Vrajesh Mistri said,
August 20, 2026 @ 1:37 PM
વાહ… વારિજભાઈ… વાહ
વિવેક said,
August 20, 2026 @ 5:44 PM
સૌપ્રથમ તો સાઇટ ઉપર પોતાનો પ્રતિભાવ આપવા બદલ કવિશ્રીનો ખૂબ ખૂબ આભાર…
તમામ પ્રતિભાવકોનો પણ હૃદયપૂર્વક આભારી છીએ…
Riyaz Langda said,
August 21, 2026 @ 10:57 AM
સરસ ગઝલ અને આસ્વાદ…👌
પૂજ્ય બાપુ said,
August 24, 2026 @ 11:08 AM
વાહ… સાંગોપાંગ ગઝલ
ramesh maru said,
August 24, 2026 @ 11:42 AM
વાહ 👌🏻👌🏻👌🏻
Devendra Shah said,
August 24, 2026 @ 11:56 AM
🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏
જિજ્ઞા વોરા said,
August 24, 2026 @ 12:52 PM
વાહ…વાહ! બહુત અચ્છે કવિ! 👏
Amin Kanchan said,
August 24, 2026 @ 3:18 PM
સરસ ગઝલ –
Parul said,
August 24, 2026 @ 7:19 PM
Waah
Sandhya Vijay Bhatt said,
August 24, 2026 @ 7:19 PM
વાહ..
Sandhya Vijay Bhatt said,
August 24, 2026 @ 7:20 PM
વાહ..વાહ.
Bhagirath Pandya said,
August 25, 2026 @ 12:06 PM
‘દરિયો તરીને…’ વારિજ લુહારની મસ્ત ગઝલ. ગમી. વિવેકભાઈનો આસ્વાદ પણ સ્વાદિષ્ટ. ભીના સ્પર્શનો દરિયો અને પીળા અર્થનો દરિયો. વાહ! બે મનોભાવને ખુબ સરસ રીતે વ્યક્ત કર્યા છે. આખી ગઝલ સંતર્પક. લયસ્તરો ટુ વે પ્લેટફોર્મ છે. કવિતા અને પ્રતિભાવની આવનજાવન. મૉજ.
શ્યામ ઠાકોર said,
August 25, 2026 @ 6:06 PM
ખૂબ સરસ
jyoti Patel said,
August 26, 2026 @ 8:40 PM
A truly deep look at love, logic, and longing—everything needed to establish an emotional connection.
Vivekbhai has nicely explained this, especially the part about awakening one’s inner Hanuman.