તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
– બાપુભાઈ ગઢવી

(હવે એક એવી કબરમાં હું પોઢું) – મકરન્દ દવે

હવે એક એવી કબરમાં હું પોઢું,
ન પૃથ્વી બિછાવું, ન આકાશ ઓઢું.

અને મારાં કેન્દ્રોને એવાં ફગાવું,
ન ગોત્યું જડે કોઈને મારું મોઢું.

નથી મારી પાસે કંઈ, સાદું સુખ છે,
તમે આવો તો એ બની જાય દોઢું.

હમેશાં લગનની શી બંસી બજે છે!
હમેશાં થતું સૌને સાગમટાં સોઢું.

અહીં કોણ ભૂંસે આ રાખોડી રાતો?
અહીં કોણ હાંકે આ પીળું પરોઢું?

ચલો, મીણનાં આંસુ લૂછો ભલા થઈ,
અને લાલ ચાંપી દો હૈયામાં લોઢું.

– મકરન્દ દવે

ઘણીવાર કવિતા ન કહે એ વાત કવિનું નામ કહી દેતું હોય છે. મત્લા જુઓ: એક એવી કબર, જ્યાં નીચે પૃથ્વી નથી બિછાવવાની ને માથે આકાશ પણ ઓઢવાનું નથી. આ કઈ જાતની કબર? સાંઈકવિ મકરન્દનો શેર હોય અને મારિફત (આધ્યાત્મિક્તા)થી રસાયેલ ન હોય એ કેમ બને? આ દૈહિક મરણ કે સ્થૂળ કબરની વાત નથી. જીવના શિવ સાથેના મિલનની આ વાત છે, જ્યાં પૃથ્વી કે આકાશ જેવા દ્વૈત પરિમાણોનું અસ્તિત્ત્વ જ નથી. આ મરણ, આ એ કબર છે, જ્યાં મરણ એટલે અંત નહીં, પરમ ચૈતન્ય સાથે એકાકાર થવું એ. પ્રિયજન સાથે હોય તો સાદામાં સાદું સુખ પણ દોઢું બની જાય. ખરી લગનની બંસી કાયમ કેવળ સ્વ માટે નહીં, સર્વ માટે જ હોવાની. એટલે જ કવિ સૌને સાગમટાં રાખી ચાલવાની વાત કરે છે, ચોથો શેર સુન્દરમના ‘કોણ?’ કાવ્યની યાદ અપાવે:

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

મીણનાં થીજી ગયેલી સંવેદના જેવા આંસુ કરતાં હૈયે ચંપાતા જીવતા અંગારા વધુ ઇચ્છનીય. ખરું ને? (પરોઢું ને સોઢું જેવા કાફિયા તો આજના કવિઓએ સૂઝેય નહીં.)

6 Comments »

  1. Meena Parekh said,

    September 27, 2026 @ 12:58 PM

    અદ્ભૂત

  2. Kishor Ahya said,

    September 27, 2026 @ 4:42 PM

    દરેક ઓર શેર પર વાહ! વાહ!ગઝલમાં ક્યાંય ભરી ભપકો નહીં અને કેવી મજાની વાત. આધ્યાત્મિક યાત્રાની આજતો ખૂબી છે જવાનું એકલા છે છતાં જેટલા સાથ મળે એને સાથે લઈ જવાનું મન થાય કેમકે એ મહાસુખની યાત્રા છે.

    “અને મારાં કેન્દ્રોને એવાં ફગાવું,
    ન ગોત્યું જડે કોઈને મારું મોઢું”
    આ યાત્રા માટેનું પહેલું પગથિયું છે , કવિને યાત્રાના રસ્તાની જાણ છે. કવિ કેન્દ્રને ફગાવવાની વાત કરે છે. કેન્દ્ર એટલે લગાવના સ્થાનો. જ્યાં જ્યાં માનવીની ઇચ્છાઓ ભાગતી દોડતી હોય એ મનના લગાવ સ્થળોથી મનને પાછું વાળવું, જેથી મનની પાર પહોંચી ચૈતન્યનો અનુભવ કરી શકાય.

    “નથી મારી પાસે કંઈ, સાદું સુખ છે,
    તમે આવો તો એ બની જાય દોઢું.”
    “હમેશાં લગનની શી બંસી બજે છે!
    હમેશાં થતું સૌને સાગમટાં સોઢું.”
    મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સાગર છલકતો હોય ,હદય અહોભાવથી ભરેલું હોય તે જ બધાને આ યાત્રામાં જોડાવા આમંત્રી શકે છે, કવિ બધાને આ યાત્રામાં જોડાવા સાગમટે નિમંત્રણ આપે છે, ( સોઢું )

    પ્રકૃતિની ઓળખ હોય ,જ્યાં મનુષ્ય પ્રકૃતિની અદ્ભુત લીલાઓથી અચંબિત થઈ અવાચક બની જાય ત્યારેજ આ યાત્રાની મહતા સમજાતી હોય છે. કવિ પ્રકૃતિના ગુણગાન કરતા કહે છે ,આ રાખોડી રાતો કોણ ભુંસી નાખે છે? (રાત્રિનું ગાયબ થવુ) આ પીળું(સોનેરી)સવાર કોણ હાંકે છે?(સવાર કોણ લાવ્યું)
    “અહીં કોણ ભૂંસે આ રાખોડી રાતો?
    અહીં કોણ હાંકે આ પીળું પરોઢું?”

    છેલ્લો શેરમાં જમાનાની વાત.
    “ચલો, મીણનાં આંસુ લૂછો ભલા થઈ,
    અને લાલ ચાંપી દો હૈયામાં લોઢું.”
    અહીં મીણના આંસુ નો અર્થ મગરના આંસુ જેવો જ છે, મનુષ્ય હૃદયથી જીવતો નથી, હાથીના દેખાડવાના અને ચાવવાના જુદા એમ માનવીનો દેખાડો જુદો છે, અંદરં જુદુ છે.આંસુઓ પણ જૂઠા છે, મીણના છે! તેથી જ કવિ કટાક્ષ કરી આંસુઓને પોછવાનું કહે છે.અને લાલ ચાંપી દો હૈયામાં લોઢું.લાલ લોઢું (અગ્નિથી ઉદ્દીપ્ત થયેલું) હૈયા પર ચાપી દો!(આટલું ઓછું પડતું હોય તો)
    “ચલો, મીણનાં આંસુ લૂછો ભલા થઈ,
    અને લાલ ચાંપી દો હૈયામાં લોઢું.”

    સાંઈ કવિ મકરન્દ દવેની ‘હવે એક એવી કબરમાં હું પોઢું’ સરસ ગઝલ છે,શ્રી વિવેકભાઈએ સરસ ગઝલ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  3. Shailesh Gadhavi said,

    September 27, 2026 @ 5:24 PM

    કનિને વંદન❤️🙏

  4. Shailesh Gadhavi said,

    September 27, 2026 @ 5:24 PM

    કવિને વંદન ❤️🙏

  5. Varij Luhar said,

    September 27, 2026 @ 6:09 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ..

  6. Kishor Ahya said,

    September 27, 2026 @ 6:33 PM

    કવિએ છેલ્લી પંક્તિમાં’મીણના આંસુ’ શબ્દ પ્રયોગ કર્યોં છે.આ પંક્તિનો એક અર્થ આવો પણ કરી શકાય. જેઓ મોહ માયા છોડતા નથી, ખોટું કરતા અચકાતા નથી ,દયા વિનાના ને સ્વાર્થી છે છતાં પોતે કેટલો બધો ભક્તિભાવ ધરાવે છે એ બતાવવા પોતાની જાતને જ છેતરી દંભી આશુ સારે છે એવા ભક્તજનો ઉપર કવિએ આ કટાક્ષ કર્યો હોય ! આ
    અર્થ ગઝલના ભાવ સાથે પણ ઠીક બેસે છે.કવિને આવું કહેવા માટે જરૂર કંઈક કારણ રહ્યું હશે.’અને લાલ ચાંપી દો હૈયામાં લોઢું.’ હૃદયમાં લાલ લોઢું ચાપી દો (એટલે આવા આંસુ નીકળે નહીં) અથવા સાચી ભક્તિ હોય તો આશુ નહી આગ ચાંપો, આવો પણ કટાક્ષ હોય શકે!
    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment